________________
મુખકમળને શોભાવનાર વસ્તુપાળ મંત્રી ! પાતાળથી બલિરાજાનો ઉદ્ધાર કરવા વારંવાર તુ માર્ગ શોધે છે. આ કાવ્યથી રાજી થયેલા વસ્તુપાળે એ કવિને આઠ હજાર રૂપીયા આપ્યા.
વળી એક દિવસ સભામાં એક શ્લોકનાં ત્રણ પદ પંડિતો બોલ્યા તેવી રીતનું ચોથું પદ ન જડ્યું ત્યારે તે શ્લોકનું ચોથું પદ જેવું જોઇએ તેવું પૂરી આપનાર જયદેવ નામે કવિને વસ્તુપાળે ચાર હજાર રૂપીઆ આપ્યા. તેનો અર્થ :
કર્ણ રાજાએ પોતાના શરીરની ત્વચા માગનારને આપી ને શિબિ રાજાએ પોતાના શરીરનું માંસ આપ્યું ને જીમૂતવાહને પોતાનો જીવ આપ્યો ને દધીચિ ઋષિએ પોતાના શરીરનાં હાડકાં આપ્યાં ને વસ્તુપાળે વારંવાર ધન આપ્યું.
એક દિવસ પંડિતોના દર્શનનો લાભ લેતી વખતે કોઇક દરિદ્રી બ્રાહ્મણે પોતાને ઓઢવાની એક પછેડી માંગી, ત્યારે તત્કાળ સેવકોને આજ્ઞા કરી અપાવી. ત્યાર પછી તે સમયને ઘટતો એક શ્લોક એ બ્રાહ્મણ બોલ્યો. તેનો અર્થ :
હે દેવ તમારા શત્રુની સ્ત્રીઓને રહેવાની જેવી પર્ણશાળા (ઝુંપડી) હોય તેવી આ મારી પછેડી છે.
ઝુપડીમાં જેમ કોઈ જગાએ આકડાનું તુર, કોઈ જગાએ બંધીઆ, કોઈ જગાએ કરાંઠીઓ હોય છે, તેમ અમને દાન કરેલી પછેડીમાં કોઈ કોઈ જગાએ, રૂનાં જાડા પુમડાં ઝીણા સુતરના તાંતણાં અને કપાસીયાનાં બીયાં જણાય છે.
આ સાંભળીને મંત્રી તેના ઉપર ઘણો ખુશ થયો. તેની વાક્યશક્તિને ઉત્તેજન આપવા પંદરસો રૂપીયાનો શિરપાવ આપ્યો. આ સમયે ત્યાં એક બાળચંદ્ર નામનો જૈન સાધુ, જે હેમચંદ્રાચાર્યનો શિષ્ય હતો અને જે મહા કવિમાં ગણાતો હતો તેણે મંત્રીને નીચે લખેલા અર્થ પ્રમાણે કાવ્ય કહી સંભળાવ્યું.
હે મંત્રીનું તમારામાં અને શિવમાં હવે કઈ ફેર રહ્યો નથી. કેમ કે, શિવને ગૌરી (પાર્વતી) જેમ વહાલી સ્ત્રી છે તેમ આપને ગૌરઅંગવાળી અતિશય વહાલી સ્ત્રી છે. અને જેમ શિવને વૃષ નામે નંદીકેશ્વર ઉપર આદર છે તેમ આપને વૃષ=ધર્મ ઉપર આદર છે. વળી શિવ જેમ ભૂતિ=ભસ્મ યુક્ત છે તેમ તમે ભૂતિ=સમૃદ્ધિએ યુક્ત છો. વળી શિવ, ગુણવડે શોભે છે. તેમ આપ શોભો છો. શિવને જેમ શુભ ગણ છે, તેમ આપને સારા સેવકો છે. એથી હવે વધારે આપને શું કહ્યું. મને શિવમાં ને આપનામાં કાંઈ ખામી દેખાતી નથી, ખામી છે તે ફક્ત જેમ શિવને બાલચંદ્ર લલાટને વિષે છે તેવા હોવાને માટે આપની પાસે કાંઈ સાધન નથી. એટલી ન્યૂનતા દેખાય છે. આ સાંભળી મંત્રી બાલચંદ્ર ઉપર વિશેષ ખુશ થયો અને તેની આચાર્ય પદવી કરવાની વખતે તેના લાભમાં એક હજાર રૂપીઆ ખરચ કરી યથાયોગ્ય રીતે શાસનની શોભા કરી. વળી મ્લેચ્છ સુલતાનનો ગુરુ આલમખાન જે મક્કાએ હજ કરવા જતો હતો તે પ્રતિદિન માર્ગ કાપતાં ગુજરાતમાં આવ્યો તે ખબર લવણપ્રસાદ અને વીરધવળના જાણવામાં આવી. એને પકડી રાખવાની ગોઠવણ કરવા વસ્તુપાળને બોલાવી સલાહ પૂછી. ત્યારે તેણે એક નીતિશાસ્ત્રનો શ્લોક કહ્યો. તેનો અર્થ :
૧૮૬
પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર