SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે ગાયન સાંભળવાથી સૂકા લાકડાને નવાં અંકુર ફૂટે ત્યારે એ ગાયન કળાનો અવધિ આવ્યો કહેવાય. ગાંધર્વનું આવું આશ્ચર્યકારક કહેવું સાંભળી, કુમારપાળે તથા હેમચંદ્રાચાર્યું તેને કહ્યું કે એ કૌતુક અમને દેખાડ. પછી આબુ પર્વત ઉપરથી વિરહક નામે ઝાડનું સૂકુ લાકડું મંગાવી, કુંવારી મૃત્તિકાનો ક્યારો કરાવી સભા વચ્ચે રોપ્યું.પછી પોતાની નવી ગાયનકળા વડે તત્કાળ તે કાષ્ટને નવપલ્લવ કરી, રાજાને તથા હેમચંદ્રાચાર્યને ઘણા ખુશ કર્યા. આ પ્રકારે આશ્ચર્યકારક સોલાક નામે ગાંધર્વનો પ્રબંધ પૂરો થયો. એક દિવસ રાજા કુમારપાળ સર્વ સામંતોનો દરબાર ભરી બેઠો હતો તેવામાં કોંકણ દેશથી એક બંદીજન (માગણ) આવ્યો. તે ત્યાંના રાજા મલ્લિકાર્જુનને “રાજ પિતામહ એટલે રાજાઓના બાપનો બાપ એમ કરી તેનાં વખાણ કરવા લાગ્યો. આવી રીતનું મિથ્યા ભાષણ સાંભળવાથી કુમારપાળને ઘણો ક્રોધ ચઢ્યો. સભામાં ચારે તરફ નજર કરી, તે વખતે રાજાના મનનો અભિપ્રાય જાણનાર અંબડ પ્રધાન તુરત હાથ જોડી ઉભો થયો. તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ સભા ઉઠ્યા પછી એકાંતે અંબડને બોલાવી સભામાં હાથ જોડી ઉભા થવાનું કારણ પૂછ્યું ત્યારે અંબડ બોલ્યો કે હું આપના મનનો અભિપ્રાય એવો સમજ્યો હતો કે, આ સભામાં કોઈ એવો સુભટ છે કે જે કોંકણ દેશ જઈ ત્યાંના મિથ્યાભિમાની રાજાને, જેમ શેતરંજની બાજીમાં મિથ્યા કલ્પેલો રાજા હોય તેવો ગણી તેને શિક્ષા કરે. આ પ્રકારનું અંબડ પ્રધાનનું બુદ્ધિબળ દેખી રાજા ઘણો પ્રસન્ન થયો તથા પોતે પહેરેલો પંચાંગી પોશાક આપી ઘણા લશ્કર સહિત કોંકણ દેશ મોકલ્યો. રસ્તામાં ક્યાંય પણ રોકાયા વિના ચાલતાં ચાલતાં કેટલાંક દિવસે કોંકણ દેશ જઈ પોહોચ્યો. ત્યાંની કલવિણી નદી જે પુર આવવાથી ઘણા જોસમાં વહેતી હતી તે ઘણી મહેનતે ઉતરી સામે કાંઠે પડાવ કર્યો. મલ્લિકાર્જુને અંબડ પ્રધાનને સંગ્રામ કરવા આવેલો જાણી પોતાનું સૈન્ય તૈયાર કરી તેની સામે જઈ મોટું યુદ્ધ કરી તેનો પરાજય કર્યો. હવે જીતાયેલો અંબડ પ્રધાન કાળાં વસ્ત્ર પહેરી, કાળું મુખ કરી, કાળું છત્ર માથા ઉપર ધરાવી, કાળો તંબુ તણાવી, પાટણ આવી રહ્યો છે, તેવામાં કુમારપાળે તે જોઈ સેવકને પૂછ્યું કે આ કોના સૈન્યનો પડાવ છે ? સેવકે કહ્યું કે કોંકણથી પરાજય પામી આવેલા અંબડ સેનાપતિનો પડાવ છે. આ સાંભળી ઘણો ચમત્કાર પામી કુમારપાળે તેને બોલાવી, પ્રસન્ન દૃષ્ટિથી સંભાવના કરી, તેને ફરીથી ઘણું સૈન્ય અને ઘણા સામંતો આપી મલ્લિકાર્જુનને જીતવા ફરીથી મોકલ્યો. અંબડ પ્રધાને કોંકણ જઈ ત્યાંની કલવિણી નદી ઉપર પાજ બંધાવી, સૈન્ય ઉતારી સાવધાનપણે યુદ્ધ કરવાનો આરંભ કર્યો. હાથીના સ્કંધ ઉપર બેસી લડવા આવેલા મલ્લિકાર્જુનના હાથીના દંતશૂલ પકડી, અંબા પ્રધાને ઉપર ચઢી જઈ મલ્લિકાર્જુનને કહ્યું કે, પ્રથમ તું મને પ્રહાર કર ! અગર તું તારા ઇષ્ટદેવને સંભાર ! એમ કહી તીખી તલવારના પ્રહારથી મલ્લિકાર્જુનને મારી પૃથ્વી પર પાડ્યો. જેમ સિંહ હાથીને લીલા માત્રમાં મારે તેમ અબડે મલ્લિકાર્જુનનો નાશ કર્યો. (૧) કુંવારી મૃત્તિકા એટલે વાપરવામાં ન આવેલી માટી. કુમારપાળરાજાનો પ્રબન્ધ ૧૫૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy