________________
મુખ કમળ ઉપર ઉચિત બાણ નાખી, તું ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ છો એવો ઉપહાસ તથા મિથ્યા સ્તુતિ કરી, છેતરીને નારાચ નામના બાણ વડે ભેદી હાથી ઉપરથી પાડ્યો, પછી કુમારપાળે હાથી ઉપર ઉભા થઇ પોતાનું વસ્ત્ર માથા ઉપર ફેરવી, જીત્યું જીત્યું એમ ઊંચે સ્વરે બોલી, બાકી રહેલા સર્વ સામંતોનો પરાજય કરી, પકડી તેમનો નિગ્રહ કરીને મોટી જીત મેળવી, એ પ્રકારે ચાહડ કુમારનો પ્રબંધ પૂરો થયો.
ત્યાર પછી કૃતજ્ઞ શિરોમણિ કુમારપાળ રાજાએ આલિંગ નામના કુંભારને સાતસો ગામની ઉપજવાળું ચિત્રકોટ પરગણુ બક્ષીસ કરી તેનો લેખ કરી આપ્યો. તે કુંભાર પોતાના કુટુંબ સહિત ત્યાં આવી રહ્યો. આજે પણ તે વંશના રાજાઓ લજ્જા પામતા સસરા નામથી ઓળખાય છે. જે ખેડૂતોએ કુમારપાળને સંકટની વખતે પોતાના ખેતરમાં કાંટાના સમૂહમાં સંતાડી રક્ષા કરી હતી, તેઓને પોતાના અંગરક્ષક સેવકો કરી હજુરીમાં રાખ્યા.
તે સમયે સોલાક નામે ગાંધર્વ ગીત કળામાં ઘણો પ્રવીણ હતો. તે કેટલીક વાર રાજાને ઘણો પ્રસન્ન કરતો, ત્યારે રાજા એકસો સોળ દ્રમ્ (રૂપીયા) તેને આપતો. તે રૂપીયા પોતાની પાસે ન રાખતાં, તેની મીઠાઈ લઈ, સર્વ છોકરાઓને વહેચી આપતો. એ પ્રમાણે જ્યારે રાજા કાંઈ આપે ત્યારે તેની મીઠાઈ લઈ વહેચી નાખે. એ વાત રાજાના જાણવામાં આવી ત્યારે તેનો પોતાનાથી અધિક ઉદારતાનો ગુણ દેખી, કોપ કરી કાઢી મૂક્યો. તેણે પરદેશમાં જઈ કોઈ રાજાને પોતાની ગીત કળાથી એવો રંજન કર્યો કે તે રાજાએ એને બે હાથી બક્ષીસ આપ્યા. તે લઈ પાછો પાટણ આવ્યો. પોતાને બક્ષીસ મળેલા બન્ને હાથીઓ રાજાને ભેટ કર્યા. આ પ્રમાણે તેનો ગુણ જોઈ રાજાએ સન્માન કરી પાછો પોતાની સેવામાં રાખ્યો.
વળી એક દિવસે એ પરદેશી સોલક નામે ગાંધર્વે રાજ સભામાં આવી એકદમ ઓચિંતી એવી બૂમો પાડવા માંડી કે મને ચોરી લીધો રે મને ચોરી લીધો !! આવા શબ્દ સાંભળી રાજાએ તેને પૂછ્યું કે, તને કોણે ચોરી લીધો ? ત્યારે જવાબ આવ્યો કે, “મારી ગાન કળાએ' રાજાએ પૂછ્યું શી રીતે ? ત્યારે બોલ્યો કે હે રાજન્ ! વનમાંથી મારી ગાન કળાએ મોહિત થઈ એક મૃગ મારી પાસે આવ્યો હતો, તેના કંઠે મારી સોનાની સાંકળ મેં કૌતુકથી પહેરાવી હતી. તેને લઈ રાજદ્વારમાં આવતાં, પાંજરામાં રહેલા સિંહનો એવો મોટો શબ્દ થયો કે, તેથી ત્રાસ પામી મૃગ વનમાં નાસી ગયો. આ પ્રકારે રાજાને વિનંતી કરી, તો પણ રાજાએ તેની વાત સાચી માની નહિ. તેનો નિશ્ચય કરવા કેટલાક સેવકો સહિત તેને વનમાં મોકલ્યો. તેણે વનમાં ગાન કરતાં ભ્રમણ કરવા માંડ્યું. ગાનથી આકર્ષણ પામી પેલો સોનાની સાંકળવાળો મૃગ તેની પાસે આવ્યો. તેને લઈ નગરમાં આવી રાજાને દેખાડ્યો. આ પ્રકારે તેની ગાયન કળાનો ચમત્કાર જોઇ, સભામાં શ્રી હેમચંદ્રાચાર્યે તેને પૂછ્યું કે તમારી ગાયન કળાનો અવધિ ક્યાં સુધી છે ? ત્યારે તે બોલ્યો કે હે મહારાજ ! (૧) જે હાલ ચિતોડ નામના કિલ્લાથી પ્રસિદ્ધ છે.
૧૫૨
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર