________________
આલિંગ (નામે કુંભાર) જેણે પ્રથમ સંકટની વખતે ઘણું રક્ષણ કર્યું હતું, તેને સન્માનજનક પદ આપ્યું. આ વખતે ઉદયનનો બીજો છોકરો ચાહડ કરીને હતો, જેને સિદ્ધરાજે પોતાનો છોકરો કરી રાખ્યો હતો. તે કુમારપાળની આજ્ઞામાં ન રહેતાં, સપાદલક્ષ રાજા (વિસલદેવ ચૌહાણનો આનાક નામે પૌત્ર)ની સેવામાં રહ્યો. તેણે કુમારપાળ સામે લડાઈ કરવાની ઇચ્છાથી ત્યાંના સર્વ સામંતોને લાંચ આપી, પોતાને સ્વાધીન કરી મોટું સૈન્ય મેળવી, સપાદલક્ષ રાજાને આગળ કરી, ગુજરાત દેશના સીમાડા પાસે આવી પડાવ નાંખ્યો. સોલંકી રાજા કુમારપાળ પણ પોતાનું સૈન્ય એકઠું કરી શત્રુ સન્મુખ આવ્યો. આ વખતે કુમારપાળનો એવો હેતુ હતો કે દેશને નિષ્ફટક કરવો, એટલે શત્રુ માત્રનો નાશ કરવો. એમ વિચારી લડાઈ કરવાનો દિવસ નક્કી કરી, લડાઈ કરવાની જગ્યા સાફ કરાવી ચતુરંગી સેના તૈયાર કરી, શત્રુની સામે આવી ઉભો રહ્યો.
લડાઈના આરંભમાં ગુજરાતના સામંતોને તથા પોતાના કેટલાક સેવકોને બાહડે ફોડ્યા છે, એ વાત કુમારપાળના જાણવામાં આવી. કુમારપાળે પોતાના પટ્ટહસ્તીના ચૌલિંગ નામે મહાવતને કોઇ અપરાધથી ઠપકો દીધેલો તેથી તેણે ક્રોધ કરી અંકુશનો ત્યાગ કર્યો. ત્યારે મહા ગુણવાળા શામલ નામે બીજા મહાવતને ઘણું દ્રવ્ય આપી તેની જગ્યાએ સ્થાપન કર્યો. પછી પોતાના કલહ પંચાનન નામે મદઝર હાથી ઉપર રાજયાસન તથા છત્રીસ પ્રકારના આયુધ સ્થાપન કરાવી, ફલક ઉપર પગ મૂકી, પોતાની મેળે હાથી ઉપર ચઢી બેઠો. પોતાના સામંતોને હુકમ કર્યો કે શત્રુ ઉપર એકદમ તૂટી પડો, પણ સઘળા સામંતોને ચાહડે આગળથી જ ફોડી મૂક્યા હતા, તેથી તેઓએ તેમ ન કર્યું. આ પ્રકારે પોતાનું સઘળું લશ્કર ભેદ પામેલું જોઈ રાજાએ વિચાર કર્યો કે હવે મારે જાતે જ લડાઈ કરવી. એવો નિશ્ચય કરી પોતાના શામળ નામે મહાવતને હુકમ કર્યો કે આપણા હાથીને, સન્મુખ સેનામાં છત્ર ચામરથી ઓળખાતા સપાદલક્ષ રાજાના હાથીની લગોલગ લઈ જા, જેથી તેની જ સાથે મારામારી કરી શકાય. આ પ્રકારે આજ્ઞા કરી તો પણ તે જ વખત તત્કાળ તેમ તેણે ન કર્યું. ત્યારે રાજા બોલ્યો કે તું પણ ફૂટ્યો છે કે શું ? ત્યારે મહાવતે જવાબ આપ્યો કે, હે સ્વામિન્! કલહ પંચાનન નામે હાથી તથા શામળ નામે મહાવત એ છે તો કોઈ કાળાંતરે પણ ફૂટે નહીં. પરંતુ સામા લશ્કરમાં હાથી ઉપર બેઠેલા ચાહડ નામે કુમારનો એવો તો ઉંચો અને દીર્ઘ હોંકારો છે કે જેની હાકથી ભલ ભલા હાથી પણ ચીસ પાડી પાછા હટી જાય છે. એમ કહી પોતાનું ઓઢવાનું વસ્ત્ર ફાડી, બે કડકા કરી, હાથીના બે કાનમાં ઘાલી, પોતાના હાથીને એવા જોરથી ધસાવ્યો કે દુશ્મનના હાથીને એકદમ દંતશૂળનો મોટો પ્રહાર કર્યો. ચાહડે લાંચ આપી કુમારપાળના ચૌલિંગ નામે મહાવતને ફોડી મૂક્યો હતો તે જ આ મહાવત છે એમ જાણી નિર્ભયપણે હાથમાં ઉઘાડી તલવાર લઇ, કુમારપાળને મારવા પોતાના હાથી ઉપરથી કલહપંચાનન હાથી ઉપર તરાપ મારી કૂદી પડવા જાય છે, એટલામાં તો શામળે પોતાના હાથીને પાછો ખસેડી લીધો, તેથી ચાહડ તુરત ભૂમિ ઉપર પડ્યો. તેને નજીકના પેદલ સેવકોએ ઘેરી લીધો. પછી રાજાએ આનાક નામે સપાદલક્ષના રાજાને કહ્યું કે તું શું જુવે છે ? હાથમાં શસ્ત્ર લઈ તૈયાર થા. એમ કહી તેના
કુમારપાળરાજાનો પ્રબન્ધ
૧૫૧