________________
કીર્તિપાળને) પાટ ઉપર બેસાડ્યો, પણ તે બેસતાં જ એટલો બધો ગભરાઇ ગયો કે, પોતાને ઓઢવાના વસ્ત્રનું પણ ભાન રહ્યું નહીં. પછી તેને અપ્રમાણ કરી બીજા કુમારને (વચલા ભાઈ મહીપાળને) ધામધુમથી પાટે બેસાડ્યો, ત્યારે તે હાથ જોડી દાસ જેવો થઈ બેઠો. તેનું પણ સર્વ પુરુષોએ પ્રમાણ કર્યું નહીં. ત્યાર પછી કાન્હડદેવની આજ્ઞાથી કુમારપાળને પાટે બેસાડ્યો. તે તો ઘણી હોશિયારીથી પોતાનાં સર્વ વસ્ત્ર જેમ ઘટે તેમ રાખી શ્વાસ ઉંચો લઈ સિંહાસન ઉપર બેસી હાથમાં લીધેલી તરવારને કંપાવતો રાજગોરે કરેલા માંગલિક તિલકને ધારણ કરતો પચાસ વર્ષની વયમાં કેટલાક માસ ઓછા હતા તે સમયે સંવત ૧૧૯૯, ઇસવીસન ૧૧૪૩ માં રાજયાસને બેઠો. તેને જોઈ સર્વ પુરુષોએ વિચાર કર્યો કે ગાદીને શોભાવે એવો તો ખરેખર આ જ રાજા છે. એમ પ્રમાણ કર્યા પછી તત્કાળ અનેક પ્રકારના વાજીંત્રના ધોષ અને જયજયકાર શબ્દની વચ્ચે કાન્હડદેવે પંચાંગ પ્રણામ કર્યો. કુમારપાળ ઘણા દેશોમાં ભ્રમણ કરી નિપુણ થયો હતો તેથી મોટા મોટા વૃદ્ધ પ્રધાનોને પણ ન ગણતાં, પોતાની બુદ્ધિ વડે સ્વતંત્ર પણે ઘણા ઉંચા પ્રકારની રાજનીતિથી રાજ ચલાવ્યું. આ જોઈ વૃદ્ધ પ્રધાનોએ કુમારપાળને મારી નાંખવાનો સંકેત કર્યો. કુમારપાળનું હંમેશાં જે દરવાજે આવવાનું થતું હતું, તે દરવાજે એક અંધારી રાત્રિએ કેટલાક મારાઓને ગુપ્તપણે બેસાડ્યા હતા. તે વાત પૂર્વ પુન્યના બળથી પોતાના કોઈ મિત્ર દ્વારા કુમારપાળના જાણવામાં આવી. એટલે તરત તે દરવાજાનો ત્યાગ કરી બીજા દરવાજે થઈ નગરમાં પ્રવેશ કર્યો અને દગો કરનારાઓને એકદમ મારી નંખાવ્યા.
કાન્હડદેવ-મંડળેશ્વર જે કુમારપાળનો બનેવી થતો હતો તે સંબંધે તથા ગાદીએ બેસાડવામાં અગ્રેસર હતો તેથી તે કુમારપાળને વારંવાર પૂર્વની દુર્દશા સંભારી આપી મહેણાં મારતો હતો, તેને કુમારપાળે કહ્યું કે પૂર્વની અવસ્થાના મર્મભેદી વચન સભા સમક્ષ આજ પછી કોઈ દિવસ મને કહેવાં નહીં. એકાંતે જેમ કહેવું હોય તેમ કહેજો. એમ કહી પોતાનો બનેવી જાણી તથા રાજયસ્થાપનનો આચાર્ય જાણી જવા દીધો. પણ જેનું મોત નજીક આવ્યું હોય તેને જેમ ઔષધ વિપરીત થાય તેમ કુમારપાળની શિખામણ તેને વિપરીત લાગી. ને બોલ્યો કે હે મૂર્ખ ! તું તારી જાતનો તો વિચાર કર કે હું કોણ છું ? તને હમણાં જ અમારા પાદ સેવનનો પરિત્યાગ કરાવી ગાદીએ બેસાડીએ છીએ ! ઇત્યાદિ ઉદ્ધતાઇથી બોલ્યો. કુમારપાળ તે વખતે ગમ ખાઈ ગયો. બીજે દિવસે સંકેત કરી રાખેલા મલ્લો પાસે તેના શરીરનાં હાડકાં ભંગાવી, આંખો ફોડાવી, તેને ઘેર મોકલી દીધો. આ બનાવથી કાન્હડદેવ વિચાર કરવા લાગ્યો કે, “આ રાજા રૂપી અગ્નિને મેં મારે હાથે ઉત્પન્ન કર્યો છે, તેને હું ગમે તેમ તિરસ્કાર કરીશ તો પણ મને બાળશે નહિ એમ હું સમજતો હતો પરંતુ આ તો એથી વિપરીત થયું. તેથી સર્વ સામંતોને પણ શિખામણ આપી કહ્યું કે કોઇએ ભ્રાંતિ પામી રાજા રૂપી દીવાને પોતાની આંગળી વડે સ્પર્શ કરવો નહિ. કારણ કે, દીવાને આપણે હાથે પ્રગટ કરીએ છીએ તો પણ તેને સ્પર્શ કરવાથી તે આપણને બાળે છે. તે દિવસથી આરંભી સર્વ સામંતો ત્રાસ પામી આ મહાપ્રતાપી રાજાની આજ્ઞામાં સાવધાન થઈ રહ્યા. પછી રાજાએ પોતાને પૂર્વે ઉપકાર કરનાર ઉદયન મંત્રીનો પુત્ર વામ્ભટ્ટ જે ઘણો બુદ્ધિશાળી હતો તેને પ્રધાન પદ આપ્યું.
૧૫૦
પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર