________________
શ્રી ભક્તામર સ્તોત્ર - 269 આપોઆપ જ કરબદ્ધ થઈ નમસ્કાર થઈ જાય છે.
સ્તોત્રકાર સૂરિજી પ્રથમ પંક્તિમાં કહે છે કે, “હે પ્રભુ! આપ ત્રણેય લોકની પીડાનું હરણ કરનારા છો તેથી આપને નમસ્કાર કરું છું. સ્તોત્રકાર સૂરિજી હવે “તુ' શબ્દના પ્રયોગ વડે અન્ય સર્વ દેવોનો પરિહાર કરીને શ્રી જિનેશ્વરદેવને નમસ્કાર કરે છે. આ જિનેશ્વરદેવ કેવા છે? તો સર્વચન અને ક્રિયા વડે ત્રણે લોકની બાહ્ય-અભ્યતર પીડાનું હરણ કરનાર છે. તેઓ ધર્મદેશના દરમ્યાન સર્વચનો કહે છે અને ધર્મના અનુષ્ઠાનો બતાવે છે. તેના લીધે બાહ્ય પીડા એટલે રોગ વગેરે અને અત્યંતર પીડા એટલે શોક, સંતાપ, ચિંતા વગેરે દૂર થાય છે. આવા પરોપકારીપણાને લીધે એને વંદનીય કહ્યાં છે.
હે પ્રભુ! આપ ત્રણે લોકની પીડાનું બાહ્ય અને અત્યંતર પ્રકારે હરણ કરનારા છો તેથી આપને નમસ્કાર કરું છું. એ જ વ્યક્તિને નમસ્કાર કરવામાં આવે છે જે બીજાઓની પીડાનું હરણ કરતી હોય, પ્રભુ આપ તો એવી વિભૂતિ છો જે એક વ્યક્તિ, અમુક વ્યક્તિ નહિ પરંતુ ત્રણે લોકની પીડાઓનું હરણ કરો છો. જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે અને તેમના અન્ય કલ્યાણક થાય છે તે સમયે નારકીમાં પણ શાંતિ પ્રસરી જાય છે, નારકના જીવોની પીડાનું ક્ષણિક હરણ થઈ જાય છે, સર્વત્ર આનંદ-ઉલ્લાસ વ્યાપી જાય છે. તેથી જ સૂરિજી પ્રભુની વિશેષતાનું રેખાંકન કરતાં કહે છે કે, ત્રણે લોકના લોકોની પીડાનું હરણ કરનારને મારા નમસ્કાર થાઓ. પ્રભુ જ્યારે ધર્મની દેશના આપે છે ત્યારે ધર્મપ્રવર્તનની વિધિ બતાવે છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવાનું વિધાન જણાવે છે. તે દ્વારા બાહ્ય પીડારૂપ શારીરિક દુઃખો અને આંતરિક દુઃખો શોક, સંતાપ, ચિંતા આદિ દૂર થાય છે. અર્થાત્ પ્રભુના શરણમાં જતાં જ જીવને પ્રભુ શાંતિનો માર્ગ બતાવે છે. તેને લીધે આત્મા પોતાના મૂળ શાંતસ્વરૂપની ઓળખાણ પામે છે. પ્રભુ પોતે શાંતરસની અપ્રતિમ પ્રતિમારૂપ છે. તેથી તેના સાંનિધ્યમાં આવનાર શાંતિનો અનુભવ કરે છે. આ પ્રભુ ત્રણે લોકની પીડાને હરનાર છે. તેથી સૂરિજી આવા પીડન-નિવૃત્તિ ધરાવનાર શ્રી જિનેશ્વરદેવને ભાવપૂર્વક નમસ્કાર કરે છે.
બીજી પંક્તિમાં સૂરિજીએ પૃથ્વીના નિર્મળ–કાંતિમાન અલંકારરૂપ પ્રભુને નમસ્કાર કર્યા છે. ત્રણ લોકના ભૂષણ કહેતાં અલંકાર સ્વરૂપ, સમસ્ત જગતના લોકાંતિક દેવો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રિશલાકાપુરુષો, મોક્ષમાર્ગમાં અગ્રગણ્ય નિગ્રંથ મુનિજનો તેમજ શ્રાવક, શ્રાવિકા, અસંયત સમ્યગ્ દૃષ્ટિ જીવો તેમ જ બીજા સજ્જનો તેમજ બુદ્ધિમાન જીવો આપના જીવનવૃત્તાંતનો, આપનાં જ પ્રવચનોનો અભ્યાસ કરી આપનું જ અનુકરણ કરી રહ્યા છે. આપના ચરણમાં મસ્તક નમાવી, હૃદયમાં આપની પ્રતિમાનું સ્થાપન કરી, આપના નામનું સ્મરણ તેમજ ઉચ્ચારણપૂર્વક આપની ભક્તિ કરી પોતાને ધન્ય સમજે છે. સર્વ સજ્જનો અને બુદ્ધિમાન જીવો સવારમાં ઊઠતાંની સાથે પ્રથમ આપને જ નમસ્કાર કરે છે. આપનું જ સ્મરણ કરે છે અને રાત્રે