SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે ચંચળ ભાવો જાણી પ્રભુ મહાવીરે તેમને પૂર્વભવની યાદ અપાવી. તેથી મેઘમુનિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવની કષ્ટ સહિષ્ણુતા જાણી તેમની વિચારધારા બદલાઈ. હવે તે સંયમમાં સ્થિર થયા. ભિક્ષુની બાર પ્રતિમાઓ સ્વીકારી. તેમણે તપ અને સંલેખના દ્વારા શરીર અને કષાયને કૃશ કર્યાં. ભોગો ભોગવવા અનેક જન્મો મળ્યા પરંતુ ભોગોને સમજપૂર્વક ત્યાગવા માટે માત્ર મનુષ્ય ભવ છે, એવું જાણી મેઘમુનિ યુવાન વયમાં જ બ્રહ્મચારી સંત બન્યા. ૭)થૂલિભદ્ર : (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમ્, ભા-૧, પૃ ૪૨-૪૫.) નંદ સામ્રાજ્યના મહામંત્રી શકડાલના પુત્ર સ્થૂલિભદ્ર. યૌવન વયે રાજનર્તકી કોશાની રૂપજાળમાં ફસાયા. મહાપંડિત વરરુચિના ષડ્યુંત્રથી પિતાનું મૃત્યુ થતાં અમાત્યપદ ગ્રહણ કરવા સ્થૂલિભદ્રને કહેવામાં આવ્યું. પરંતુ પિતાના મૃત્યુથી સંસારની અનિત્યતા અને અસારતા જાણી તેમજ રાજનીતિના કાવાદાવાથી સ્થૂલિભદ્રને સંસાર પ્રત્યેની રુચિ ઉડી ગઇ. તેમણે કોશાના ઘરનો ત્યાગ કર્યો. આચાર્ય સંભૂતિવિજય પાસે પ્રવ્રજયા અંગીકાર કરી. પ્રથમ વર્ષાવાસનો સમય આવ્યો. અન્ય સાથી મુનિઓ સિંહની ગુફા ઉપર, સર્પના રાફડા ઉપર, કૂવાનાં કાંઠે ચાતુર્માસ રહ્યા. સ્થૂલિભદ્રમુનિ ગુરુ આજ્ઞા લઈને કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ અર્થે ગયા. કોશાએ સ્થૂલભદ્રને આવતાં જોઇ પોતાની અમૃત ભરેલી વાણીથી, મધુરતાથી તેમને સત્કાર્યા. ચારે બાજુ વાસનામય વાતાવરણ હતું. કોશાની આજ્ઞા લઇ મહામુનિ સ્થૂલિભદ્ર ચિત્રશાળામાં રહ્યા. કોશાએ વહોરાવેલો છ રસવાળો આહાર કરી તેઓ કાયોત્સર્ગમાં મગ્ન થયા. કોશાએ અનેક શૃંગારો રચ્યાં, નૃત્ય કર્યાં, પૂર્વના કામભોગોનું સ્મરણ કરાવ્યું. પ્રેમ અને કામ ઉત્પન્ન કરે તેવાં વચનો સાંભળીને પણ મુનિ ક્ષોભ ન પામ્યા. કોશાના સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયાં. અંતે કોશાએ પોતાના અપરાધની ક્ષમા માંગી. કોશા બાર વ્રતધારી શ્રાવિકા બની. આર્ય સ્થૂલિભદ્ર જૈન જગતનું એવું ઉજ્જવલ નક્ષત્ર છે કે તેમની જીવન પ્રભાથી જનજીવન આજે પણ આલોકિત છે. મંગલાચરણમાં ત્રીજા મંગળના રૂપમાં તેમનું સ્મરણ થાય છે. કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિની શીલદઢ઼તા પ્રશંસનીય છે ; તેથી ચોર્યાશી ચોવીસી સુધી લોકો તેમને યાદ ક૨શે. ૮) નારદઃ (જૈન રામાયણ પૃ. ૧૨૨,૧૨૩ અને ૧૪૬ થી ૧૫૦. એક અરણ્યમાં બ્રહ્મરુચિ તાપસ અને કૂર્મી તાપસી યુગલ રહેતું હતું. કાળ ક્રમે ૠષીપત્ની ગર્ભિણી બની. તેવા સમયે જૈન શ્રમણો આશ્રમમાં આવ્યા. તાપસના ભાવુક-ઉન્નત આત્માને ઓળખી જૈન શ્રમણોએ સાચું માર્ગદર્શન આપ્યું. પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે વૈષયિક સુખો ત્યાગી જીવે જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગમાં તત્ત્પર રહેવું જોઇએ. તાપસે શ્રમણોની મધુરવાણી સાંભળી નિષ્પાપ સાધના માર્ગ (મુનિધર્મ) સ્વીકાર્યો. કુર્મીએ શ્રાવિકા ધર્મ સ્વીકાર્યો. નવમાસ પૂર્ણ થતાં તેણે પુત્રને જન્મ આપ્યો. જન્મતાં સામાન્ય બાળકની જેમ તે રડતો ન હોવાથી તેનું નામ ‘નારદ’ પાડયું. એકવાર વૃંભક જાતિના દેવો મનુષ્યલોકમાં તીર્થોની યાત્રા કરી પાછા ફરતા હતા ત્યારે આંગણામાં રમતા બાળકના તેજસ્વીપણા અને પ્રકૃષ્ટ પુણ્યથી આકર્ષાયા. તેઓ બાળકને વિમાનમાં બેસાડી સ્વસ્થાને લઇ ગયા. પુત્રના વિરહથી કુર્મીને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો. તેમણે ઇન્દુમાલા સાધ્વી પાસે સંયમ સ્વીકાર્યો. દેવોએ નારદને અનેક કળાઓમાં પ્રવીણ બનાવ્યો. યૌવનમાં પ્રવેશતાં તેમને આકાશગામિની વિદ્યા શીખવી. મસ્ત યૌવન અને આકાશમાં ઉડવાની વિદ્યાના બળે તેઓ તીર્થોની યાત્રા કરવા લાગ્યા. તેઓ સંગીત રસિક હોવાથી હાથમાં વીણા રાખતા. તેઓ અખંડ બ્રહ્મચારી હતા, તેમજ અણુવ્રતધારી શ્રાવક હતા. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહી હતા. તેમના અખંડ બ્રહ્મચર્યના કારણે જ તેઓ રાજાના અંતઃપુરમાં વિના રોકટોક જઇ શકતા હતા.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy