________________
૧૮૦
(૨) ધર્મરાગ :
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
-
૩૭
સમકિતી જીવનો ધર્મરાગ દર્શાવતાં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે धर्मरागोऽधिकोऽस्यैवं भोगिनः स्त्रयादिरागतः । भावतः कर्मसामर्थ्यात् प्रवृतिस्त्वन्यथापि हि ।।
અર્થ : કામી પુરુષને ઈન્દ્રિયજન્ય વિષયોમાં જેટલો રાગ હોય તેનાથી અધિક પ્રીતિ સમકિતીને ચારિત્ર ધર્મ પ્રત્યે હોય છે. સમકિતદષ્ટિ જીવની કાયિક પ્રવૃત્તિ ચારિત્ર ધર્મથી પ્રતિકૂળ હોઈ શકે કારણકે તેનું ચારિત્રમોહનીય કર્મ પ્રબળ છે; છતાં તેને સંયમ જીવન પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના હોય છે.
સમકિતી જીવ શતરંજના રાજા જેવો છે. જેમ શતરંજનો રાજા સૈનિક, પાયદળ, હાથી, ઘોડા આદિથી ઘેરાયેલો હોય છે, તેમ સમકિતી જીવ બળવાન હોવા છતાં ચારિત્ર મોહનીય કર્મસત્તાથી ઘેરાયેલો હોય છે તેથી તે લાચાર છે. નિર્મળ સમ્યગ્દર્શન, વિવેકદષ્ટિનો ઉઘાડ, સંસારની તુચ્છતા, સંયમમાં મોક્ષના સામર્થ્યની સમજણ, મોક્ષની તીવ્ર અભિલાષા વગેરે પરિબળો સમકિતીને સંયમ લેવા પ્રેરે છે.
બ્રાહ્મણને ઘેબર અત્યંત પ્રિય હોવા છતાં સંયોગવશ ગરીબાઈ કે જંગલમાં ક્યાંક અટવાઈ જતાં વિષમ પરિસ્થિતિના કારણે મજબૂરીથી તુચ્છ ભોજન ખાવું પડે છે. તેવા સમયે પણ તેના ઘેબર ભોજન સંબંધી પ્રબળ ઈચ્છાના સંસ્કાર નાશ પામતા નથી, તેમ બળવાન ચારિત્ર મોહનીય કર્મની પ્રબળતા હોવા છતાં સમકિતીની ચારિત્ર ઝંખના સંસ્કારરૂપે તીવ્ર ઊભી જ હોય છે .
મગધેશ્વર શ્રેણિક સાચા સમ્યગ્દર્શની હતા. તેમનું દૃષ્ટાંત આપણને સમ્યગ્દર્શનની ભૂમિકાના પ્રાણતત્ત્વો દર્શાવે છે. તેઓ સંયમપ્રેમી હતા. તેથી વેશધારી સાધુની પણ જાહેરમાં નિંદા ન કરી. તેમના સમ્યક્ત્વની નિર્મળતાની પરીક્ષા કરવા એક દેવ મૃત્યુલોકમાં આવ્યો. તેણે સગર્ભા સાધ્વી તેમજ માછલાં પકડતા સાધુનો વેશ ધારણ કર્યો. વેશ ઉત્તમ હતો પણ કાર્ય હલકી કોટિનું હતું; છતાં શ્રેણિક રાજાના હ્રદયમાં તેમને જોઈને લેશ પણ ખેદ ન થયો. તેમણે વિચાર્યું આ જગતના જીવો કર્મવશ છે. તેથી એવું પણ બને, છતાં આ વાત ખાનગી જ રહેવી જોઈએ. ગુપ્તપણે પરિસ્થિતિ સાચવવાથી લોકોનો ધર્મ અને ધર્મગુરુ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે છે, આવી વિવેકદષ્ટિ સમકિતી જીવને હોય છે.
દ્વારકાધીશ શ્રીકૃષ્ણને સંયમ ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગ હતો. તેઓ પોતાની પુત્રીઓને યોગ્ય વય થતાં પૂછતાં, ‘‘દીકરી તારે રાણી થવું છે કે દાસી ?'' જે દીકરી રાણી થવા માંગે તેને ભગવાન નેમનાથની શિષ્યા થવા મોકલતા. એમના હૃદયમાં એ ભાવના હતી કે મારી દીકરીઓ પરમાત્માનો પંથ ગ્રહણ કરી મોક્ષ સુખની અધિકારી બને સંસારમાં કર્મસત્તાની દાસી નહીં.
સમ્યગ્દર્શની એટલે જગતનો સજ્જન માણસ ! સજ્જન માણસને પણ ચારિત્રમોહનીય કર્મની પ્રબળતાથી કમને સંસારમાં રહેવું પડે છે. સમ્યગ્દર્શન વિના વિરતિ નથી. વિરતિ વિના મુક્તિ નથી. વિરતિ એ મોહરાજ સાથેના સંગ્રામમાં તલવાર છે. તે તલવાર લઈ યુદ્ધમાં જવા પૂર્વે સમ્યગ્દર્શનરૂપી મંગલ તિલકની આવશ્યકતા છે.