________________
બીજા ભાગમાં પૂર્તિના વિભાગમાં ચંદરાજાનું ચરિત્ર, સમરાશાહ તથા કરમાશાહનો ઉદ્ધાર અને કેટલીક અન્ય પ્રચલિત –અપ્રચલિત માહિતીઓ પણ ભેગી કરીને મૂકેલ છે. તેને મનન પૂર્વક વાંચવાથી મુનિએ કરેલી મહેનતનો ખ્યાલ આવશે.
અત્યારે આપણ સહુને સંસ્કૃતભાષા પ્રત્યે જે અણગમો ને અનાદર છે તે ખાસ દૂર કરવા જેવો છે. કારણ કે દરેક ભાષાની ઉત્પત્તિ આ ભાષામાંથીજ થયેલ છે. અને તે અત્યંત શુદ્ધને સંસ્કારી ભાષા છે. માટે જ આ ભાષાંતરના ગ્રંથમાં જગો જગો પર સુભાષિતના શ્લોકો ખાસ મૂક્વામાં આવ્યા છે. જે શ્લોકો વાંચીને અર્થ વાંચવાથી ખૂબજ આનંદ અને અર્થનો બોધ થશે.
આ સંસ્કૃત ટીકાવાલા મૂલગ્રંથની હસ્તલેખિત બે પ્રતિઓજ મલી હતી. એક સૂરત જૈનાનંદ પુસ્તકાલયમાંથી અને બીજી વડોદરા-છાણીમાં સોમચંદભાઇ યિાકારના જ્ઞાન સંગ્રહમાંથી તેના આધારે જ આ મૂલ ગ્રંથ છપાયો છે. અને તે ગ્રંથના આધારે આ અભ્યાસી મુનિરાજે પંડિતવર્ય શ્રીયુત કપૂરચંદભાઇ આર. વાંરૈયા પાસે અભ્યાસ કરી સાથે સાથે ભાષાંતર પણ કરેલ છે.
આના માટે હજુ પણ કોઇક અભ્યાસી વિદ્વાન – મુનિપ્રવર બીજા બીજા જ્ઞાન ભંડારોમાંથી આ ગ્રંથની બીજી હસ્તપ્રતિઓ મેળવે શોધી કાઢે. અને પછી તેના આધારે આ મૂલ સંસ્કૃત ટીકાવાલા ગ્રંથનું પુનર્મુદ્રણ કરે. અને પછી કોઇક મુનિરાજ તેનું ભાષાંતર કરીને સમાજ પાસે ફરીથી મૂકે અને જિનશાસનના ભાવિકોના હૃદયમાં શ્રી શત્રુંજય પ્રત્યેની જે ભક્તિ ભરી ભરીને પડી છે તેને બહાર લાવવામાં નિમિત્તભૂત બને.
હું તો એવી ભાવના ભાવું છું કે કોઇક ત્રણ ચાર અભ્યાસી વિદ્વાન મુનિવરો પોતાના સાધુપણાના ભેખમાં પણ શ્રી શત્રુંજ્યની ભક્તિનો ભેખ ધારણ કરે. અને શ્રી શત્રુંજયતીર્થ માટેનું સંશોધન શરુ કરે. અને પછી જગડુશાહ જેવા આ જમાનાના ઉદારદિલ દાતાઓ – જેવી રીતે હમણાં જ પાલિતાણામાં શ્રી શત્રુંજ્યનો અલૌકિ અભિષેક કરીને રજનીકાંતભાઇ મોહનલાલ દેવડીએ પોતાની લક્ષ્મીને સફલ કરી તેજ રીતે કોઇક પુણ્યવાન – લક્ષ્મી સંપન્ન આત્મા – આવીને આ મુનિવરોને કહી દે કે મહારાજશ્રી તમે તમારો શુભ પ્રયત્ન ચાલુજ રાખો. અને એના માટે ૧૫ – કે ૨૫ લાખ કે જે કાંઇ જોઇએ તેનો લાભ મને આપો.આમ કરીને તે પુણ્યાત્મા મલેલી લક્ષ્મીને સફલ કરે. અને તે પૂજ્ય સાધુ ભગવંતો પોતાના જ્ઞાન ઘ્યાનથી પોતાના સાધુપણાને ઉજજવલ બનાવે.. અને પછી જૈન સમાજમાં ભાવિકો માટે શ્રી શત્રુંજ્યનું સાહિત્ય ઘણાજ પ્રમાણમાં પ્રાપ્ત
થાય.
આપણા જૈન ધર્મમાં જેટલી શ્રદ્ધા – ભક્તિને પ્રેમ શ્રી શત્રુંજ્ય માટે – ગ્રંથોમાં – કથાઓમાં – સ્તવન – ચૈત્યવંદન ને થોયોમાં વર્ણવેલો દેખાય છે. તેટલો બીજા કશા માટે વર્ણવેલો દેખાતો નથી. છતાં પણ આપણી પાસે શ્રી શત્રુંજયના સ્વતંત્ર સાહિત્યમાં શ્રી શત્રુંજ્ય માહાત્મ્ય અને શ્રી શત્રુંજ્ય૫ આ બે જ ગ્રંથો છે.