________________
પ્રમાદને લઈને તે અનુષ્ઠાન તે રીતે કરવાનું શક્ય બનતું નથી. તેથી તે તે અનુષ્ઠાનો કાળ, દ્રવ્ય કે ક્ષેત્ર વગેરેની ઉપેક્ષા કરીને થતાં હોય છે. તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે શ્રી અરિહન્તપરમાત્માની આજ્ઞા મુજબ કાલાદિથી અવિકલ અનુષ્ઠાન થતું નથી. પરન્તુ નિષ્કપટભાવે, તે અનુષ્ઠાન શ્રી વીતરાગપરમાત્માના વચન અનુસાર કરવાની ઈચ્છા હોવાથી કાલાદિથી વિકલ(અસંપૂર્ણ) પણ અનુષ્ઠાન તેઓ કરે છે. એવા જ્ઞાની પ્રમાદીનો ચૈત્યવન્દનાદિધર્મવ્યાપારસ્વરૂપ યોગ ઈચ્છાયોગ કહેવાય છે. એ વિકલ અનુષ્ઠાનમાં ઈચ્છાનું જ પ્રાધાન્ય હોવાથી તેને ઈચ્છાયોગ કહેવાય છે.
અહીં સમજી લેવું જોઈએ કે પ્રમાદાદિના કારણે જ્ઞાનીઓ પણ જ્યારે તે તે અનુષ્ઠાનો શાસ્ત્રાનુસાર કરી શકતા નથી ત્યારે કોઈ પણ જાતિની માયા સેવ્યા વિના ઉત્કટ ઈચ્છાથી કરાતાં તે તે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનો ઈચ્છાયોગના કહેવાય છે. કરવાયોગ્ય અનુષ્ઠાનનું જ્ઞાન હોવું જોઈએ, તેને અનુકૂળ ક્ષયોપશમનો અભાવ હોય, વિથાદિ પ્રમાદનો અવરોધ હોય અને અનુષ્ઠાનસમ્બન્ધી પ્રબળ ઈચ્છા હોય ત્યારે ઈચ્છાયોગની પ્રાપ્તિ થતી હોય છે. અજ્ઞાનથી, મજેથી, સામર્થ્ય હોવા છતાં ગતાનુગતિકે કરાતાં વિકલ અનુષ્ઠાનો ઈચ્છાયોગની મર્યાદામાં આવતાં નથી. અહીં યાદ રાખવું જોઈએ કે યોગના ભેદો વર્ણવવાનું અહીં તાત્પર્ય છે. યોગાભાસનું વર્ણન કરવાનું તાત્પર્ય ન હોવાથી સાક્ષાત્ કે પરમ્પરાએ મોક્ષની સાધકતાનો જ વિચાર કરીને યોગસ્વરૂપ સમજવું જોઈએ. ||૧૯-૨