________________
મહાભૂતોની(પૃથ્વી-જલાદિની) ઉત્પત્તિ થાય છે. અનાદિકાળથી પુરુષ અને પ્રકૃતિના નિરંતર સન્નિધાનથી બંન્ને વચ્ચેના ભેદનો અગ્રહ હોવાથી પુરુષને કર્તુત્વનું અને પ્રકૃતિને ચૈતન્યનું અભિમાન છે. આ જ પુરુષના સંસારનું મુખ્ય બીજ છે. યોગના પરિશીલનથી ભેદનો ગ્રહ થવાથી પુરુષ સ્વરૂપસ્થ બને છે. એ જ પુરુષનો મોક્ષ છે. પ્રથમ દષ્ટિએ આ બધું વિચારતાં રમણીય ભાસે છે. પરંતુ પરમાર્થથી આ બધું વિચારીએ તો ખૂબ જ વિચિત્ર જણાયા વિના રહેતું નથી.
ગ્રંથકાર પરમર્ષિએ પ્રારંભમાં સાંખ્યોના મતનું સંક્ષેપથી પણ સ્પષ્ટપણે નિદર્શન કરાવીને ગ્રંથના મધ્યભાગમાં તેમાં રહેલા દોષોનું દર્શન કરાવ્યું છે. એ બધું વિચારવાથી એક વાત સ્પષ્ટ રીતે સમજાય છે કે આટલી આત્મલક્ષી તાત્ત્વિક વાતો કરવા છતાં અન્યદર્શનકારો પરમાર્થનો લેશ પણ પામી શક્યા નથી અને એમની વાતોમાં આપણે આવી જઈએ તો આપણને પણ પરમાર્થનો અંશ પણ પ્રાપ્ત નહીં થાય.
બત્રીશીના અંતભાગમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ મોક્ષ પણ ખરેખર તો વાસ્તવિક નથી. તેથી તેમના યોગશાસ્ત્રના ઉપદેશનો કોઈ જ અર્થ નથી. એ સમજાવીને જૈન દર્શનની વાસ્તવિકતાનું સમર્થન કર્યું છે. અંતે પતંજલિપ્રણીત યોગલક્ષણ સદોષ હોવાથી; નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ સદ્ગત એવા શ્રી જૈનદર્શનપ્રસિદ્ધ યોગના લક્ષણની ઉપાદેયતાનું સમર્થન કર્યું છે. એ મુજબ યોગલક્ષણની વાસ્તવિકતાને સમજી વિચારીને વાસ્તવિક યોગને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા...
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ