________________
આમ, આઠ પ્રકારે ધર્મનું પરિભાવન કરવું જોઈએ. આઠ પ્રકારોનું વિશ્લેષણ કરીએ ત્યારે સમજાય છે કે આઠ પૈકી પ્રથમ ચાર પ્રકારો ધર્મનો મહિમા ચિત્તમાં ધારણ કરાવી ધર્મના સ્વીકાર માટે આત્માને ઉત્સાહિત કરનારા છે તથા અંતિમ ચાર પ્રકારો ધર્મની ઉપેક્ષા, વિરાધના અને વિમુખવૃત્તિના અત્યંત કટુફળોને સમજાવી આત્માને સાવધાન બનાવનારા છે. એટલા માટે કે આત્મા રખે ધર્મની વિરાધના કરનારો બની જાય ! ધર્મ સ્વીકારવા જઈ રહ્યો છે તેના માટે ધર્મની વિરાધનાનો ભય રહેલો જ છે. તેવા ભયથી ઉગારી દેનારી અંતિમ ચાર પરિભાવના છે. • ધર્મગુણો પાંચ છે ઃ
આ પ્રમાણે પરિભાવના કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શુભ પરિણામોથી ભરેલાં એવા નિમ્નોક્ત ધર્મગુણોને એટલે કે વ્રતોને હવે સ્વીકારવા જોઈએ. જે વ્રતો સાધુધર્મની ભાવના સ્વરૂપ છે.
(૧) સ્થૂલ હિંસા વિરમણ (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ (૪) સ્થૂલ મૈથુન વિરમણ (૫) પૂલ પરિગ્રહ વિરમણ...
આ પાંચ ધર્મગુણો = વ્રતો છે. આ પાંચની સાથે તેના આનુસાંગિક અંગ સમાન ગુણવ્રતો - શિક્ષાવ્રતો પણ સ્વીકારવા જોઈએ.
અહીં અહિંસા વિગેરે વ્રત પ્રથમ કહ્યાં અને ગુણવ્રતો પછી કહ્યાં તેનું કારણ એ છે કે ભાવવ્રતોની ઉત્પત્તિ આ જ ક્રમે થતી હોય છે.
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।