________________
४१
स्थानांगसूत्र
કાર્ય અને કારણ સર્વથા ભિન્ન હોવા જોઈએ એવું માનશો તો માટીના પરમાણુ એ ઘટનું કારણ નહીં બને. કેમકે ઘટ અને માટીના પરમાણુમાં અપેક્ષાએ અભેદ છે. અને યત્કિંચિત્ અનુરૂપતા છે. ઘટ કાર્ય થયું ન હતું એની પહેલા પણ માટીના ૫૨માણુ હતા અને ઘટ બની ગયા પછી પણ માટીના પર્યાયનો વિશિષ્ટ સંયોગ તેમાં જલાહરણરૂપ અર્થક્રિયાકારિત્વ પ્રાપ્ત થયું છે એ જ ઘટ છે. ઘટ કાર્યનું સર્વથા ભિન્ન કારણ તો પાષાણ જ છે. એ પાષાણને પણ ઘટ કાર્યનું કારણ કેમ ન મનાય આવી આપત્તિ આવે. માટે કાર્ય-કારણની તુલ્યાતુલ્યરૂપતા જ છે.
પુણ્ય અને પાપ કર્મ છે તો તેના બંધનું કારણ હોવું જોઈએ માટે આશ્રવ કહે છે.
જેના વડે આત્મામાં કર્મો પ્રવેશ કરે છે, કર્મો ઝરે છે, કર્મો આવે છે તે આશ્રવ કહેવાય છે. તે આશ્રવ કર્મબંધનું કારણ છે. કર્મબંધના કારણો પાંચ ઈન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત, ૨૫ ક્રિયા, ૩ યોગ. આ પ્રમાણે કુલ-૪૨ પ્રકા૨નો આશ્રવ હોવા છતાં પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે હોવા છતાં પણ ‘કર્મોનું આવવું' એ સામાન્યથી એક છે માટે આશ્રવ એક છે.
હવે આશ્રવના પ્રતિપક્ષ (વિરોધી)રૂપ સંવર કહે છે. કર્મના કારણ પ્રાણાતિપાત આદિ જે પરિણામથી રોકાય તે સંવર કહેવાય છે. સંવર એટલે આશ્રવનો નિરોધ.
આ સંવર પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીશ પરિષહજય, પાંચ ચારિત્રરૂપ સંવરના ૫૭ ભેદ તથા દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે હોવા છતાં પણ સામાન્યથી સંવર એક છે. માટે સંવર એક છે.
અયોગી અવસ્થારૂપ સંવર વિશેષમાં કર્મની વેદના જ છે પણ બંધ નથી માટે હવે વેદના કહે છે.
વેદવું-અનુભવવું તે વેદના છે. સ્વભાવથી અથવા ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મોનો અનુભવ કરવો તે વેદના છે. તે વેદના જ્ઞાનાવરણીયાદિ કર્મની અપેક્ષાએ આઠ પ્રકારની હોવા છતાં પણ વિપાકોદય અને પ્રદેશોદયની અપેક્ષાએ બે પ્રકારની હોવા છતાં પણ વેદના સામાન્યથી એક જ છે.
અનુભવેલા રસવાળું કર્મ આત્મપ્રદેશોથી ખરી જાય છે માટે હવે નિર્જરાનું સ્વરૂપ કહે છે. ખરી જવું ખલાસ થવું, નાશ પામવું તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા આઠ પ્રકારના કર્મની અપેક્ષાએ આઠ પ્રકારની હોવા છતાં પણ બાર પ્રકારના તપથી થતી હોવાથી બાર પ્રકારની હોવા છતાં પણ સામાન્યથી ‘ઝરવું' ‘ખરવું’ એ અપેક્ષાએ સામાન્યથી નિર્જરા એક છે.
દેશથી કર્મનો ક્ષય તે નિર્જરા અને સર્વથી કર્મનો ક્ષય તે મોક્ષ. નિર્જરા અને મોક્ષમાં આ તફાવત (ભેદ) છે. I॥૪॥