________________
૭૬૪) ક્ષણિક સુખમાં એવું શું આશ્રર્યકારી ફળ મેળવવાનું જીવે ધાર્યું હશે કે તેને આત્માના સુખ માટે ઇચ્છા જાગતી નથી? ગમે તેટલી મહેનત-મજૂરી કરી, ગમે તેટલું ધન એકઠું કર્યું હશે, તેમાંથી કંઈ સાથે કોડી પણ લઇ જઇ શકાશે ? પેટ ભરાય તેથી વધારે ખાઈ શકાશે ? ત્યારે આ બધી ધમાલ શું કરવા કરું છું ? એવો એકાંતમાં જીવ વિચાર કરે તો શો ઉત્તર મળે ? ““જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન.'' એનો વિચાર અને અનુભવ જીવ ક્યારે કરશે? આત્મકલ્યાણ કરી શકે તેવી દુર્લભ સામગ્રી જીવને જે મળી છે તે અચાનક મરણ આવીને લૂંટી લે તે પહેલાં તેનો કંઈ સદુપયોગ કરી લેવા હવે વિચાર, નિર્ણય કરીશું? કે પુરુષનો યોગ નથી મળ્યો, તેવા જીવોની પેઠે નાશવંત વસ્તુ મેળવવામાં મચ્યા રહી છેતરાયા કરીશું? (બો-૩, પૃ.૨૨૩, આંક ૨૨૧) T માથે મરણ છે, તે ભૂલી, જીવ મોટાઈમાં તણાયો જાય છે. અધમાધમદશા ભૂલી, હું બીજા કરતાં
સારો, રૂપાળો, ભોગને યોગ્ય છું, એમ જીવની વિપરીત માન્યતા થઈ ગઈ છે. તેને બદલે, મરણપથારીએ પડયો હોય, શૂળીએ ચઢાવ્યો હોય અને છેલ્લા શ્વાસ લેતો હોય તો તે વખતે જીવ વિષય-કષાયના વિચાર કરે કે આ જીવની દયા લાવી, તેને સ્મરણમંત્રના ધ્યાનમાં રાખે? “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો ?' એમ પરમકૃપાળુદેવને આપણા આત્માની દયા આવવાથી ચેતાવે છે, પણ આ જીવ જાણે બધું કરી ચૂક્યો હોય તેમ પ્રમાદના પૂરમાં તણાયા કરે છે અને ક્યાં જઈને અટકશે તેનું લેશ પણ ભાન નથી. (બી-૩, પૃ.૭૮૭, આંક ૧૦૦૩)
સંસારી શરણાં ગણ સૂનાં, અર્થ અનર્થક વચન પ્રભુનાં; નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી ? પરિજન પુત્ર કલત્ર વિનાશી, સર્વ મળીને દે દુઃખરાશિ; ચિંતવ ચિત્તે નિશ્રે ભાઈ, કોણ પિતા, મા કોની સગાઈ? મા કર યૌવન-ધન-ગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ;
ઇન્દ્રજાળ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષપદે મન રાખી પ્રભુ ભજ. ઋણસંબંધે જે જે સંયોગો આવી મળે છે, તે છૂટી જાય છે; આમ અનંતકાળથી થતું આવ્યું છે, છતાં જીવ દેહાદિ સંયોગો ઉપરની પ્રીતિ છોડતો નથી અને દુ:ખી રહ્યા કરે છે. કોઇનું પણ મરણ સાંભળીને વૈરાગ્ય, વિચારવાન જીવને થાય છે તો કુટુંબીજન જેમની સાથે જિંદગીનાં ઘણાં વર્ષ ગયાં, તેમના વિયોગે જીવને વૈરાગ્ય બળવાન જાગે અને સંસારનું સ્વરૂપ અસાર, અનિત્ય, અશરણ અને ભયંકર લાગે, તે વિચારો જીવને સંસાર ઉપરથી સુખવૃત્તિ છોડાવી, પરમાર્થમાર્ગનું શરણ ગ્રહણ કરાવે તથા ફરી આવા સંસારમાં જન્મવું ન પડે, તેની તૈયારી કરાવે તેવા વૈરાગ્ય, ભક્તિ અને સત્સંગની ભાવનાના વિચારોમાં કાળ ગાળવા ભલામણ છે. બીજું કંઈ ન સૂઝે તો પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રસ્મરણ મળ્યું છે, તેનું રટણ અહોરાત્ર રહે તથા જે ભક્તિ-ભજનની આજ્ઞા મળી છે, તથા મુખપાઠ કરેલું છે, તેમાં મનને રોકીને સાંસારિક વિટંબણાના વિચારોથી પાછું વાળવું.