________________
(૭૩૩) બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં, અને જ્યાં આપણને બોધનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે; માટે લૌકિકભાવ ઓછો કરી, આત્માનું હિત શામાં છે તે લાભનો લક્ષ રાખે, તે ખરા વાણિયા કહેવાય. આ પ્રસંગને અનુસરી, વિચાર આવતાં સામાન્ય સૂચના કરી છે. આમ કરવું જ એવો આગ્રહ નથી.
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.' હિતકારી કામ કળે કરી લેવું. એકદમ ન બને તો વહેલેમોડે પણ, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, છે તેથી વિશેષ, મારે સત્સંગયોગે કરવાની છે; એ કામ કરી લેવા જેવું છે, તેમાં મારે હવે ઢીલ કરવી ઘટતી નથી. કાળનો ભરોસો શો ? અચાનક કાળ આવીને ઊભો રહેશે અને મનના મનોરથ મનમાં રહી જશે. માટે હજી જે જીવતા છે, તેણે મરણ પહેલાં ચેતી લેવાનું છે. અણધારી અડચણો, આફતો આવી પડે તોપણ ગભરાયા વિના, એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે દ્રઢ વિશ્વાસ રાખી, સહન કર્યા કરવું. પરમકૃપાળુદેવનાં વચનો પરમશાંતિને આપે તેવાં છે, તેમાં ચિત્ત વિશેષ રાખવા ભલામણ છેજી.
તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.” (૧૪૩) જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩૦૧) “જીવ તું શીદ શોચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.'' (૪૫૦) “બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી.' (૪૭) “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.” આમ વિચારી, મનને શોકના વિકલ્પોમાંથી ફેરવી, વૈરાગ્યમાં લાવવા પુરુષાર્થ કરવા ધારીએ તો બની શકે એમ છે. મનને વીલું ન મૂકવું. સ્મરણ કર્યા કરવું. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ તેમના પૌત્ર પૂ. ગુલાબચંદભાઈ ઉપર કૌટુંબિક આફત આવી ત્યારે લખાવેલો પત્ર (ઉપદેશામૃત પૃ.૯૫, પત્રાંક ૧૫૦) વારંવાર વિચારી, જગતની ફિકર ભૂલી જશોજી. તેમાં કહેલી શિખામણ દયમાં ઉતારશોજી. (બી-૩, પૃ. ૧૭૩, આંક ૧૭૮) T જેની સાથે જેટલો સંસ્કાર, લેવડદેવડ હોય છે તે પૂરી થતાં, તે સંબંધ છૂટી જાય છે. તેનો ખેદ
કરવાથી ઊલટો જીવ અપરાધી બને છે. આપણું જોર, મરણ આગળ કાંઈ ચાલતું નથી. આપણે પણ એક દિવસે, કોઈ ને કોઈ નિમિત્ત આવી પડ્યું, આ દેહને એમની પેઠે નાખી દઈ, ચાલી જવું પડશેજી. એવો દિવસ આવી પહોંચ્યા પહેલાં જે ભક્તિભાવના જ્ઞાનીની આજ્ઞાથી કરી લઇશું તેટલું સાથે આવશેજી. બાકી બીજું બધું, આ દેખાય છે તેમાંનું કંઈ, સાથે આવી શકે તેમ નથી. આખી જિંદગી દુ:ખ વેઠીને ધન વગેરે એકઠું કર્યું હશે, મકાન બંધાવ્યું હશે કે ઢોર-ઢાંખર-ખેતર આદિ જે મેળવ્યું હશે, તે ત્યાંના ત્યાં પડી રહેશે. ઊલટું ચિંતાનું કારણ થઈ પડે કે એને કોણ સંભાળશે, એને કોણ ભોગવશે ? આમ વાસનાને લઈને, અનંતકાળથી જીવ જન્મમરણ કરતો આવ્યો છે; તે વાસનાને મૂળમાંથી ઉખેડી નાખે તેવી જ્ઞાનીની આજ્ઞા, આ ભવમાં મળી છે તો બીજી વસ્તુઓ કરતાં, જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત વિશેષ રહે તેવો પુરુષાર્થ, જરૂર આ ભવમાં કરી લેવા યોગ્ય છેજી.