________________
૯૩૭) જેની ભક્તિ કરવી છે, તેનામાં જો વીતરાગતા ન હોય અને તેની ભક્તિ કરે તો સંસારનો સંસાર જ રહે. અધોગતિનું કારણ થાય. એવી ભક્તિ જીવ ભ્રાંતિથી કરે છે. તે કરતાં ભક્તિ ન કરતો હોય તો સારું છે. જેનો સંગ કરે, તેવો જીવ થઇ જાય. ગુણવાનની ભક્તિ કરે તો ગુણ પ્રાપ્ત થાય. પહેલાંમાં પહેલો લક્ષ એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ, તે વીતરાગ છે કે નહીં ? જે અજ્ઞાનીની ભક્તિ કરે તો આખી જિંદગી જીવની નકામી જાય. જગતમાં દેખાદેખી ભક્તિ થાય છે. સાચા સદ્ગુરુ મળ્યા હોય અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે પાણીમાં કમળ રહે, તેમ રહે છે. વૈભવ જીવને બાધા કરતો નથી. ભરત મહારાજને જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાતા. એવી ભક્તિ
તેમને હતી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે. (બો-૧, પૃ.૩૦૧, આંક ૫ ૬) D પ્રશ્ન : ભક્તિ મૌનપણે કરવી કે મોટેથી બોલીને કરવી? પૂજ્યશ્રી : આપણું ચિત્ત જો વિક્ષેપવાળું હોય, તો મોટેથી બોલવું. જેનું ચિત્ત થોડું બીજું સાંભળતા ત્યાં જતું રહે, એવું વિક્ષેપવાળું હોય, તેણે મોટેથી ભક્તિ કરવી, જેથી તેનું ચિત્ત બહાર ન જાય. આપણે સ્મરણ બોલીએ છીએ ત્યારે એક જણ આગળ બોલે અને પછી બધાય બોલે છે. એમ બોલવાથી ચિત્ત સ્થિર રહે છે. જો આપણું ચિત્ત વિક્ષેપરહિત હોય તો ભક્તિ મૌનપણે કરવી, અથવા હોઠ ફરકાવ્યા વિના કાયોત્સર્ગરૂપે કરે તો મોટેથી બોલે તેના કરતાં દસ ગણો લાભ થાય; પણ ““જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.' સ્યાદ્વાદ માર્ગ છે. માટે સમજીને, પોતાની ભૂમિકા તપાસીને કરવું. ચિત્ત વિક્ષેપવાળું હોય અને કાયોત્સર્ગમાં ઊભો રહી ભક્તિ કરે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ લડાઈ કરવા લાગે. માટે સમજીને કરવું. (બો-૧, પૃ.૬૪, આંક ૪૨) પ્રશ્ન : આપણે પાઠ વગેરે મોટેથી બોલતા હોઈએ અને કોઈને અડચણ પડતી હોય તો? પૂજ્યશ્રી : આપણે મોટા અવાજથી બોલતા હોઈએ અને કોઈ બીજો પણ પાઠ બોલતો હોય અથવા મનમાં વાંચતો હોય કે સ્વાધ્યાય કરતો હોય, તો તેને તેનામાં ભંગ પડે છે, ભૂલી જવાય. માટે આપણે ધીમેથી બોલવું, એ સારું છે. ધીમેથી બોલવાની ટેવ પાડવી. પ્રભુશ્રીજીના વખતમાં એક જણ સવારમાં વહેલો ઊઠીને ભજનિયાં ગાય. પ્રભુશ્રીજીએ બોલાવીને કહ્યું કે તારે ગાવું હોય તો જા, બહાર ચરામાં જઇને ગા. રાત્રે તો મોટેથી બોલવાની શાસ્ત્રમાં પણ ના કહી છે, કારણ કે મોડી રાત્રે મોટેથી બોલવાથી ઘરોળી, ઘુવડ, બિલાડી વગેરે હિંસક પ્રાણીઓ જાગી જાય, તેથી હિંસા કરે. મનમાં બોલવાની ટેવ પાડવી, એ સારી છે. અહીં બોલીએ તે ઠેઠ ચરામાં સંભળાય એટલું મોટેથી ન બોલીએ. વધારે ઊંચા અવાજે
બોલવાથી શક્તિનો વ્યય થાય છે. (બો-૧, પૃ.૨૮૧, આંક ૨૧) 1 પ્રશ્ન : ભક્તિમાં કોઈ આગળ-પાછળ બોલે અને બીજા બધાને ભંગ પડે તો તે બોલનારને કર્મ બંધાય? પૂજ્યશ્રી : સ્વછંદ છોડવા સત્સંગ છે. બોલતી વખતે બધાની સાથે ભક્તિમાં બોલવું જોઇએ, નહીં તો કર્મ બંધાય. બીજાને એવા નિમિત્તે કષાય થાય તો બીજાને પણ કર્મ બંધાય. એમ ભક્તિમાં સ્વપરને બંધનું કારણ થવાય, તે મોટો દોષ છે. એમ ન થાય, તે સંભાળવું. (બો-૧, પૃ.૨૩૮, આંક ૧૨૬)