________________
૬૬૧
પૂજ્યશ્રી : એમ થાય તો પુરુષાર્થ જાગે. નહીં તો આશ્રમમાં રહ્યા છીએને ? બધું થશે. એમ થઇ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનો નથી. તરવારની ધાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તો અધીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવાના છે. આત્માના હિત માટે અહીં રહ્યા છીએ, એ લક્ષ રાખવો. (બો-૧, પૃ.૩૩૧, આંક ૮૦)
પરમકૃપાળુદેવ લખે છે કે ‘‘બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.'' (૫૩૯) આ વારંવાર વિચારી બાહ્ય માહાત્મ્યમાં જતી બુદ્ધિને સદ્ગુરુશરણે, ચૈતન્યભાવ પ્રત્યે, સદ્ગુરુના ઉપકારમાં, સદ્ગુરુના સ્વરૂપમાં કે સદ્ગુરુએ જાણ્યું છે એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રોકવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
જ્ઞાનીએ જાણ્યું છે તેવા સ્વરૂપ કરતાં બીજી બાબતોનું માહાત્મ્ય ન લાગે, ભાવ ન જાગે અને જ્ઞાનીના સ્વરૂપમાં જ સંતોષભાવ વર્તાય, પ્રસન્નતા રહે તેમ કર્તવ્ય છેજી. પોતાનાથી બને તેટલી આત્મભાવના, સદ્ગુરુશરણે ક૨વી ઘટે છેજી. (બો-૩, પૃ.૬૮૧, આંક ૮૧૮)
વારંવાર જેમ આહાર, વિહાર, વૈભવના વિચાર આવ્યા કરે તેથી વિશેષ વાર અને વિશેષ ભાવે સત્પુરુષનાં વચન, તેની મુદ્રા, તેની આજ્ઞાનું સ્મરણ રહ્યા કરે, તેવો પુરુષાર્થ આ જીવે અવશ્ય કરવા જેવો છે. (બો-૩, પૃ.૪૪, આંક ૩૦)
D મહાભાગ્યશાળી હશે તેને સત્પુરુષની શ્રદ્ધામાં વર્ધમાનતા થઇ, સમકિતસહ સમાધિમરણનો લાભ પ્રાપ્ત થશે, એ લક્ષ રાખી પુરુષાર્થ દિન-પ્રતિદિન વર્ધમાન થતો જાય, તેમ વર્તવું ઘટે છેજી. કંઇ ન બને તો શ્રદ્ધાની દૃઢતા જેમ જેમ થતી જાય તેવો સંગ, તેવું વાંચન, તેની ભાવના કરતા રહેવી ઘટે છેજી.
પરમકૃપાળુદેવની કૃપાથી ઇંદોરમાં સત્સંગની સામગ્રી અને શુભેચ્છાસંપન્ન મુમુક્ષુઓનું સંઘબળ ઠીક છે. તેમાં સંપ રહે અને સત્સંગ, ભક્તિ, વાંચન, વિચારના પ્રસંગ રહ્યા કરે તો અસત્સંગનું બળ ઘટે અને વિચારની નિર્મળતા થતાં સ્વરૂપપ્રાપ્તિની સરળતા થાય. વ્યક્તિગત પ્રયત્ન અને સમૂહમાં ભક્તિ આદિના પ્રસંગોની પણ જરૂર છેજી.
જે જે નિમિત્તે ભક્તિભાવ વધે, ધર્મપ્રેમ, વાત્સલ્યતા, પ્રભાવના, ગુણવૃદ્ધિ થાય તેમ પ્રવર્તવા સર્વને ભલામણ છેજી. વૈરાગ્ય-ઉપશમ અર્થે બાર ભાવના, દશ યતિધર્મ, સમાધિમરણ આદિ સમાધિસોપાનમાંથી વાંચતા રહેવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૫૧૬, આંક ૫૬૦)
I મુમુક્ષુતાની વૃદ્ધિ થાય અને સદ્ગુરુના શરણની દૃઢતા થાય, તેમ દિન-દિન પુરુષાર્થ કર્તવ્ય છેજી.
જે જ્ઞાનીપુરુષનાં જ્ઞાનમાં છે તે સર્વ સાચું છેજી. તેનું જ કહેલું મારે માનવું છે. આ ભવમાં તેનું સંમત કરેલું સંમત કરી, યથાશક્તિ તેના આશ્રયે વર્તાય તેમ કરી, આટલું પાછલા પહોરનું આયુષ્ય બાકી હોય તે તેને શરણે સમાપ્ત કરવું છે, એ જેનો દૃઢ નિશ્ચય છે તેને નિઃશંકતા વર્તે છે.
નહીં સમજાતું હોય તે, કષાયની મંદતા થયે અને જ્ઞાનાવરણીય પાતળાં પડતાં, સર્વ સ્પષ્ટ થતું જાય છે અને થઇ જશે. એ અટળ, દૃઢ શ્રદ્ધા રાખી, અંતરપરિણતિ નિર્મળ થાય, તેવો ઉપયોગ, પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૪૯૮, આંક ૫૩૪)