________________
૬૨૮
જેને સત્પુરુષનો યોગ થયો છે, તેણે તો વેદનીયકર્મથી ડરવા જેવું નથી. જેટલું આવવું હોય તેટલું આવો. સ્વસ્થતા છે ત્યાં સુધી જે ભોગવી લીધું, તેટલું છેવટે નડશે નહીં. ગયું તે ગયું, નવું ન બંધાય તેની સંભાળ લેવાની છે. (બો-૩, પૃ.૪૯૦, આંક ૫૨૪)
D માંદગી સંબંધી લખ્યું તે જાણ્યું. શરીરનો સ્વભાવ શરીર ભજવે, તો તેમાં રહેનાર આત્માએ પણ પોતાના સ્વભાવ તરફ વળવું ઘટે છેજી. પરમકૃપાળુદેવને શરણે દેહાધ્યાસ ઘટે અને આત્મવિચાર તે નિમિત્તે વિશેષ રહ્યા કરે તો તે વેદનીનો પણ ઉપકાર ગણવા યોગ્ય છેજી.
મરણના ભયે અનેક વિચારવાનો મોક્ષમાર્ગ ભણી વળ્યા છે, એમ પરમકૃપાળુદેવે એક ઠેકાણે જણાવ્યું છે; તે વિચારી આ અનિત્ય જીવનનો મોહ મંદ કરી, નિત્ય, અવ્યાબાધ સુખસ્વરૂપ, પરમાનંદમય પોતાનું ધામ સાંભરે, તેની ઉત્કંઠા વધે, તેના ઉપાયમાં આનંદ આવે તેવું વાંચન, ભક્તિ, વૈરાગ્ય, વિચાર આદિ કર્તવ્ય છેજી. અવકાશનો વખત પરમકૃપાળુદેવનાં વચનો વાંચવા-વિચારવામાં ગાળો તથા પૂ. ને પણ કંઇ સંભળાવવાનું બને તો તેમ કર્તવ્ય છેજી.
મુશ્કેલીઓથી કંટાળવા કરતાં સમભાવે સહન કરી, ફરી તેવાં કર્મ ન આવે તેમ પરમકૃપાળુદેવ ઘણી ભીડમાં, જે પરમાર્થની જાગૃતિ રાખી વર્તા છે, તે યાદ લાવી યથાશક્તિ છૂટવાના ભાવની વૃદ્ધિ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૧૧, આંક ૮૫૮)
જ્ઞાનીપુરુષો શાતા કરતાં અશાતાને કલ્યાણકારી માને છે; કારણ કે શાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે, અશાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકે છે, ધર્મધ્યાનની ભાવના જાગે છે કે પ્રબળ બને છે; દેહનું સ્વરૂપ વિશ્વાસધાતી મિત્ર સમાન જ્ઞાનીઓએ વર્ણવ્યું છે તેની પ્રતીતિ થાય છે; ઘણું સાચવવા છતાં, વેદનાની મૂર્તિરૂપ તેનો સ્વભાવ, કૂતરાની પૂંછડી સમાન ટાળ્યો ટળતો નથી; તેનું અનિત્ય, અસાર સ્વરૂપ સમજાતાં, સમજુ જીવને ભવિષ્યને માટે તેની ચિંતા, તેની શોભા, તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી, મંદ આદર થાય છે; અને દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેતા પરમ જ્ઞાનીપુરુષોના માર્ગને યથાર્થ, આરાધવાનો નિશ્ચય દૃઢ થાય છે.
તદ્દન અસહાય અવસ્થામાં પરમશરણરૂપ પરમકૃપાળુદેવનું યોગબળ ગુપ્ત ચમત્કારરૂપ, અનેક ભવ્ય જીવોને અત્યંત વેદના વેદતાં સ્પષ્ટ સમજાય છે, તે શ્રી અનાથીમુનિ સમાન ભવ્ય જીવોને, જીવનપલટાનું પ્રબળ કારણ થઇ પડે છે.
સંસારી જીવોને અશાતાવેદનીય અવનવા અનુભવ કરાવે છે એ લક્ષ રાખી, ખરી નિવૃત્તિનો કાળ સમજી, ભાવિ જીવનનો ધ્યેય નક્કી કરવા યોગ્ય પ્રસંગ, સમજુ જીવે સમજવા યોગ્ય છેજી. ૫.પૂ. પ્રભુશ્રીજીને પણ તેવા પ્રસંગોમાં ઘણું આગળ વધવાનું બનેલું છે. (બો-૩, પૃ.૪૮૫, આંક ૫૧૭)
D આપની સખત બીમારી સંબંધી સમાચાર તથા દાન-ભાવના દર્શાવી, તે જાણ્યું. ઘણી વખત એવી માંદગી શ્રી અનાથીમુનિ જેવાને ૫૨મ કલ્યાણનું કારણ થઇ પડે છે. બીજું કંઇ નહીં તો અસાર વસ્તુ તે વખતે અસાર, તજવા યોગ્ય લાગે છે. તેનો વિચાર થાય તો ફરી તીવ્ર મોહ થવાનું કારણ ન બને. તેવા પ્રસંગ વારંવાર સ્મૃતિમાં લાવવાથી તથા એક સદ્ગુરુ અને તેનું શરણું જ તે વખતે ઉપયોગી છે, એ લક્ષ રહે તો વૈરાગ્યનું કારણ બને છે.