________________
(૨૭) ખમી ખૂંદવાની ટેવ, પુરુષો કરતાં પણ સ્ત્રીઓમાં વધારે હોય છે; કારણ કે પરાધીનપણું, આખી જિંદગી તેમણે સેવ્યું હોય છે; એટલે તેમને સ્મરણમંત્ર, ભક્તિના વીસ દોહરા, આત્મસિદ્ધિ આદિ સંભળાવવાનું કરો તો તેમનું ચિત્ત ધર્મભાવમાં સહેજે ઢળી જાય અને આર્તધ્યાન કરી કર્મ ન બાંધે. વાંચતાં આવડતું હોય તો તે પોતે પણ સૂતાં-સૂતાં પુરુષનાં વચનમાં વૃત્તિ રાખે, મંત્રમાં ભાવ રાખે તો સુખના વખત કરતાં દુ:ખનો વખત આત્માને વધારે હિતકારી નીવડે. સુખના વખતમાં તો બહારના પદાર્થોમાં જીવ ખોટી થાય છે, પણ દુઃખના પ્રસંગે પરમાત્મા સાંભરે, ભક્તિમાં સહેજે વૃત્તિ જાય. ભક્તિ એ પરભવને માટે ઉત્તમ ભાથું છે; કરશે, કરાવશે - તે બંનેને હિતકારી છે. મનુષ્યભવમાં જ ભક્તિનો ખરો લહાવો લેવાય છે. કાગડા-કૂતરા શું કરી શકે ? માટે જરૂરના કામથી પરવારીને, ભક્તિનો ક્રમ માંદા માણસની સમક્ષ ચાલુ રાખવામાં આવે તો ઘર તે મંદિરરૂપ, થોડા દિવસ તો થઈ જાય. તેથી ચિત્તની પ્રસન્નતા રહે છે અને પાપ દૂર થવાનું કારણ છે. આત્માને હિતકારી દવા તો ભક્તિ છે. પૂ. ....ને હિંમત આપશો કે ગભરાવું નહીં, શૂરવીરપણું રાખીને, કઠણ હૈયું કરી, ભોગવવાનાં કર્મ ભોગવી લેવાં. આથી અનંતગણ દુઃખ નરકમાં જીવે સહન કર્યા છે, તો પણ તે ઘસાઈ ગયો કે છેદાઈ ગયો નથી. આત્માને તેનાથી કંઈ હાનિ થવાની નથી. માત્ર ધીરજ, શાંતિ રાખી, આવી પડેલી વેદના વેદી લેવી અને ભાવ ભગવાનમાં રાખવા પુરુષાર્થ કરવો, સ્મરણમંત્ર જીભના ટેરવે હરદમ હાજર રાખવો. એ મંદવાડમાં ટેવ પાડી મૂકી હશે તો પછી પણ બહુ લાભકારક થઈ પડશે. શાંતિ રાખી,
ભક્તિમાં ચિત્ત રાખશોજી. સત્પષનાં દર્શન, સમાગમ, બોધ સાંભળેલો જે સ્મૃતિમાં આવે, તેમાં ચિત્ત દેવું, તે પાપને દૂર કરનાર છે. (બો-૩, પૃ.૯૯, આંક ૯૨) D ચિત્તનો સ્વભાવ ગડમથલ કરવાનો છે અને મનની અશાંતિ શારીરિક અશાંતિ કરતાં વધારે ભયંકર છે. ‘મન બાળવા કરતાં હાથ બાળવા સારા’ એમ કહેવત છે. શરીરનાં દુઃખ પણ મનમાં જેટલો દેહાધ્યાસ છે, તે પ્રમાણે વેદાય છે. શરીરને ગમે તેમ હો તોપણ મારા પરિણામ, આત્માનું (જ્ઞાનીની આજ્ઞાનું) વિસ્મરણ કરાવે, તેવા થવા દેવા નથી - આમ જેનો નિર્ણય હોય, તે શરીરની પીડા સહન કરતાં પણ આત્મા અછઘ, અભેદ્ય જરા, મરણ, વ્યાધિ આદિથી રહિત છે, એવી ભાવના ટકાવી શકે છે. જેની વિશેષ દૃઢતા, સહનશીલતા હોય અને આત્મજ્ઞાન સહિત હોય, તેને શરીરનાં દુઃખમાં ઉપયોગ પણ ન જાય અને આત્મદશામાં મગ્ન રહી શકે છે. - શ્રી ગજસુકુમારને અસહ્ય વેદનીમાં પણ, મોક્ષમાર્ગરૂપ શુદ્ધ ઉપયોગ રહેવાથી, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, મોક્ષ થયો હતો. શ્રી દેવકરણજીમુનિને ક્લોરોફોર્મ સુંઘાડયા વિના, સાત વાર પગનું ઓપરેશન કર્યું અને છેલ્લી વખતે દેહ છૂટી ગયો; પણ પરમકૃપાળુદેવનું શરણ ન છોડયું, તે મહાપુરુષને આશ્રયે દેહ છોડી, સ્વરૂપ પ્રાપ્તિ કરી લીધી. આપણે માટે પણ એ જ માર્ગ છે. સમાધિમરણ કરવું હોય, તેને તો વેદનીય આવકારદાયક છે. સમાધિમરણ વખતે કેવા ભાવ રાખવા? તે શીખવાની નિશાળરૂપ અશાતાવેદનીય છે. શાતાવેદનીયમાં દેહ અને આત્મા ભિન્ન છે એમ સાંભળેલું, દુઃખ આવ્યું ખસી જાય છે, પણ વેદના ભોગવતાં-ભોગવતાં, દેહના ધર્મ અને આત્માના ધર્મ ભિન્ન વિચારીને ભાવના કરી હોય તો તે તૈયારી, આખરે સમાધિમરણ કરાવે છે.