________________
(૨૩) સદ્ગુરુકૃપાએ મંદ વેદના હોય ત્યારે તેવા ભાવો ટકી શકે છે; અને તીવ્ર ભાવના જેની તેવી રહેતી હોય તેને તો તીવ્ર વેદના સાક્ષાત્કારનું કારણ બને છે. માટે તેવી ભાવનાનો પ્રસંગ રોજ અમુક વખત રાખવાનું બને તેમ કર્તવ્ય છે. શાતાવેદનીમાં તેવી ભાવના ભાવી હોય તો અશાતા વખતે તે હાજર થાય છે. તેમ ન બન્યું તોપણ
અશાતા વખતે જરૂર તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૧૧) I પૂ. ....ને પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવી મોકલેલ પત્ર, માંદગીમાં ઘણો ઉપયોગી નીવડયો છે, તેની નકલ બાપને વિચારવા આ સાથે મોકલી છે :
મારા આત્મસ્વરૂપ, તમે મારી પ્રકૃતિના સંબંધમાં શા માટે પૂછો છો? શું તમને ખબર નથી કે મારો આત્મા તો આનંદની ખાણ અને સત્ય છે અને શરીર તો બિચારું હંમેશાં બદલાતું જ રહે છે, અને પ્રતિ-ક્ષણ મૃત્યુની સમીપમાં જ જાય છે, તેમ જ કોઇ દિવસ સુખી પણ રહેતું નથી. આત્માના સંબંધમાં તો તમારું પૂછવું વ્યર્થ છે, કારણ કે એ તો નિત્ય આનંદઘન છે; અને એવી જ રીતે શરીરના સંબંધમાં પણ તમારું પૂછવું યોગ્ય નથી, કારણ કે એ તો સદાય મહા દુઃખી જ છે. તો પછી કોની પ્રકૃતિ કે દશા પૂછો છો? નથી સ્તુતિ અગત્યની કે નથી નિંદા, નથી મિત્ર કે નથી શત્રુઓ, નથી પ્રેમીઓ કે નથી ધિક્કારપાત્રો, નથી શરીર કે નથી શરીરના સંબંધીઓ, નથી ગૃહ કે નથી અપરિચિતભૂમિ - આ જગતનું કશુંયે અગત્યનું નથી. પરમાત્મા જ છે, પરમાત્મા સત્ય છે. બધુંયે ચાલ્યું જવા દો. અંતઃકરણ શાંતિથી ભરપૂર છે. સંસારનો કોઈ પણ પદાર્થ વિશ્વાસપાત્ર કે આશ્રય કરવા લાયક નથી. પરમેશ્વરની અત્યંત કૃપા તો એ લોકો ઉપર છે કે જેઓ પોતાનો આશ્રય અને વિશ્વાસ કેવળ પરમાત્મામાં જ રાખે છે. દ્ભયથી સાચા સાધુ એ જ છે; એવા મહાપુરુષોના ચરણોમાં સમસ્ત સૃષ્ટિ સેવા અર્પે છે. સત્સંગ, ઉત્તમ ગ્રંથ અને ભજન-કીર્તનરૂપ ઉપાસના, એ ત્રણ વસ્તુઓ ત્રિલોકના રાજા બનાવી દે છે.'' (બી-૩, પૃ.૨૨, આંક ૨૫૭) વેદના એ શરીરનો ધર્મ છે. આત્મા તે વેદનાને જાણનાર છે. જેમ ગજસુકુમારના માથા પર માટીની પાળ બાંધી અંગારા પૂરવાથી, જે અસહ્ય વેદના થઇ, પણ તે વેદનાને દેહનો ધર્મ જાણી, ભગવાન નેમિનાથ પ્રભુની આજ્ઞાનુસારે પોતે જ્ઞાયક માત્ર જાણનાર રહી, નિજસ્વભાવસ્વરૂપના અનન્ય અભ્યાસથી કેવળજ્ઞાન પામી મોશે પધાર્યા. ગજસુકુમારની વેદનાના હિસાબમાં આપણને એક અંશ પણ વેદના નથી. માત્ર શરીર ઉપરના મોહને લઈને વેદના જીવને લાગે છે, તે માત્ર અજ્ઞાન છે; અને તે અજ્ઞાન અથવા મોહને ટાળવાનો ઉપાય વેદનાના અવસરમાં એક માત્ર સ્મરણ છે. તે સ્મરણમાં જ ઉપયોગને પરોવી વારંવાર અભ્યાસ કરી, વેદનાને દેહનો ધર્મ જાણી, સ્મરણમાં ઉપયોગ રાખવા ભલામણ છે. વેદનાના અવસરમાં ખાસ પુરુષાર્થની જરૂર છે. ક્ષણે-ક્ષણે આત્માની સંભાળ રાખવા યોગ્ય છે. શરીર તો પૂર્વે, ઘણાં, જીવે ધારણ કર્યા અને છોડ્યાં છે. માત્ર આત્માની સંભાળ રાખી નથી. માટે આ વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી, સર્વ સંસારી વ્યવહારના પ્રસંગો ભૂલી જઈ, માત્ર એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૭૬૮, આંક ૯૭૭)