________________
(૫૨)
કંઈ ન બની શકે તોપણ “તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !' એ ક્ષમાપનામાં પ્રાર્થના કરીએ છીએ, તેની સ્મૃતિ સદાય રહ્યા કરે, એમ વર્તવા યોગ્ય છેજી. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનો અટલ આશ્રય ભવપર્યત મને-તમને ટકી રહો, એ યાચનાપૂર્વક પત્ર પૂર્ણ કરું છુંજી. (બી-૩, પૃ.૪૪૧, આંક ૪૬૨) પરમકૃપાળુદેવનું યોગબળ ઘણું કામ કરી રહ્યું છે, એમ નજરે જણાય છેજી. જીવનકળામાં વાગ્યું હશે કે પૂ. ચતુરલાલજીમુનિ વસોમાં માળા ફેરવતા હતા, ત્યાં પરમકૃપાળુદેવ આવી ચઢયા અને પૂછયું : “મુનિ, શું કરો છો ?' તો કહે, “માળા ફેરવું છું.' ફરી પૂછયું : શાની ?' તો કહે, “ખાઉં ખાઉં થયા કરે છે તેની.” પરંતુ તે પવિત્ર વાતાવરણમાં વિચાર ફુર્યો તે તેમણે જણાવ્યો કે, “હે પ્રભુ ! આવી વૃત્તિમાં મારો દેહ છૂટી જાય તો શી વલે થાય? ક્યાં રખડું ?' પરમકૃપાળુદેવે કહ્યું : “મુનિ, અમારી આજ્ઞા ઉઠાવતાં દેહ છૂટી જશે, તો ગમે તે ગતિમાંથી તમને તાણી લાવીશું. અમે તમારા દેહના સ્વામી નથી, આત્માના છીએ.” આ ઉપરથી વિશ્વાસની દ્રઢતા રાખવી કે આપણે આ આત્મા પરમકૃપાળુદેવને અર્પણ કર્યો છે, એને શરણે આત્માનું જરૂર કલ્યાણ થશે. આપણું કામ તો તેની આજ્ઞા ઉઠાવવાનું છે, તે યથાશક્તિ કર્યા જ કરવું. (બી-૩, પૃ.૪૫ર, આંક ૪૭૧) અભયકુમાર આગલા ભવમાં બ્રાહ્મણ હતા. એક દિવસ શ્રાવક મિત્ર સાથે જતા હતા. રસ્તામાં પીપળાનું ઝાડ આવ્યું. તે જોઈ અભયકુમારના જીવે પીપળાને નમસ્કાર કર્યા. શ્રાવકને વિચાર આવ્યો કે આ બિચારો એકેન્દ્રિયને દેવ માની નમસ્કાર કરે છે, તે બરાબર નથી. એમ વિચારી, પીપળાનું એક પાન તોડી પગ નીચે કચરી નાખ્યું. તે જોઈ બ્રાહ્મણે કહ્યું : શા માટે મારા દેવને પગ નીચે કચરો છો? શ્રાવકે કહ્યું તમારા દેવમાં કંઈ શક્તિ નથી, મારા દેવ જોજો. પછી આગળ ચાલ્યા, ત્યાં એક કૂચનું ઝાડ આવ્યું. તે જોઈને શ્રાવકે હાથ જોડ્યા. બ્રાહ્મણે કૂચના ઝાડને શ્રાવકના દેવ જાણીને તેને તોડી, હાથમાં લઈ કચર્યું. તેથી તેના હાથે બહુ લાય ઊઠી અને બધે શરીરે ખંજવાળ આવવા મંડી, ત્યારે શ્રાવકે કહ્યું: મારા દેવ કેવા શક્તિવાળા છે ! જોયા? પછી તેઓ ગંગા કિનારે આવ્યા, ત્યારે બ્રાહ્મણ નાહીને મંત્ર જપવા બેઠો. શ્રાવક પોતાનું ભાથું લઈ ખાવા બેઠો. પછી બ્રાહ્મણ પણ ખાવા બેઠો. તે વખતે શ્રાવક એંઠો રોટલો ગંગામાં ઝબોળી તેને આપવા લાગ્યો. બ્રાહ્મણે કહ્યું એઠો રોટલો અમારાથી ન ખવાય. શ્રાવકે કહ્યું: ગંગામાં ધોઈને આપ્યો છેને? એ તો પવિત્ર થયો છે. પછી અભયકુમારનો જીવ સમજી ગયો. તે બ્રાહ્મણ જૈનધર્મ પાળી, બીજે ભવે અભયકુમાર નામે શ્રેણિકનો પુત્ર તથા મુખ્ય મંત્રી થયો. છેવટે ભગવાન પાસે દીક્ષા લઈ, સવાર્થસિદ્ધિમાં ગયો. પછી મોક્ષે જશે. આપણે પણ કેટલાય ભવથી રખડતા પરમકૃપાળુદેવને શરણે આવ્યા છીએ. (બો-૧, પૃ.૧૫૮, આંક ૧૨) D આપના પિતાશ્રીના દેહ-અવસાનના સમાચાર મળ્યા; તથા તમારે શિર બધી જવાબદારી આવી પડી છે
એમ સાંભળ્યું. પૂર્વકર્મ અનેક રૂપ લઈને આવે છે, તેમાં આપણી કસોટી થઈ રહી છે.