________________
[1
૪૯
સ્મરણના બળથી, અહંભાવ અને મમત્વભાવના વિચારોને નિર્મૂળ કરતા રહેવાની જરૂર છે; નહીં તો સદ્ગુરુના બોધને પોષણ મળતું નથી. ‘‘મૂળ મારગ''માં કહ્યું છે તે પ્રમાણે આત્માને ઓળખી, આત્મામાં સ્થિરતા કરવાની જરૂર છે. (બો-૩, પૃ.૬૩૩, આંક ૭૪૫)
સત્પુરુષનો સમાગમ અને સત્પુરુષનાં વચનામૃત જીવને અવશ્ય ઊંચો લાવે છે, વૈરાગ્યનું દાન દે છે, ૫૨મ પુરુષાર્થ જગાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો મડદાંને જીવતાં કરે છે. જ્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને નિઃશંકતા નથી થઇ ત્યાં સુધી, સર્વ પ્રાણી હાલતાં-ચાલતાં મડદાં જ છે.
પ્રમાદે આ જીવનું ભૂંડું કરવામાં બાકી રાખી નથી. તે પ્રમાદને દૂર કરવા સત્પુરુષનાં વચન શૌર્ય પ્રેરે છે. (બો-૩, પૃ.૪૭, આંક ૩૨)
અનાદિકાળથી આ જીવ સ્વચ્છંદે ચાલી અજ્ઞાનભાવમાં પરિણમ્યો છે; તેને સત્પુરુષના સમાગમની અને અપૂર્વ બોધની જરૂર છે.
સત્પુરુષના બોધમાં જીવ રંગાય અને સ્વચ્છંદ છોડી, તેની આજ્ઞાએ પોતાની વૃત્તિઓને કંઇ નિયમમાં આણે અને તે આજ્ઞા ઉઠાવવામાં પોતાનું અહોભાગ્ય માની, ઉલ્લાસ લાવી, વીર્ય ફોરવી વિઘ્નોની સામે થઇ લીધેલા નિયમોમાં દૃઢ રહે તો કલ્યાણનો માર્ગ પામવા જીવની જોગ્યતા જાગે. નિજછંદે ચાલીને તો જીવે ઘણાં વ્રતનિયમ, સંયમ પાળ્યાં; પણ સત્પુરુષની દૃષ્ટિએ, તેની આજ્ઞાએ જીવ વર્તો નથી; નહીં તો આજ સુધી તેને પરિભ્રમણ કરતાં-કરતાં આવા કળિકાળમાં, આવા ક્ષેત્રોમાં અને આવા ભાવો અને વિકારોમાં પરિણમવાપણું ન હોય.
સત્પુરુષના બોધે જીવમાં વીર્ય જાગે છે અને તેથી વીર્યના વેગમાં આવી જીવ વ્રત ગ્રહણ કરે છે; પણ તેવા જોગ વારંવાર મેળવી તે વેગને પોષણ મળતું ન રહે તો જીવ હીનવીર્યવાળો થઇ શિથિલપરિણામી થઇ જાય. માટે સત્સંગ, સત્પુરુષનાં વચનોનું બહુમાનપણું અને તેનો અભ્યાસ, તેમાં જ ચિત્તની રુચિ, રમણતા અને તલ્લીનતા રહે તેમ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૪૩, આંક ૩૦)
‘‘અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એક સ્નેહનો, ન મળે ૫૨મ પ્રભાવ.''
આપે પત્રમાં જણાવ્યું કે વિશેષ વાંચવાથી પરમકૃપાળુદેવનાં વચનોનું સામાન્યપણું થઇ જાય છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે જીવને સત્સંગની ઘણી ખામી છે. વૈરાગ્ય હોય તેને પરમકૃપાળુદેવનાં વચનો નિત્ય-નિત્ય નવાં લાગે તેવાં છે. અનેક ભવોના અનુભવના સારરૂપ શિખામણ, સંક્ષેપમાં એક-એક પત્રમાં ટાંકેલી છે.
સત્સંગયોગે તે પત્રોનો વિસ્તાર સમજવા યોગ્ય છે; પરંતુ તેવો યોગ ન હોય ત્યાં સુધી ‘‘અનંત અનંત ભાવભેદથી ભરેલી'' ઇત્યાદિ મંગલાચરણમાં જણાવેલી ભાવના વિચારવી કે હે ભગવાન ! મારા જેવા પામરના હાથમાં, રાંકને હાથ રતન આવે તેમ, આ પત્રો આવ્યા છે. તેમાંના એક-એક પત્રના આધારે મુમુક્ષુઓએ પોતાનું જીવન ઘડયું છે, આખી જિંદગી સુધી એક જ પત્રના રસનું પાન કર્યું છે અને પોતાની દશા તેના આધારે વધારી છે. મારે પણ એમાંથી અમૃત પીને મારા આત્માને અમર બનાવવો છે.