________________
૪૭૯
અને તેના ઉપાય શ્રવણ, મનન, નિદિધ્યાસન, જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સદ્ગુરુએ ઉપદેશ્યા છે, તે પરમ સત્ય છે. જીવ ધારે તો તે આરાધી શકે તેવા છે. તે જ આ મનુષ્યભવમાં પ્રાપ્ત કરી લેવા યોગ્ય છે. (બો-૩, પૃ.૪૫૩, આંક ૪૭૩)
આ મનુષ્યભવમાં, અપૂર્વ યોગે, જો જીવ કરવા યોગ્ય કાર્ય માટે કાળજી નહીં રાખે તો પછી તે લૂંટાઇ ગયા પછી આવો યોગ ક્યારે પ્રાપ્ત થશે તે, તે તરફ નજર નાખતાં પણ સમજાય તેમ નથી. માટે પ્રમાદ-શત્રુને વશ ન થતાં જાગ્રત-જાગ્રત રહેવાની જ્ઞાનીપુરુષોને પણ, મહાજ્ઞાનીપુરુષોએ પ્રેરણા વારંવા૨ કરી છે; તે લક્ષમાં લઇ આપણે પણ સમાધિમરણની તૈયારીમાં જ રહેવું ઘટે છે. કોઇ રીતે ગફલતમાં રહેવું ઘટતું નથી.
આયુષ્યનો શો ભરોસો ? લીધો કે લેશે એમ થઇ રહ્યું છે. ભક્તિ, વાંચન, વિચાર, સ્મરણ આદિ સત્સાધનો આ કાળમાં દુર્લભ છતાં જો પ્રાપ્ત થવાનો પુણ્યોદય આવી ગયો તો હવે એક પુરુષાર્થ કરવો બાકી છે અને તે આપણા જ હાથની બાજી છે; તો બને તેટલી એ સાચી દુર્લભ વસ્તુઓની ભાવના નિરંતર રહ્યા કરે તેમ કંઇ કરવા ભલામણ આપ સર્વને છેજી.
અબળાઓ પણ આ પુરુષાર્થ કરી શકે તેમ છે પણ જીવને ગરજ હોય તેટલું જ બને છે. માટે આત્મહિતની ચિંતના દિવસે-દિવસે વધતી જાય અને કરવા યોગ્ય જે જ્ઞાનીપુરુષોએ જણાવ્યું છે તે વિસ્મરણ ન થાય તેટલો ઉપયોગ તો રાખ્યા રહેવો. (બો-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨)
E કેટલું જીવવાનું છે, તે આપણને ખબર નથી. જગતના ફેરફારો કેવા થવા નિર્માયા છે, તેનું અનુમાન પણ થઇ શકતું નથી. રાજા કે રંક બધા દુઃખી દેખાય છે. આ યુવાન અવસ્થા રહેવાની નથી અને કાળના મોંમાં બેઠા હોઇએ તેમ છે; તો જેટલું જીવવાનું આ મનુષ્યભવના આયુષ્યમાંથી બાકી હોય, તેનો મોટો ભાગ પરભવનું ભાથું બાંધવામાં જાય, પાપકર્મોથી દૂર થવાય, જ્ઞાનીની આજ્ઞા પ્રાણ જતાં પણ ન તૂટે અને યથાશક્તિ ભક્તિભાવ, દાન, શીલ, તપ અને ભાવનામાં ગળાય તો તેનું કેવું સારું પરિણામ આવે ? (બો-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧)
] બાઇ, ભાઇ, ભણેલા, અભણ, ગરીબ, ધનવાન, બ્રાહ્મણ કે પતિત, ગમે તે શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ ગ્રહણ કરી, મરણ સુધી ધારે તો ટકાવી શકે તેમ છે. આવો અપૂર્વ યોગ આ મનુષ્યભવમાં મળી આવ્યો છે, તે ચૂકવા જોગ નથી.
ખરી કમાણી કરવાની મોસમ આ મનુષ્યભવ છે, તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદથી, મળેલો લાભ પણ જીવ ખોઇ બેસે છે. માટે જેટલો બની શકે, તેટલો વખત ભક્તિભાવનામાં ગાળવા યોગ્ય છેજી. કામ કરતાં છતાં ભાવના ભગવાન પ્રત્યે રાખવાની ટેવ રાખી હોય તો તે બની શકે તેમ છે. રુચિ, પ્રેમ, પ્રતીતિ જેટલી હશે તેટલા પ્રમાણમાં મન વારંવાર શ્રી સદ્ગુરુ પ્રત્યે જશે, અને તે મહા જ્ઞાનીપુરુષના આશ્રિતે કેમ વર્તવું, તેનું શિક્ષણ તે પામતું જશે. (બો-૩, પૃ.૧૬૧, આંક ૧૬૨)
D આપણા આત્માને આ અસાર, અશરણ, અનિત્ય સંસારમાં પરિભ્રમણ કરતો પાછો વાળી, જ્ઞાનીપુરુષના અવલંબને સ્વરૂપની સમજ કરી, સ્વરૂપસ્થિતિ થાય તેમ આ મનુષ્યભવમાં કરી લેવું ઘટે છેજી. (બો-૩, પૃ.૫૩૬, આંક ૫૮૬)