________________
૪૭૩
મનુષ્યભવ બહુ દુર્લભ છે. મોક્ષ પામવા યોગ્ય એક મનુષ્યગતિ જ છે અને તે વારંવાર પ્રાપ્ત થતી નથી, એમ વિચારી પરમકૃપાળુદેવનાં વચનોનો પરિચય વિશેષ રાખવો. જેમ વાછડું ગાય પાછળ ધાવવા ફરે તેમ સત્પુરુષનાં વચનો પ્રત્યે પ્રેમ-પ્રતીતિ રાખી, તેનું જેટલું વિશેષ સેવન થશે, તેટલો આત્મા વિશેષ પોષાશે.
ધર્મકાર્યમાં કોઇનો ભાગ નથી, કોઇ લૂંટી લે તેમ નથી, બળી જાય કે નાશ થાય તેમ નથી; માટે કાળજી રાખીને જ્યાં સુધી રોગ આવ્યો નથી, વૃદ્ધાવસ્થાના દુઃખે દેખાવ દીધો નથી, અને સત્પુરુષાર્થ બની શકે તેમ છે ત્યાં સુધી, આત્માનું હિત થાય તેવી વિચારણા, આચરણા, ભાવના કરી લેવા યોગ્ય છે. પછીથી પસ્તાવો ન થાય, તેવી રીતે જીવન ગાળવાની ટેવ પાડવા યોગ્ય છે. (બો-૩, પૃ.૭૩, આંક ૬૧)
આ મનુષ્યભવરૂપી મહાસમૃદ્ધિ આ જીવ પામ્યો છે, તેનો સદુપયોગ થાય તો જીવ અપૂર્વતાને પામે, પણ તેની મહત્તા જોઇએ તેવી સમજાઇ નથી. મુખથી માત્ર કહીએ છીએ કે મનુષ્યભવપણું ભગવંતે દુર્લભ કહ્યું છે, પણ તે અંતરમાં ઊતરે તો તે રિદ્ધિ લૂંટાતી જાય છે, તે જાણીને જીવને ઝંપ-નિરાંત ન વળે.
જેટલી કાળજી જીવ નશ્વર, અસાર, માયિક ભોગને માટે રાખે છે, તેનો અલ્પ અંશ પણ આ આત્માના હિતને માટે રાખતો નથી. બાહ્ય પદાર્થો, સગાં અને વૈભવ સાંભરે છે, તેના સોમા ભાગ જેટલી પણ, આત્માની સ્મૃતિ થતી નથી. તેની ભવાંતરમાં શી ગતિ થશે, તેની ચિંતા હજી જીવને જાગી જ નથી. એક મહાપુરુષે કહ્યું છે કે આ મનુષ્યદેહ સળેલા સાંઠા જેવો છે. તેને ચૂસવાથી રસ કે સ્વાદ નથી મળવાનાં; પણ તેમાં જે ગાંઠો છે, તે જો વાવે તો સારી શેરડી થાય અને જો ચૂસવાના મોહમાં, તે સાંઠા ફાડીને ફેંકી દે તો બીજ પણ બગડે અને મોં પણ બગડે; તેમ આ કળિકાળનાં અલ્પ આયુષ્ય અને અલ્પ સાધનોથી, સુખ કરતાં જીવ દુઃખ વધારે ભોગવે છે. તે ભોગોની ઇચ્છા તજી, સત્પુરુષને શરણે, ધર્મ બને તેટલો આરાધવા પુરુષાર્થ કરે તો જીવ મોક્ષના બીજરૂપ સમ્યક્ત્વની સામગ્રી પામી, આ ભવને સફળ કરે, એવો લહાવ આ ભવમાં લઇ શકાય તેમ છે. માટે જેમ બને તેમ, ધર્મભાવના વિશેષ જાગ્રત રાખી, સત્સંગ સમાગમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯, આંક ૪૫)
નિગોદમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરી, કોઇ સત્પુરુષની નિષ્કારણ કરુણાના યોગે, જીવ આ મનુષ્યભવ સુધી આવી પહોંચ્યો છે; તો જેના યોગે આટલી ઊંચી સ્થિતિ પામ્યો છે, તેના આધારે હવે આત્મદશા પ્રગટાવવા અંતરમાં દાઝ રાખી, પુરુષાર્થ આદરે તો જરૂર આ ભવમાં અપૂર્વ દશા પામી શકે એમ છેજી. આવો યોગ, ફરી-ફરી પામવો દુર્લભ છે એમ વિચારી, ક્ષણવાર પણ સત્પુરુષને કે તેના સાધનને ન વીસરાય, તેમ પ્રવર્તવું ઘટે છેજી.
ધન, ધંધા કે સગાંવહાલાં કરતાં, આ મનુષ્યભવરૂપી પૂંજી બહુ-બહુ કીમતી છે; તે પ્રમાદ લૂંટી રહ્યો છે તેનું ભાન નથી; તેથી જીવને હજી પ્રમાદમાં જ રતિ, મીઠાશ વર્તે છે. હવેથી પ્રમાદ ઓછો કરવો છે એવો, જરૂર, આ જીવે નિશ્ચય કરવા યોગ્ય છે.
પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે ‘‘ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને (મોક્ષ) માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિતિ કરાવે છે, એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન (ઓછો પ્રમાદ થવાનો લક્ષ, માર્ગનો વિચાર અને માર્ગમાં સ્થિતિ) ત્યાં વિયોગે પણ કોઇ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.'’ (૪૨૩)