________________
૪૬૯
ઉતાવળા થવા યોગ્ય નથી. હજી તમારી ઊગતી જુવાની છે, એટલે મનુષ્યભવની કેટલી કિંમત છે, તેની તમને ઝાઝી ખબર નથી. એક-એક પળ રત્નચિંતામણિ કરતાં અધિક કિંમતી છે, તેને માત્ર વિષયભોગ કે ધન અર્થે ગાળી નાખવા યોગ્ય નથી. શા માટે આપણે આ ભવમાં આવ્યા છીએ અને શું કરીએ છીએ ? તેનો વિચાર કરવાનું કોઇ ભાગ્યશાળીને સૂઝે છે; નહીં તો શરીરની જ કાળજી અને પંચાતમાં, ઘણા જીવોના આખાં જીવન વ્યતીત થઇ જાય છે અને અચાનક મરણ આવીને ઊભું રહે ત્યારે ગભરાઇ જાય છે.
કોઇ પણ કામ કરતાં પ્રથમ, આત્મહિત કેટલું સધાય તેમ છે, તે પણ વિચાર કર્તવ્ય છે; પછી પૈસો, આબરૂ વગેરે. (બો-૩, પૃ.૩૭૦, આંક ૩૭૪)
D‘‘એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે.’' (મોક્ષમાળા પાઠ-૫૦) ‘જ્ઞાનીકી ગતિ જ્ઞાની હિ જાને.’ આપણને ચેતાવ્યા છે. પ્રમાદમાં પડયા છીએ, તે શત્રુના પંજામાં ફસાયા છીએ. અનંત ભવ પ્રમાદમાં ગયા અને તે ક્ષણે-ક્ષણે જીવને લૂંટી રહ્યો છે. ‘આત્મઘાતી મહાપાપી.’
‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમણે કાં અહો રાચી રહો ?'' મનુષ્યભવની દરેક ક્ષણ, અંશે મનુષ્યભવ છે અને આમ જીવ ભવ હારી જાય છે. અનંત ભવથી જે ન થયું, તે એક પળમાં થઇ શકે એમ છે અને મનુષ્યભવને સફળ કરે તેમ છે. ‘‘પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસ.'' સમ્યક્દર્શન થાય, કેવળજ્ઞાન થાય, મોક્ષ થાય તેવી પળો સમયે-સમયે જીવ ખોઇ રહ્યો છે. તેના જેવો ઉડાઉ - ભવ હારી બેસનાર બીજો કોણ જડશે ? જે પળે કુગુરુને સદ્ગુરુ માન્યા, તે પળ આખો ભવ લૂંટી લે કે નહીં ? એક પળ પણ સત્સાધન કેમ ચૂકવું ? (બો-૩, પૃ.૧૭૧, આંક ૧૭૬)
D ‘મનુષ્યભવની દરેક ક્ષણ અંશે મનુષ્યભવ છે.' તેનો ભાવાર્થ સરળ છે. જેમ રૂપિયામાં જેટલા પૈસા (૬૪) છે, તે અંશે રૂપિયારૂપ છે. બધા પૈસા (૬૪) મળી એક રૂપિયો થાય છે. ૩૨ પૈસા ગુમાવો તો રૂપિયાના બત્રીસ અંશ ગુમાવ્યા. જે વડે રૂપિયો થાત, તે ગુમાવ્યો એમ હિસાબી રીતે બેસે છે.
આમ જે જીવનની ક્ષણોનો હિસાબ રાખતો નથી, તે અંતે પસ્તાય છે અને ફરી આવો અમૂલ્ય ભવ પામવા યોગ્ય સામગ્રી, ઘણા કાળ સુધી પામી શકતો નથી.
કોઇ અપેક્ષાએ, કરવા માંડયું તે કર્યું, એમ કહેવાય છે. જેમ જમાલીજીનો સિદ્ધાંત ખંડવા, શ્રાવકે સતીની સાડીમાં અગ્નિ મૂક્યો અને છેડો બળ્યો કે કહ્યું કે મારી સાડી બળી ગઇ; તેમ જેણે જીવનનો નાશ થાય કે બરબાદ થઇ જાય, તેમ એક પળ પ્રમાદમાં ગાળી તેને, તેણે જીવન ગુમાવ્યું એમ કહી શકાય, તે પણ વિચારશોજી. (બો-૩, પૃ.૧૭૫, આંક ૧૭૯)
મહપુણ્યના યોગે મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. તેની સાથે ઉત્તમ કુળ, વિશુદ્ધમતિ, સત્સંગનો યોગ, નીરોગી કાયા એ બધી સામગ્રી દુર્લભ મળી છે. તે વડે કરીને આ સંસારસાગર તરવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
જેમ ઉત્તમ હિમાલય જેવા પર્વતમાંથી બરફ ઓગળવાથી, પાણીનું પૂર પવિત્ર ગંગા નદીમાં આવે છે, તેનો ઉપયોગ કોઇ-કોઇ સ્થળે સ્નાન, પાન આદિમાં કોઇ કરે છે; કોઇ ખેતરોમાં પાણી જોઇતું ઉલેચી લઇ પાક પકવે છે; કોઇ તેના વેગથી સંચા ચલાવે છે – એમ જેટલો ઉપયોગ તેનો કરી લે, તેટલું એ