________________
૪૫૩
અત્યારે જે સંયોગોમાં મુકાયા છો તેને અનુકૂળ, અવકાશનો સદુપયોગ કરી લેવાનો છે. સત્સંગનો યોગ મળે તેટલો સત્સંગનો લાભ લેવો, સશ્રુતની મદદ મળે તેટલી મદદ લઇ લેવી અને પોતાનાથી થાય તેટલું મનન-નિદિધ્યાસન કરી, ઉપશમભાવની (વીતરાગભાવની) સેવના કરી લેવી. ન બને તેની ભાવના રાખવી પણ જેટલું બની શકે તેટલું, ટૂંકા આયુષ્યમાં કરી લેવું. આવો યોગ ફરી-ફરી પ્રાપ્ત થવો દુર્લભ છે, તેથી સમયમાત્રનો પણ પ્રમાદ નહીં કરતાં, સ્વચ્છંદ ટાળી અપ્રમત્તદશાએ પહોંચવું છે, એ લક્ષ સદા ઉપયોગમાં રહે તેમ વર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૨૭, આંક ૮૮૬)
વખત નકામો ન જાય અને સંસારના વિકલ્પોથી આત્મા ગ્લેશિત ન બને, તેવી કાળજી નિરંતર રાખવા યોગ્ય છેજી.
પરમકૃપાળુદેવનાં વચનો જેના ઘરમાં છે, તે મહાભાગ્યશાળી ગણાય. તેવાં અમૃતતુલ્ય વચનો તજીને, જે કષાય અને અજ્ઞાનીજીવોના સમાગમને રૂડો માને, તે કેવો મૂર્ખ ગણાય ?
‘‘અવસર પામી આળસ ક૨શે, તે મૂરખમાં પહેલોજી;
ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન માંડે ઘેલોજી.''
એમ યશોવિજયજીએ કહ્યું છે; તેવી મૂર્ખતાવાળા આપણે ન બનીએ એટલો લક્ષ રાખી, પરમકૃપાળુદેવનાં વચનો વાંચવામાં, ગોખવામાં, વિચારવામાં, તેમાં તન્મય થવામાં જેટલો વખત જશે, તેટલું આયુષ્ય લેખાનું છેજી. બાકીનો કાળ તો ધમણની પેઠે શ્વાસોશ્વાસ લેવામાં અને મૂકવામાં જાય છે. નિત્યનિયમના અર્થની ચોપડી છપાઇ છે, તે કાળજી રાખીને બધા અર્થ વાંચી હૃદયમાં ઊંડા ઉતારી, છાપી લેવા યોગ્ય છેજી. ‘આત્મસિદ્ધિ-વિવેચન’ વાંચતા હશોજી. (બો-૩, પૃ.૪૯૮, આંક ૫૩૫)
I ૫.પૂ. પ્રભુશ્રીજીના યોગે ગયેલા કાળની સ્મૃતિ કરી, તે વખતના વીર્યને ફરી પ્રગટાવી, એકાંત આત્મહિતમાં જ બચતો વખત ગાળવો છે, એટલો હાલ નિશ્ચય થાય અને તે પ્રમાણે છ માસ પણ સતત વર્તાય તો તેવા અભ્યાસની મધુરતા આપોઆપ આગળ વધારશેજી.
જે કંઇ ધર્મધ્યાનમાં કાળ જાય તેમાં બાહ્ય ગણતરી કરતાં સુવિચારણા પ્રગટે, કષાયની મંદતા વધે અને નિર્મળ વિચારધારાની ભાવના વિકાસ પામે, એ લક્ષ રાખવા ભલામણ છેજી. થોડું પણ આત્મસ્પર્શી સાધન વિશેષ લાભદાયક છે. (બો-૩, પૃ.૫૬૯, આંક ૬૪૦)
— વેપારધંધા માટે ખોટી થવું પડે તે જુદી વાત, પણ નકામો વખત ઘણો વહી જાય છે, તેનો હિસાબ અનાદિના અધ્યાસને લઇને રહેતો નથી અને કોઇને રાજી કરવામાં કે કોઇથી નજીવી બાબતોમાં રાજી થઇ, જીવ સંસા૨પ્રવાહમાં તણાતો જાય છે. ત્યાંથી અટકી, પૈસે-પૈસાનો હિસાબ રાખીએ, તેમ પળે-પળ અને કલાકે-કલાકનો હિસાબ રાખવો ઘટે છે; પણ તેથી કરીને ખેદ કરવો ઘટતો નથી કે મારાથી કંઇ થતું નથી, હું કુટુંબથી દૂર છું, એકલો છું, સારી સોબત નથી, મારાથી શું થાય ? મારે બહુ કામ છે, એમ વિચારી પુરુષાર્થ મંદ ક૨વો ઘટતો નથી, તેમ ખેદ કે શોક પણ ક૨વો ઘટતો નથી.
એમ વિચારવું ઘટે છે કે પૂર્વે બાંધેલું પ્રારબ્ધ, મને આ સ્થળે લાવ્યું છે, અને આ લોક, આ ગામ, આ ઝાડ, આ ખોરાક અને આ પાણીનું પ્રારબ્ધ હશે તો તે આવી મળ્યું છે; તેમાં મારું ધાર્યું શું થાય છે ? કર્મ આધીન સર્વ જગત છે. જે પ્રાણીને કર્મે શિંગડાં આપ્યાં, તેમને શિંગડાંનો ભાર માથે લઇને ફરવું