________________
૪૪૮
ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઇ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)’’ (૪૯૧)
ઉપર લખેલાં અવતરણ વારંવાર વાંચી, મુખપાઠ કરવા યોગ્ય છે. આપણે કેટલું તેમાંથી કરી શકીએ તેમ છે તે વિચારી, બને તેટલો તે દિશામાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨)
D પત્રાંક ૬૦૯, જેમાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં તેર વાક્યો છે; તે વારંવાર વિચારી, બન્ને તો મુખપાઠ કરવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૬૨૨, આંક ૭૨૩)
D‘‘દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઇ પણ સફળપણું થયું નહીં. (૬૯૨) એ પત્ર વારંવાર વાંચવા-વિચારવા તથા મુખપાઠ કરી, રોજ મનનપૂર્વક લક્ષમાં લેવા વિનંતી છેજી.
""
એક મુમુક્ષુને પ્લેગની ગાંઠ નીકળી હતી. તેની ઉંમર નાની હતી. તેને સ્ત્રી અને બાળકો હતાં, તેમાં તેની વૃત્તિ મોહને લઇને બંધાયેલી; તે જોઇને તેમના સગા, એક મુખ્ય મુમુક્ષુ, પૂ. શ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવને તેના સમાધિમરણ અર્થે આ વિઘ્ન દૂર કરવા અને આખર સુધી સદ્ભાવ તથા શરણ ટકી રહેવા, યોગ્ય બોધની, માગણીપૂર્વક વિનંતી કરી હતી. તેના ઉત્તરમાં એ પત્ર પરમકૃપાળુદેવની પરમકૃપારૂપ છે; તે સર્વ જીવને સમાધિમરણની તૈયારી કરવા પ્રેરે તેવો અને મરણ સુધી સત્પુરુષનો આશ્રય ટકાવી રાખવાનું બળ પ્રેરે તેવો છેજી. (બો-૩, પૃ.૫૬૦, આંક ૬૨૫) પરમકૃપાળુદેવનો આધાર આ ભવમાં મળ્યો છે, તે જીવનું મહદ્ ભાગ્ય છે.
પત્રાંક ૬૯૨ મુખપાઠ થાય તો કર્તવ્ય છે, નહીં તો વારંવાર વાંચવો. પૂ. શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવના ગણધરતુલ્ય હતા; તેમના સાળાને અંત વખતે ઉપયોગી થયેલો, એ પત્ર છે.
સમાધિમરણ અર્થે શું ભાવના કરવી ? સત્પુરુષના આશ્રયનું કેટલું માહાત્મ્ય છે ? તથા છેવટે મુમુક્ષુઓમાંથી કોઇની હાજરી હોય તો જીવના ભાવ સદ્ગુરુશરણે રહી શકે વગેરે સમજી, તેવી ભાવના કરતા રહેવાથી, તે જ હિત આખરે પણ સમજાય અને યથાશક્તિ તે પ્રમાણે વર્તાય. (બો-૩, પૃ.૫૯૧, આંક ૬૭૦)
ભરૂચના અનુપચંદજીને પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઇક પરિચય થયેલો. તેથી તેમણે પરમકૃપાળુદેવને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦૨, તેમ જ પત્રાંક ૭૦૬, એ બંને પત્રો વારંવાર વાંચી, બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી; અને મુખપાઠ થયે, રોજ નિત્યનિયમમાં ઉમેરી લેવા યોગ્ય છે; એટલે રોજ સ્વાધ્યાય થશે તો જરૂર જીવને જાગૃતિનું કારણ ચાલુ રહેશેજી. બીજા ભાઇઓને પણ ભાવ રહે તો મુખપાઠ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૭૨, આંક ૬૪૩)