________________
આજે મારે ઉપવાસ કરવો છે, તો શું કરવા માટે કરવાનો છે ? તે સમજીને કરવો. ઉપવાસને દિવસે વધારે વાંચન, વિચાર, ધર્મધ્યાન કરવું. સંયમને માટે ઉપવાસ કરવાનો છે. ક્રોધ, માન, માયા, લોભ અને પાંચ ઇન્દ્રિયના વિષય વશ કરે તો ઉપવાસ થાય, નહીં તો લાંઘણ છે. ન ખાય એટલે ઉપવાસ ન થાય. ઉપવાસ એટલે તો આત્માની પાસે વસવું. તિથિને માટે ઉપવાસ નથી કરવો. આત્માને માટે કરવો છે.
ઉપવાસ ન થતો હોય તો બીજું તપ કરવું. સ્વાધ્યાય એ તપ છે. પ્રાયશ્રિત એ પણ તપ છે. મહાપુરુષોના વિનય કરીએ તોય તપ છે. વૈયાવૃત્ય કરીએ, ધ્યાન કરીએ, કાઉસગ્ન કરીએ તો તપ થાય. એ બધાં તપ છે. (બો-૧, પૃ.૨૯૩, આંક ૪૩). ઉપવાસ આદિ કષાયનો જય કરવા માટે છે. ઉપવાસ કરીને કષાય કરે, એમ નથી કરવાનું. જે કંઈ કરવું તેનો ઉપયોગ રાખવો કે તે શા અર્થે છે ? ઉપયોગ ત્યાં ધર્મ છે. શરીર તો ઘણા સૂકવે, પણ કપાય
સૂકવે તે ખરું તપ છે. (બો-૧, પૃ.૧૦૮) | પૂ. ..એ ઉપવાસ, સાથે-લગા કર્યા ન હોય તો અઠ્ઠાઈ કરવાનું સાહસ ન કરવું, પણ
એક-બે-ત્રણ એમ સુખે થાય તેટલા ઉપવાસ કરી જોવામાં હરકત નથી. ભજન-ભક્તિ થાય અને ઉપવાસ થાય તો કરવા છે, નહીં તો પારણું કરીને પણ ભક્તિ કરવી. એકાસણાં કરી શકાતાં હોય તો સારું છે. પથારીમાં પડ્યાં-પડ્યાં વખત ગાળવો પડે અને ‘અઠ્ઠાઈ કરી' કહેવડાવવું, એ લૌકિકભાવ છે, તેમાં ધર્મ નથી. પોતાની શક્તિ પ્રમાણે ધર્મ કરવો. સાથે-લગા આઠ દિવસનાં પચખાણ ન લઈ લેવા, પણ એક-એક દિવસનું પચખાણ લઈ, સુખ-સુખે થાય તેટલા ઉપવાસ કરવા અને ભક્તિમાં આખો દિવસ ગળાય તેમ કરવું. કંઈક ગોખવું, વાંચવું, વિચારવું, સાંભળવું પણ પ્રમાદમાં વખત ન ગાળવો. મનુષ્યભવ દુર્લભ છે, મરણ ક્યારે આવીને ઉપાડી જશે તેનો નિયમ નથી, માટે ધર્મ-આરાધનામાં પ્રમાદ ન કરવો. માત્ર ભૂખ્યા રહેવું તે જ તપ નથી; ઓછું ખાવું, રસ વગરનું ખાવું, દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત લેવું, વિનય-સેવા કરવી, ભણવું, શીખવું, વાંચવું, વિચારવું, કાઉસગ્ગ કરવો વગેરે તપના પ્રકાર છે. જે બને તે કરવું. (બી-૩, પૃ.૭૯૧, આંક ૧૦૧૦) પૂ. .... એ કારતક સુદ એકમના દિવસથી કંદમૂળનો ત્યાગ, પોતાને ઠીક લાગવાથી કર્યો છે તે ઠીક કર્યું છે; પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ લઈ જઈ, તેમને કેવા પ્રકારના કંદમૂળનો એટલે અમુક જ કંદમૂળ કે છૂટ રાખીને ત્યાગ કરવો છે તથા કેટલી મુદતનો ત્યાગ કરવો છે તથા દવા વગેરે માટે તેમાંની કોઈ ચીજ, આદુ વગેરે વાપરવા માંદગીમાં છૂટ રાખવી છે કે નહીં તેનો નિર્ણય પૂછી, તેમની જેવી ભાવના હોય તે પ્રમાણે, પરમકૃપાળુદેવની સાક્ષીએ તે ધારે તેટલી મુદતનો ત્યાગ સ્વીકારવા જણાવશો, એમ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી ભાવવ્રત લે, તે યોગ્ય છેજી. બીજું, તેમને ઉપવાસ કરવા ભાવના છે, તો જણાવશો કે તમે દૂધ પીને ઉપવાસ કરવા ધારો છો તે ઉપવાસ નથી; પણ એક વખત ગમે તે ખાઈને ચલાવવું હોય તો તે એકાસણું કહેવાય છે. તે બને તો કરશો, નહીં તો બે વખત આહાર લેવાનો નિયમ લેવો હોય તો પણ લેવાય. બેથી વધારે વખત ખાનાર સંયમ-નિયમરહિત ગણાય છે.