________________
૪૦૪) પાર્શ્વનાથ ભગવાને સાપને બચાવ્યો હતો. “એના કર્મ પ્રમાણે થશે.' એમ કર્યું નહોતું. કર્મનો હિસાબ મોટો છે. સારા ભાવ થાય તો સારું ફળ મળે, પાપભાવ કરે તો ખોટું ફળ મળે.
(બો-૧, પૃ.૧૬૩, આંક ૩૩) યત્ના | મોક્ષમાળામાં ૨૭મા પાઠમાં યત્ના વિષે વિસ્તારપૂર્વક જણાવેલું છે. ટૂંકમાં, ધર્મ અને વ્યવહારની ક્રિયાઓ કરતાં પાપ ન થાય, તેવી કાળજી રાખીને પ્રવર્તવું, તે યત્ના કહેવાય છે. (૧) ચાલતાં જોઈને પગ મૂકવો, જરૂર વિના નકામું ફરફર ન કરવું. જીવોની હિંસા ન થાય, એવી
ભગવાનની આજ્ઞા છે, તે પ્રમાણે લક્ષ રાખી ચાલવું, તે ઇર્યાસમિતિ કહેવાય છે. (૨) તે જ પ્રકારે ભગવાને કહ્યું છે તે લક્ષ રાખી, પાપકારી વચનો ન બોલાય તેમ વર્તવું, તે
ભાષાસમિતિ છે. (૩) ભોજનમાં પણ પાપ-પ્રવૃત્તિ ટાળી, ભગવાનની આજ્ઞામાં પ્રવર્તવું, તેને એષણાસમિતિ કહે છે. (૪) વસ્તુ લેતાં-મૂકતાં પણ આજ્ઞા પ્રમાણે વર્તવું, તેને આદાનનિક્ષેપસમિતિ કહે છે. (૫) મળમૂત્રનો ત્યાગ કરતાં પણ જીવહિંસા ન થાય, તેવો લક્ષ રાખવા ભગવાને જણાવ્યું છે, તેમ
પ્રવર્તવું તે પારિઠાવણિયાસમિતિ (પ્રતિષ્ઠાપના) કહેવાય છે. એ પાંચ પ્રકારની પ્રવૃત્તિમાં, બધાં કામ, લગભગ આવી જાય છે. એ બધી ક્રિયા કરતાં જીવહિંસા ન થાય, તેવો ઉપદેશ ભગવાને આપેલો છે, તે લક્ષમાં રાખીને વર્તવું, તેને યત્ના કહે છે. દૃષ્ટાંત તરીકે ચૂલામાં લાકડાં મૂકતાં પહેલાં, ખંખરીને મૂકીએ તો કીડી, ઉધઇ આદિ જીવો બળી ન જાય; પાણી ગાળવાનું કપડું, કાણું કે બહુ પહોળા છિદ્રોવાળું ન હોય તો તેની પાર થઈને પોરા વગેરે માટલામાં ન જાય; એકવડું ગરણું હોય, તેને બદલે મોટું રાખ્યું હોય તો બેવડું કરી ગાળવાથી, પાણીની શુદ્ધિ રહે અને જંતુઓ પાર ન જાય; તેથી વાળા વગેરે રોગો પણ ન થાય અને જીવહિંસાનું પાપ ન લાગે. અનાજમાં રહેલા સૂક્ષ્મ જીવજંતુઓની અપૂર્ણ તપાસ, એઠા વાસણ રાત્રે રહેવા દીધાં હોય, ઓરડા વગેરે સ્વચ્છ ન રાખ્યા હોય, આંગણામાં પાણી ઢોળવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, ઇત્યાદિ ક્રિયાઓ અયત્નાથી થાય છે; અને કાળજી રાખી હોય તો સ્વચ્છતા, આરોગ્યતા આદિ સુંદર ફળ પ્રાપ્ત થાય અને ધર્મનું આરાધન પણ થાય. (બો-૩, પૃ.૬૪૮, આંક ૭૬૭) D આપે સ્વચ્છતા માટે ફિનાઇલ વાપરવા વિષે પ્રશ્ન કર્યો છે; તે વિષે એટલું જ જણાવવું પૂરતું છે કે
આપણે આપણા દેહની જ્યાં સુધી કાળજી રાખીએ છીએ, ત્યાં સુધી બીજાના દેહ પ્રત્યે બેદરકાર રહેવું ઘટતું નથી; એટલે બનતી કાળજી રાખીને કપડાં, ખાટલા કે ઓરડીની દરરોજ સંભાળ રાખી માંકડ, ચાંચડ પકડાય તેટલા પકડી, નાખી દેવા અને સ્વચ્છ જગા કરીને, ફરી ઉત્પન્ન ન થાય, તે માટે ફિનાઇલ છાંટો અને સ્વચ્છતા સાચવો તો યત્નાપૂર્વક ક્રિયા કરી કહેવાય; પણ નજરે માંકડ, ચાંચડ દેખી, તેનો નાશ કરવા, તેના ઉપર દવા છાંટવી એ તો અઘટિત લાગે છે. દયા અને સહનશીલતા, ખમી ખૂંદવું એ ગુણો આત્માર્થીને બહુ જરૂરના છે, મોક્ષમાર્ગમાં મદદ કરે છે. માટે જેટલો તેનો વિશેષ અભ્યાસ થાય, તેટલું હિત થશે. (બો-૩, પૃ.૯૧, આંક ૮૨)