________________
(૩૪૪)
સંસારરૂપ બજારમાં લાંબી ભવરૂપ (જિદગીરૂપ) દુકાનોની હારો છે. તે જિંદગીરૂપ દુકાનોમાં સુખદુઃખરૂપ માલ ભરપૂર ભરેલો છે. તેની લેવડદેવડમાં સર્વ મશગૂલ છે. પુણ્યપાપરૂપ મૂલ્ય (price) આપીને યોગ્ય વસ્તુઓ ખરીદી શકાય છે. મહામોહ નામનો ત્યાં રખવાળ (સરસૂબો) છે. કામ, ક્રોધ વગેરે તેના હાથ નીચેના અમલદારો છે. ત્યાં કર્મ નામના લેણદારો જીવરૂપ દેવાદારોને કેદખાનામાં નખાવે છે. કષાય નામનાં તોફાની છોકરાં બજારમાં બૂમો પાડી રહ્યાં છે. એ બજારમાં રહેલા સર્વે લોકો અંદરખાનેથી બહુ દુઃખી, વિચાર કરતાં, જણાતા હતા. તે વખતે મારા ગુરુએ મારા ઉપર કૃપા કરીને, જ્ઞાનરૂપ અંજન (આંજણ) મારી આંખોમાં આંજ્યું; તેથી મારી દ્રષ્ટિ નિર્મળ થઇ, દૂર સુધી દેખાવા લાગ્યું. દુકાનો પૂરી થાય ત્યાં, એક શિવાલય-મોક્ષધામ મારા જોવામાં આવ્યું. ત્યાં મુક્ત નામના અનંત પુરુષો મારા જોવામાં આવ્યા. તેઓ નિરંતર આનંદથી સુંદર અને કોઈ પ્રકારની પીડા વિનાના મારી બુદ્ધિવાળી નજરે જણાયા. હું પણ પેલી દુકાનોમાં વેપાર કરતો હોઉં એમ મને જણાયું; પણ પેલા શિવાલયને જોયા પછી, મને તે ધામ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છાવાળો વૈરાગ્ય થઈ આવ્યો. પછી મારા ગુરુરાજને મેં કહ્યું કે, “હે નાથ ! આપણે આ બજાર છોડીને ચાલો પેલા શિવાલયમાં રહેવા જઈએ; કારણ કે આ અત્યંત આકરા બજારમાં મને તો એક ક્ષણવાર પણ શાંતિ વળતી નથી. મારી તો આપ સાહેબની સાથે પેલા ધામમાં જવાની ઇચ્છા રોકી શકાતી નથી.” મારી આવી ઇચ્છા સાંભળી (જાણી) ગુરુરાજે કહ્યું, ‘ત્યાં જવાની ઇચ્છા હોય તો મારા જેવા થવું ઘટે છે.' જવાબમાં મેં કહ્યું, મહારાજ, એમ હોય તો જલદી દીક્ષા આપી તેવો બનાવો.' તે સાંભળીને કૃપા કરી, તે કરુણાસિંધુ કૃપાળુદેવે મને આ પરમાત્માના મતની દીક્ષા આપી અને તે ધામ પ્રાપ્ત કરવાના કારણોરૂપ કર્તવ્યો મને બરાબર સમજાવ્યા. મારા ગુરુરાજે મને તે વખતે કહ્યું કે, “ભાઈ, તારી મિલકતમાં તારે રહેવાને એક સારો ઓરડો(શરીર) છે, તેનું નામ કાયા છે; અને તેમાં પંચાલ (પાંચ ઇન્દ્રિયો) નામના ગોખ છે; એ ઓરડાના ગોખને ક્ષયોપશમ (આત્મશક્તિનો ઉઘાડ) નામની બારી છે, તેની સામે કાર્મણ (કર્મનો સમૂહ) શરીરનો ચોક છે. એ ચોકમાં ચિત્ત નામનું અતિ ચપળ વાંદરાનું બચ્યું છે. તારે આ વાંદરાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરવું. એ બરાબર જાળવવા યોગ્ય છે અને તેનું સારી રીતે જતન કરવાની જરૂર છે. ઘરના ઓરડામાં (મધ્ય ભાગ ચોકમાં) તે બચ્ચે રહે છે; ત્યાં કષાય નામના ઉંદરો એને પજવે છે, નોકષાય (હાસ્ય, ભય, શોક, વિકારો) નામના વીંછી તેને ડંખે છે અને ઉન્મત્ત બનાવી દે છે, મહામોહ નામનો રાની બિલાડો તેને વલૂરી નાખે છે, પરિષહ-ઉપસર્ગ (વિનો) નામના ડાંસ તેને કરડે છે, દુષ્ટ ભાવના અને વિકલ્પરૂપ માંકડ તેનું લોહી ચૂસે છે, ખોટી ચિંતારૂપ ગરોળીઓ તેને ત્રાસ આપે છે, પ્રમાદ નામના કાંચીડા તેનો તિરસ્કાર કરી માથું ડોલાવે છે, અવિરતિરૂપ (વ્રત વગરનું જીવન) જુઓ આખા શરીરે તેને ફોલી ખાય છે, મિથ્યાદર્શન નામનું અંધારું તેને અંધ બનાવે છે. આવી રીતે તે વાંદરાનું બચ્ચું હેરાન-હેરાન થઇ રહ્યું છે. તેથી તે કંટાળીને રૌદ્રધ્યાન (પાપ કરીને આનંદ માનવારૂપ ટેવ) નામના ખેરના અંગારાથી ભરેલ કુંડમાં કૂદી પડે છે. કોઈ વાર પાસેની ભયંકર આર્તધ્યાન (હું દુઃખી છું, હું દુઃખી છું એ ભાવ) નામની ઊંડી ગુફામાં પેસે છે. આમ બિચારા દુ:ખી વાનરના બચ્ચાને બહુ સંભાળ રાખી સાવચેતીથી, એ બળતા કુંડમાં કે ઊંડી ગુફામાં જતું બચાવી લેવું.'