________________
૩૨૬
જીવને જ્ઞાનાવરણીય ક્ષયોપશમ આંજી નાખે છે એટલે નવપૂર્વ અને ચૌદપૂર્વનો વિસ્તાર વાંચી અધધધ થઇ જાય છે; પણ દર્શનમોહનું કામ વિષ સમાન છે. દસ-પંદર મણ દૂધ કોઇ વાસણમાં હોય પણ તેમાં નવટાંક સોમલ નાખે તો કોઇ કામનું તે દૂધ રહે નહીં; તેમ ચૌદપૂર્વનું જ્ઞાન અને અગિયારમા ગુણસ્થાનક સુધીનું ચારિત્ર, તે માત્ર સૃષ્ટિ ફરતાં, લોભ એટલે પુદ્ગલનું માહાત્મ્ય લાગતાં, જેને આધારે તે દશા થઇ હતી, તે દોર હાથથી છૂટી જાય છે અને પહેલે ગુણસ્થાનકે આત્મશ્રદ્ધાહીન થઇ, પડે છેજી. (બો-૩, પૃ.૪૯૭, આંક ૫૩૩)
D જન્મમરણ એ આત્માના મુખ્ય રોગ છે. લોભ પણ રોગ છે. ઉપાય કર્યા વિના લોભ ન જાય; પણ જીવને દર્દ લાગે તો દવા કરે. સંસાર દુઃખરૂપ લાગે તો છોડે. આખો સંસાર લોભને લઇને છે. બધાં દુઃખોનું મૂળ કારણ ઇચ્છા છે.
જીવ વિચારે તો ખબર પડે કે મને ક્યાં-ક્યાં લોભ થાય છે ? દર્દ સમજે તો કાઢવાનો પુરુષાર્થ કરે, લોભ જાય તો નવરો થાય અને સદ્વિચાર આવે.
સમ્યક્ત્વ ન થવા દે, એવો લોભ છે; આત્મા ભણી ન વળવા દે, એવો છે. લોભ ઓછો કર્યા વિના સમકિત ન થાય. જે જે કરવું છે, તે બધું લોભ છોડવા માટે કરવું છે. આત્મા લોભને કાઢવા પાછળ પડે તો કાઢી શકે. દોષ કાઢવાની વૃત્તિ થઇ તો દોષ કાઢીને જ્ઞાન, દર્શન, મોક્ષ બધું પ્રાપ્ત કરે. (બો-૧, પૃ.૯૨)
U અનંતકાળથી જીવ લોભને લઇને ભવોભવ આથડે છે; આ મનુષ્યભવમાં પણ દેશપરદેશ લોભનો માર્યો આથડે છે, કર્મ બાંધ્યાં કરે છે.
ધન, સ્ત્રી, પુત્ર, દેહ આદિ આત્માને મલિન કરવાનાં કારણો છે. લોભને લઇને તે કારણો બળવાનપણે આત્માને સંસારમાં ઊંડો ઉતારે છે.
જ્ઞાન પરિણમતું નથી, તેનું કારણ વિષય-કષાયો છે અને લોભ તેમાં મુખ્ય છે. કોઇને ધનનો લોભ તો કોઇને કીર્તિનો લોભ, કોઇને સ્વાદનો લોભ તો કોઇને સંગીતનો લોભ, કોઇને ભોગનો લોભ તો કોઇને આબરૂનો લોભ, કોઇને કુટુંબનો લોભ તો કોઇને શાતાનો (સુખનો) લોભ, કોઇને પુણ્યનો લોભ તો કોઇને કુટેવ પોષવાનો લોભ; આમ ઇચ્છા માત્ર લોભના વેશ છે. તે ઓળખી તેથી દૂર રહેવાનું, ભડકતા રહેવાનું, નાસી છૂટવાનું કર્તવ્ય છેજી.
ધર્મ-આરાધનામાં એ બધા પ્રકારના લોભ વિઘ્ન કરે છે; માટે મરણિયા થઇને પણ હવે તો તેની સામે પડવું છે, લોભ આદિ કર્મોની કતલ કરવી છે અને આત્માને સ્વતંત્ર કરવો છે. આત્માના દુઃખનો પાર નથી એમ સમજી, તેની દયા ખાવા તત્પર રહેવું છે. આત્માનો શત્રુ થઇને વર્તે છે, તેને બદલે તેને મુક્ત કરવા કમર કસી પુરુષાર્થ કરવો છે. આવો દૃઢ નિશ્ચય કરી, તે પ્રમાણે પ્રવર્તે તો જરૂર પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર, જીવ બને એમ છેજી. (બો-૩, પૃ.૭૯૬, આંક ૧૦૨૪)
જ્ઞાનીપુરુષનાં વચનોનું પરિણમન આ જીવને જો ન થતું હોય તો તેનું ખાસ કરીને એક કારણ છે અને તે એ કે ‘લોભ.’ જો જીવને એમ હ્દયમાં બેસી જાય કે મારે હવે લોભ નથી કરવો અને આત્મકલ્યાણ કરવું છે, તો તેને ઘણા વિકલ્પો ઓછા થઇ જાય છે અને જ્ઞાનીપુરુષનાં વચનો અંત૨પરિણામી થાય છે. આ વાત ઉપર જીવનો લક્ષ થવો જોઇએ. (બો-૧, પૃ.૨૦)