________________
૨૯૫
છે; તેવી જ રીતે આંખની રચના તે દ્રવ્યઆંખ છે અને જોવાનો ઉપયોગ તે ભાવઆંખ છે. એમ પાંચે ઇન્દ્રિયનું જાણવું. પોતાનું શું છે ? અને પારકું કેટલું છે ? તેનો વિવેક નથી; તેનું નામ મિથ્યાત્વ છે.
રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એ પુદ્ગલના ગુણપર્યાય છે, જાણવું એ આત્માનો ગુણ છે; તેનો ભેદ નથી રહેતો; એ મિથ્યાત્વ છે.
જે જે કુળમાં ઊપજ્યો, ત્યાં ત્યાં ‘હું’ માને છે. શરીરના ઉત્પત્તિ-નાશને પોતાના જન્મમરણ માને છે. આત્મા શાશ્વત છે, તે મનાતું નથી.
પર્યાયબુદ્ધિથી મનુષ્ય, હાથી, પશુ એમ પોતાને માને છે; અંદર આત્મા છે, તેનું ધ્યાન નથી. ઉપરથી શરીરને જોઇને માતા, પિતા, સ્ત્રી આદિ માને છે. શરીરને આધારે બધો સંસાર છે. આત્મા જે મુખ્ય વસ્તુ છે, તેનું ભાન નથી.
‘હું જાણું છું.’ તેમાં પણ શરીર જે દેખાય છે, તેને ‘હું'પણે માને છે. નથી દેખાતો એવો જે અરૂપી આત્મા છે, તેનું સ્વરૂપ ભાસતું નથી. આત્માની જગ્યા શરીરે લીધી છે, તેથી હું શરીર છું, એમ થઇ ગયું છે. મનુષ્યપર્યાય તે જ હું, એમ થઇ ગયું છે. આત્માને અને દેહને એકક્ષેત્રાવગાહી સંબંધ છે. બેય પદાર્થ જુદાં છે અને જુદાં-જુદાં કામ કરે છે, છતાં જીવ પોતાને ભૂલી જાય છે. આત્મા તો જાણનારો જુદો છે. છતાં મિથ્યાત્વને આડે વિચાર જ નથી આવતો, વૃત્તિ આત્મામાં જતી નથી. મિથ્યાત્વ મંદ થાય અને સત્સંગ થાય, ત્યારે મારું શું તે જણાય.
મિથ્યાદર્શન અવળી સમજણ છે. જે પદાર્થ પ્રત્યક્ષ જુદા દેખાય છે, સ્ત્રી-પુત્ર-કાકા વગેરે, તેને પોતાના માને છે. શરીર નાશ પામવાનું છે, છતાં સદા રહેવાનું હોય એમ માને છે. બીજાને મરતા જુએ છે છતાં મારું શરીર અનિત્ય છે, એમ સમજાતું નથી. કર્મ બંધાય એવા કારણોમાં રાગ થતો હોય તો તેને સુખનાં કારણ માને છે. પૈસા કમાવા જાય ત્યાં શરીરને દુઃખ થાય, પરિશ્રમ પડે તોય તેને સુખ માને છે. જીવ–અજીવ ભિન્ન ન ભાસે, તે અયથાર્થ જ્ઞાન છે અને તેવી શ્રદ્ધા, તે અયથાર્થ દર્શન છે.
ક્રોધ કરવાનો મારો સ્વભાવ પડી ગયો છે, એમ માને છે. કર્મને લઇને ભાવ થાય, તે પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે. જ્ઞાન-દર્શન એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવને સ્વભાવ અને વિભાવને વિભાવ માનતો નથી. મિથ્યાદર્શન બધે નડે છે.
પોતાને ક્રોધ થતો હોય, તેથી પોતાને દુઃખી નથી માનતો; પણ એમ માને છે કે એણે મને ગાળો ભાંડી છે, તેથી દુ:ખી છું. આ ભાવ કરું છું, તેનું ફળ શું આવશે ? એ ભાસતું નથી. આથી મને કર્મબંધ થાય છે, એમ સમજાતું નથી. દૃષ્ટિ બાહ્ય છે, તેથી પોતાના ભાવ સુધરે છે કે નહીં, તે જાણતો નથી. બધા દુઃખનું કારણ મિથ્યાત્વ છે. (બો-૧, પૃ.૧૩૯, આંક ૧૪)
દર્શનમોહથી હું દેહ છું એમ માને છે, તેથી આત્માની શ્રદ્ધા ન થાય, દેહની શ્રદ્ધા રહે છે.
સાપનો ભય લાગે છે, પણ મિથ્યાત્વનો ભય લાગતો નથી. સાપ તો એક વાર મરણ કરાવે, પણ મિથ્યાત્વ તો ભવોભવ જન્મમરણ કરાવે છે.
સાચો સંગ હોય તો મિથ્યાદર્શન જાય. ખોટો સંગ હોય તો સાચી વસ્તુ સૂઝે નહીં. મિથ્યાત્વથી અવળું સમજાય છે. આત્માને ભૂલી જાય છે. મોહમાં વખત જાય છે.