________________
૨૮૦
આટલાથી સંતોષ માની લેવા જેવું નથી. સાકરનો સ્વાદ કેવો હોય એમ તમને કોઇ પૂછે તો તેનું વર્ણન, તમે સાકર ચખાડીને આપો, તેના જેવું કદી અન્ય રીતે શબ્દથી થઇ શકે એમ નથી. માટે સર્વ ભાવો અનુભવગમ્ય છે. શબ્દો માત્ર નિશાનીરૂપ છે.
જેમ બીજનો ચંદ્ર આકાશમાં ઊગ્યો હોય, તે કોઇને આંખની ઝાંખપથી ન દેખાતો હોય, તેને આંગળી કરી ચંદ્રની રેખાનું સ્થાન બતાવે, તે દિશામાં જો તેની દૃષ્ટિ જાય અને આંખનું તેજ હોય તો દેખી શકે; તેમ આત્મદશાનાં વર્ણન બધાં દિગ્દર્શનરૂપ છે. પોતાની યોગ્યતા વધે, તે દૃષ્ટિગોચર થવા યોગ્ય છેજી.
દેખાડનારની આંગળીને જોયા કરે તો આકાશમાંનો ચંદ્ર ન દેખાય; પણ જ્યાં નજર પહોંચાડવી જોઇએ ત્યાં પહોંચાડે, આડુંઅવળું જોવાનું બંધ કરે તો સૂક્ષ્મદૃષ્ટિથી બીજનો ચંદ્ર જણાય છે; તેમ સમ્યદૃષ્ટિ થતાં પહેલાં જીવને ઘણી તૈયારી, યોગ્યતાની જરૂર છે. તે માટે ઉપશમ, વૈરાગ્ય, સત્સંગ, સત્પુરુષનાં વચનોની પ્રતીતિ અને તેની આજ્ઞા ઉઠાવવાની પરમ જિજ્ઞાસા કેળવાશે તો ‘‘મુખ આગલ હૈ કહ બાત કહે’’ એમ પરમકૃપાળુદેવે લખ્યું છેજી. (બો-૩, પૃ.૧૪૫, આંક ૧૪૪)
ઘણી વાર પ.પૂ. પ્રભુશ્રીજી સભામાં પ્રશ્ન પૂછતા : ‘‘સમકિતી જીવ શું કરે ?'' બધાને પૂછી પછી ઉત્તર આપતા કે ‘‘સમકિતી જીવ સવળું કરે છે.'' ગમે તેવા સંજોગોમાં આવી પડે તોપણ, તેને સવળું કરતાં સમકિતીને આવડે છે. તેની પાસે એવી કોઇ રમત છે કે કર્મબંધનાં કારણોમાં પણ તે છૂટે છે; કારણ કે તેની દૃષ્ટિ ફરી છે.
‘‘હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ.’’
સ્ત્રીને જોઇને સંસારી વિષયલંપટી જીવને મોહ થાય, તે ગાઢ કર્મ બાંધે; ત્યાં જ્ઞાનીને તે જોઇને વૈરાગ્ય થાય છે.
શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્તરાજા વિષે કહેવાય છે કે એક વખતે લૂંટમાં ધનમાલ, ઘોડા તથા સ્ત્રીઓ વગેરે જે પકડાયાં હતાં તે કચેરીમાં હાજર કર્યા. એક રૂપવંતી બાઇ પકડાઇ હતી. તેના સામું શિવાજી થોડી વાર જોઇ રહ્યા, પછી બોલ્યા કે મારી મા જીજીબાઇ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામંતો આશ્ચર્ય પામી બોલી ઉઠયા કે અહો ! આપણાં ધન્યભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મોગલ રાજાઓને હાથે આવું સ્ત્રીરત્ન ચઢયું હોત તો તે જનાનામાં મોકલી રાણી બનાવત અને ભોગમાં મગ્ન થાત; પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મોકલાવી, એમ કહેવાય છેજી.
આ દૃષ્ટાંત ઉપરથી સત્પુરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંધન કરાવે તેવાં જગતનાં કારણો તો ચારે બાજુ ઘેરીને રહ્યાં છે; તેમાંથી બચવાનું સાધન એક સત્પુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, વૈરાગ્ય, બોધની સ્મૃતિ આદિ છે. તે સાધનને જીવ જો પ્રમાદને લઇને ન વાપરે તો કર્મબંધ થતાં વાર ન લાગે તેવા સંજોગો, આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે.
પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી બાળકનું દૃષ્ટાંત આપતા કે ભાણામાં ખાવાનું પીરસી બાળકની મા તેને લાકડી બતાવી, પાણી ભરવા જાય ત્યારે કૂતરા ઘરમાં પેસી, તેના ભાણામાંથી ખાઇ જાય અને બાળક રડયા કરે પણ આપેલી લાકડી સંભારે નહીં તો કૂતરા ખસે નહીં, અને જો લાકડી ઉગામે તો ઊભા રહે નહીં.