________________
૧૮
D પરમકૃપાળુદેવે ઘણાં પુસ્તકો લખેલાં. નાની અવસ્થામાં ઘણું લખતા. એમણે લખી-લખીને મૂકેલા કાગળ એમના દેહત્યાગ પછી કોથળામાં ભર્યા હતા, તે ઊધઇ.આવવાથી સડી ગયેલા. એવામાં કોઇ પ્રસંગે શ્રી અંબાલાલભાઇ વવાણિયા ગયા અને તે કોથળો એમણે જોયો. તેમાંથી શોધતાં-શોધતાં એક ‘પુષ્પમાળા’ આખી સાજી મળી આવી; તે લઇ આવ્યા અને છપાવી. મહાભારત, રામાયણના અનુવાદ પરમકૃપાળુદેવે કરેલા અને બીજાં કેટલાંક પુસ્તકો રચેલાં પણ ઊધઇ વગેરેથી નાશ પામ્યાં. (બો-૧, પૃ.૧૫૮)
અનાદિકાળથી જીવ કર્મને લઇને નાચે છે, પણ એ કર્મનો ક્ષય થઇ શકે છે. પરમકૃપાળુદેવ નાના હતા ત્યારે પોતાનો હાથ જોતા. પરમકૃપાળુદેવને સાત સ્ત્રીઓની રેખા હતી; પણ તેમણે નક્કી કર્યું કે એકથી ચલાવીશ. એમ કર્મને માથે મેખ મારનારા એવા પણ હોય છે. જીવ જો બળવાન થાય તો બધું થઇ જાય. જીવને સમજણ હોય તો સહજ છે. ન હોય તો સંસારમાં તણાય. મારે કરવું જ છે એમ વિચારે, તો કર્મેય ફરે અને બીજું બધુંય થાય. (બો-૧, પૃ.૨૨૯, આંક ૧૨૦)
પરમકૃપાળુદેવને બાહ્યત્યાગનો ઉદય ન આવ્યો, પણ અંતરથી ત્યાગી હતા. (બો-૧, પૃ.૩૪૧, આંક ૧૪)
D અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઇ જાય છે, એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છેજી. સમજવા માટે સદ્ગત શેઠ જેસંગભાઇ ઊજમશીભાઇના (અમદાવાદના) જીવનનો પ્રસંગ લખું છું :
પરમકૃપાળુદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયધારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી, તે તેમના તરફ બહુમાન ધરાવતા થયા. તેમના ગચ્છના દિવાળીબાઇ આર્યાને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઇથી આવ્યા છે, તે અમારા મનની વાતો જાણી, કહી દેખાડે છે; પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઇ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષયોપશમ હોય, પણ આખરે તો તે સંસારી જને ? સાધુતા વગર પૂજ્યતા ક્યાંથી હોય ?
આટલી ઝેરની કણી, શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઇ પડી. પછી ઘણી વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા, પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઇ ગયું. આપણા ઓળખીતા છે, મેળાપી છે, એવો ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો.
પરમકૃપાળુદેવે પરમશ્રુત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમાવૃત્તિ છપાઇ ત્યારે શેઠને ભેટ મળી; પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી; પણ ફરી સત્સંગનો યોગ પુણ્યના ઉદયે બન્યો ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઇ.
તે મુમુક્ષુઓને કહેતા કે ભાઇ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પ.પૂ. પ્રભુશ્રીજીની કૃપાને પાત્ર તે થયા, નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જતો રહે. (બો-૩, પૃ.૭૭૫, આંક ૯૯૧)