________________
૨૧૨
વિશેષ શું લખવું ? કારણ કે જ્ઞાનીપુરુષોએ કાંઇ કહેવામાં બાકી રાખી નથી, પણ આ જીવે તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે; કારણ કે અનંતકાળથી આજ દિન સુધી કાંઇ આત્મામાં અપૂર્વતા આવી નથી, તેમ સત્પુરુષની આજ્ઞા પણ સાચા અંતઃકરણે ઉઠાવી નથી. ઊલટું આ જીવે સત્પુરુષને વંચવા જેવું કર્યું છે; જોકે સત્પુરુષ તો નિઃસ્પૃહ છે તેથી કંઇ ઠગાતા નથી, પણ પોતે પોતાને ઠગે છે અને પોતે પોતાનો વેરી બને છે એવી આ જીવની અધમદશા છે.
તે અધમદશાથી પરમકૃપાળુ પરમાત્મા શ્રી ગુરુ આપણને બચાવે તેવી તેમની પાસે નમ્ર પ્રાર્થના કરી, દીનપણું દર્શાવી અને હવે પછીના કાળમાં તેવા દોષો આત્મામાં ન આવે તેવી પ્રાર્થના નિરંતર અંતરજામી શ્રી ગુરુ પાસે કરી, સર્વ દોષોનો અભાવ કરી, કેવળ વીતરાગતા પ્રગટ કરી સ્વરૂપમાં સમાઇ જવું, એ જ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૩૯, આંક ૨૫)
— અનેક યુગમાં અનેક પ્રકારની કલ્પનાઓ અનેક જીવોને સંસારપ્રવાહમાં ફેરવ્યા કરે છે. તેમાં આ કળિકાળ કે દુષમકાળ તો મહાભયંકર છે.
કલ્યાણનું સ્વરૂપ યથાર્થ સમજાયું નથી ત્યાં સુધી જીવ અકલ્યાણનાં કારણોને કોઇ ને કોઇ આકારમાં કલ્યાણરૂપ કલ્પી, પાણી વલોવી ઘી કાઢવા જેવો પુરુષાર્થ કર્યા કરે છે. આશાને આધારે જીવે છે.
આજીવિકાનું સાધન ન હોય તે, આજીવિકા અર્થે કલ્પનાઓ કર્યા કરે છે. આજીવિકાનું સાધન પૂર્વપુણ્યને લીધે જેમને છે, તેમાંના ઘણા જીવો તેની વ્યવસ્થા અને વૃદ્ધિને માટે કલ્પના કર્યા ઉપરાંત દાન, ધર્મ આદિની કલ્પનાઓનો ઉમેરો કરે છે. કોઇને તેવી વૃત્તિ ન હોય તો વિષયભોગાદિની કલ્પનાઓ વધાર્યા કરે છે. કોઇ કીર્તિની કલ્પનાઓ ઘડતા રહે છે. કોઇને પુત્ર ન હોય તો પુત્રને માટે ઝૂર્યા કરે છે અને પુત્રસુખનાં સ્વપ્નોમાં વહ્યો જાય છે. કોઇને સ્ત્રી ઉપર આસક્તિ હોય તો તેના સંબંધી મનોરથો કર્યા કરે છે.
આમ નાશવંત વસ્તુઓમાં સુખની કલ્પના કરી તે મેળવવા મથે છે, મળે તો તેનો વિયોગ ન થાય તેને માટે પુરુષાર્થ કર્યા કરે છે; પણ નાશવંત વસ્તુ કદી શાશ્વત થઇ શકતી નથી, તેથી આખરે દુઃખ, પશ્ચાત્તાપ, શોક અને સંતાપમાં જીવ બળતો રહે છે.
તે બધાં દુ:ખોથી મુક્ત થવા આત્મજ્ઞાનની જરૂર છે, એમ પરમપુરુષો કહી ગયા છે; પણ પોતાની કલ્પના ઉપરનો વિશ્વાસ છૂટે તો સત્પુરુષનાં વચનો ઉપર વિશ્વાસ આવે અને સત્પુરુષે પ્રાપ્ત કરેલું, માન્ય કરેલું, જો સંમત થાય તો આ જીવને બીજા પ્રકારે સુખી થવાની શોધ કરવા જેવું રહેતું
નથીજી.
પરમકૃપાળુદેવે લખ્યું છે : “બીજું કાંઇ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઇ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.'' (૭૬) આનો વિશ્વાસ આવે તો પછી તો તેનું જ કહેલું કરવા માટે કેડ બાંધી પુરુષાર્થ કરવો રહ્યો. બીજા બધાં વિકલ્પો મૂકી, મારું કલ્યાણ હવે ત્વરાથી મારે કરવું છે, તે કેમ કરી શકું, એનો સૌથી પ્રથમ વિચાર કર્તવ્ય છેજી.
સત્પુરુષનાં વચનોની હૃદયમાં છાપ પાડવાની જરૂર છે. તે, જેણે-જેણે કર્યું છે, તે તે મોક્ષમાર્ગના ઉપાસક અને મોક્ષગામી થયા છેજી.