________________
(૨૦૨) | મોક્ષના ચાર દ્વારપાળ કહ્યા છે : શમ, વિચાર, સંતોષ અને સત્સંગ. મોક્ષે જવું હોય તો એ ચાર
દ્વારપાળને લઈને જવું પડે. કષાય હોય તો પેસવા ન દે. શમ આવે ત્યાં કષાય જાય. જ્ઞાનીનાં વચનોમાં અતિ શમ હોય છે. એ વચનો સાંભળીને મન એકાગ્ર થાય છે. મારે માટે કહે છે, એમ થાય છે. પછી એમાં સ્થિરતા થાય છે. કષાય મંદ પડે તેથી બુદ્ધિ નિર્મળ થાય છે. જગત દુઃખરૂપ છે, એવો સદ્વિચાર કર્યો ન હોય તો કારમાં પેસતાં રોકે કે જાઓ, આત્મવિચાર કરીને આવો. વિચાર એ ભૂમિકા છે. સ્થિરતા તે વિચારદશા છે. વિચારદશા આવે તો જે પુરુષાર્થ કરે તે સફળ થાય. વિચારદશા આવ્યા પછી કુવિચાર ન આવે. આત્મા આમ-તેમ ભમે નહીં. ત્રીજો દ્વારપાળ સંતોષ છે. લોભ ન જાય ત્યાં સુધી મોક્ષ ન થાય. સંતોષથી સુખ થાય. સંતોષ હોય તો પોતાના કર્મરૂપ શત્રુને હણવાનો પુરુષાર્થ કરે. “સંતોષી નર સદા સુખી.' સંતોષી સ્થિર મનવાળો થાય છે, તેથી શાંત હોય છે. ત્રણે લોકનું રાજ્ય, તેને તૃણ જેવું લાગે છે. સંતોષરૂપી અમૃતનું પાન કરનારને જગત અને જગતનાં સુખો ઝેર જેવાં લાગે છે. જે પ્રાપ્ત નથી થયું, તેની ઇચ્છા ન કરે; અને મળેલું છે, તે રહેવાનું નથી, એમ જાણે. હર્ષ-શોક ન કરે તે સંતોષી છે. ચંદ્રમાના પ્રકાશથી બધાં કમળ સંકોચાય, પણ સૂર્યનાં કિરણો અડે ત્યારે ખીલી ઊઠે; તેમ સંતોષથી મન શીતળ થાય અને જ્ઞાન થાય ત્યારે વધારે શાંતિ થાય. જેના મનમાં આશા રહ્યા કરે છે, તેને જ્ઞાન ન થાય. આત્મતૃપ્ત હોય, તેને આત્માની બધી સંપત્તિ મળે છે. ચોથો દ્વારપાળ સત્સંગ છે. સત્સંગ ન કર્યો હોય તો મોક્ષે જવાય નહીં.
એ ચારે હોય તો મોક્ષમાં જવાય. (બો-૧, પૃ.૧૯૨, આંક ૬૭) D “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ
ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (૫૯)
આપના પત્રમાં બોધની માગણી કરી છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે હું તો પામર છું, પરંતુ તે સજીવન મૂર્તિનાં વચનો, આ પત્રને મથાળે ટાંક્યાં છે તે, વિચારશો તથા તેના ઉપકારને હરદમ યાદ લાવી, તેણે જણાવેલ માર્ગે મારો મોક્ષ થશે એવી દ્રઢ શ્રદ્ધા કરશોજી. તે કહે તેમ નહીં વર્તાય ત્યાં સુધી, મોક્ષ દૂર ને દૂર જ લાગશે, રહેશેજી. પૂર્વનાં ઘણા પુણ્યના પુંજથી આ દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે. પુરુષનાં દર્શન, સમાગમ અને આજ્ઞાની પ્રાપ્તિનો સુયોગ મળ્યો છે, પણ જીવ હજી ગળિયા બળદની પેઠે રસ્તામાં બેસી પડશે, આગળ નહીં વધે, આ રઝળતા-૨ખડતા આત્માની દયા નહીં લાવે તો આવા દુર્લભ યોગ જીવે ઘણી વાર ગુમાવ્યા છે તેમ આ ભવ પણ વ્યર્થ વહ્યો જશે. માટે આત્મજ્ઞાન કરી, મોક્ષપ્રાપ્તિનો ઉપાય ઉપર મથાળે લખ્યો છે, તે વિચારી યથાશક્તિ તે દિશામાં પુરુષાર્થ કરશોજી. (બો-૩, પૃ.૭૮૩, આંક ૧૦૦૧)