________________
(૧૮૯) ઊલટી બાજુ બતાવીને કહે કે આ બાજુ ગયાં છે. એમ ન ગયાં હોય છતાં કહે. જૂઠું બોલીએ તે પાપ છે, છતાં એનો લક્ષ અહિંસાનો છે, તેથી જૂઠું નથી. લક્ષ બીજો છે, તેથી પાપ પણ પુણ્યરૂપ થાય છે. તેમ ભગવાન પ્રત્યે પ્રેમ છે, તેને પાપ પણ સવળું થાય. કોઈ ફૂલ તોડતો હોય, પણ એને ભક્તિ કરવી છે, તેથી પાપ પણ પ્રશસ્ત થાય છે. જેનો ભાવ ફરી ગયો, તેનું બધું સવળું થાય છે. તે જે કરે, તે જાણીને કરે છે, સારું કરે છે. (બો-૧, પૃ.૨૨૧, અંક ૧૧૦) શ્રી દેવચંદ્રજી:
એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ બચાવે રે - દયાલરાય. પૂ. દેવચંદ્રજી એ કડીમાં દર્શાવે છે કે પરપરિણતિમાં જીવ પડ્યો છે; પણ સત્સંગ, સપુરુષનો યોગ જેને થયો છે તેને ત્યાં આનંદ નથી આવતો; ઊલટો ત્રાસ પામે છે કે આ પૂર્વનાં કર્મ ઉદય આવ્યું જીવ ગભરાઈ જાય છે, તો નવાં કર્મ બંધાશે, તે શું સુખ આપવાનાં હતાં ? માટે હવે તો સત્સાધન સદગુરુએ આપ્યું છે તે જ એક તરવાનો ઉપાય છે; તે ન છોડું; કારણ જ્ઞાનચક્ષુ વિના અનંતકાળથી ભટક્યો અને હજી તેની પ્રાપ્તિ નથી, ત્યાં સુધી ભટકવાનું છે તો અંધારામાં પણ આંધળાને લાકડી સમાન આટલું સાધન છે, તેથી ધીમે-ધીમે નિજ ઘર શોધીને, ત્યાં જ સુખી થવું છે. આ રસ્તામાં ધક્કા, ઠપકા ખાતાં ચાલવું પડે છે, તેમાં સુખ કદી ન માનું. આવી માન્યતા જેની થઈ છે, તેને રાગ-દ્વેષરૂપ પરિણતિ થઈ જાય છે પણ તેમાં રંગાઈ ન જવાય તેવી પ્રાર્થના પ્રભુને કરી છે કે રાગ-દ્વેષને શત્રુરૂપે જાણું, તો જ તે છૂટે. જો તેમાં આનંદ, રંગ કે સુખ લાગે તો કદી ન છૂટાય. માટે હે પ્રભુ! તેમાં જે રંગાઈ જવાય છે, તે ભાવથી મને બચાવો. તેવા વૈરાગ્ય માટે મરણ વારંવાર વિચારી, સમાધિમરણ માટે આજે શું કર્યું? એવું રોજ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા યોગ્ય છે. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ તો આખરે પસ્તાવું પડશે. (બો-૩, પૃ.૨૩૧, આંક ૨૨૬)
1 શ્રી યશોવિજયજી ચોવીસી, સુવિધિનાથ ભગવાનનું સ્તવન:
ઊર્ધ્વમૂળ તરવર અધ શાખા રે, છંદ પુરાણે એહવી છે ભાખા રે,
અચરિજવાળે અચરિજ કીધું રે, ભક્ત સેવક કારજ સીધું રે. આશ્રર્યકારક વાતો મહાપુરુષો જીવને વિચાર કરવા માટે કહે છે. ઉપર મૂળ અને નીચે ડાળો, એવાં વચનો વિચાર કરવા માટે કહે છે. શરીરની રચના એવી જ છે. જેનાથી શરીરનું પોષણ થાય છે, તે જીભ ઊંચે છે; બીજું નીચે છે. બધાનું મૂળ શું? તે વિચારવા કહ્યું છે. દેહ તે હું, એમ થઈ ગયું, તે સંસારનું મૂળ છે. એનો બધો વિસ્તાર, તે સંસાર છે. એ ભ્રાંતિ થઈ ગઈ છે. એ ભૂલ નીકળે તો સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય. પોતાનું સ્વરૂપ અદ્રશ્ય છે, તે બધાનો આધાર છે. (બો-૧, પૃ.૧૪૩, આંક ૫૪)