________________
૧૮૬
આ રહસ્ય કોઇ આત્મજ્ઞાનીની કૃપાથી સમજી હ્દયગત થાય તો સર્વ શાસ્ત્રના સારરૂપ, સમાધિમરણ અર્થે પરમ સાધનરૂપ બને તેમ છેજી. (બો-૩, પૃ.૫૭૬, આંક ૪૯)
D આલોચના :
સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.
‘શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી ... જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે.’’ (૫૩૭)
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.''
‘‘અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યે એમ સ્વીકાર્યું છે કે ‘‘જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે; તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે ? પરંતુ તેણે માનેલું છે કે ‘હું બંધાણો છું' તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું; તે માનવાપણું શુદ્ધસ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત મોક્ષ સમજાય છે.'' આ વાત શુદ્ઘનયની અથવા નિશ્ચયનયની છે. પર્યાયાર્થીનયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે.'' (વ્યાખ્યાનસાર ૧-૮૦)
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઇ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે.’' (૭૭૯)
અનાદિકાળથી મિથ્યાત્વના ઉદયે ‘અપરમાર્થને વિષે જીવને પરમાર્થનો દૃઢ આગ્રહ થયો છે' તેથી ‘તેની પરમાર્થવૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી' એટલે જેમ છે તેમ જીવ સમજી શકતો નથી. સ્વપરપ્રકાશક ગુણ જીવમાં છે, તેથી પુદ્ગલ, દેહાદિ પદાર્થો દેખે છે અને પોતાને દેહાદિરૂપે ભ્રાંતિથી માને છે. નાવમાં બેઠેલાની દૃષ્ટિ એવી કોઇ ભ્રાંતિ પામે છે કે પોતાની નાવની ગતિ તેને લક્ષમાં આવતી નથી, પરંતુ કિનારા ઉપરનાં વૃક્ષાદિ દોડતાં દેખાય છે, તેમ ભ્રાંતિના પ્રભાવે જીવ પોતાના ઉપયોગ તરફ ઉપયોગ રાખી શકતો નથી, પોતાને ભૂલીને ૫૨ને પોતાના સ્વરૂપે ગણતો આવ્યો છે.
તે સ્વપ્નદશાનો ઉપાય સત્સંગ, સત્પુરુષાદિ સાધન જણાવી, તેમાં પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તવાની ભલામણ કરી છે. તે લક્ષમાં રાખી વર્તવાથી, સર્વ શાસ્ત્રને કહેવું છે, તે સમજાય છેજી. વૈરાગ્ય અને ઉપશમની વૃદ્ધિ થવાથી, વિપરીતપણું દૃષ્ટિમાં છે તે દૂર થાય છે એટલે જીવનું જે સહજ સ્વરૂપ છે, તે સમજાય છે; એટલે હાલ તો સદ્ગુરુના વચનામૃતરૂપ બોધથી, સત્સંગથી, સદ્ગુરુએ દર્શાવેલ સત્સાધનમાં વિશેષ મનને જોડી રાખવાથી મિથ્યાત્વ મંદ થયે, ગયે, જીવને જીવનું સહજ સ્વરૂપ સમજાવા યોગ્ય છેજી. એ માર્ગ મૂકી, અન્ય પ્રકારે પ્રવર્તવાથી, અનંત ઉપાયે પણ મોક્ષ થાય કે સમજાય તેમ નથી.
‘‘યમ નિયમ સંજમ આપ કિયો'' એમાં આજ સુધીના પ્રયત્નો નિષ્ફળ થયા તે કહ્યા પછી, ‘‘પર પ્રેમ પ્રભુસેં’’ કરવા કહ્યું છે, તે ક૨વો. (બો-૩, પૃ.૨૪૯, આંક ૨૪૩)