________________
૧૩૮
I શુક્લ અંતઃકરણ વિના મારાં વચનને કોણ દાદ આપશે ? (૨૧-૪૭)
પાપ વિનાનું અંતઃકરણ, તે શુક્લ અંતઃકરણ, ત્યાગ-વૈરાગ્યવાળું ચિત્ત, તે શુક્લ અંતઃકરણ છે.
જેટલું સદાચરણ હશે, તેટલાં જ્ઞાનીપુરુષનાં વચન વધારે સમજાશે. વૈરાગ્યની જરૂર છે. અંતઃકરણ જેમ જેમ નિર્મળ થશે, તેમ તેમ વધારે સમજાશે. ઢીલા ન પડી જવું. શરૂઆતમાં જીવ બળ કરે છે, પણ પાછો ઢીલો પડી જાય તો કંઇ ન થાય. (બો-૧, પૃ.૨૬૨, આંક ૧૭૦)
સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. (૨૧-૯૩)
આ ચાર આંગળની જીભ જીતવા કમર કસો જોઇએ. જ્યાં જ્યાં મીઠાશ આવે, તે વખતે વૃત્તિ ત્યાં ન જવા દેતાં, તેવી વસ્તુને બેસ્વાદ બનાવવા કે તેને દૂર કરવા તુર્ત ઉપાય લેતા રહો; તેવા પ્રસંગો લક્ષમાં રાખી, તે વિષે વિચાર કરી, તેની તુચ્છતા ભાસે તેમ વિચારતા રહેવા, સાચા દિલે આ પત્ર મળે ત્યારથી તૈયાર થાઓ. પેટ ભરવા માટે, જીવન ટકાવવા પૂરતું ખાવું છે તેમાં જીભ ભંજવાડ કરી, વિક્રિયાઓ ઉત્પન્ન થાય તેવા વિકલ્પો ઊભા કરી રંજાયમાન કરે છે; તેના ઉપર પહેરો રાખવો છે, પિકેટિંગ કરવું છે એવો નિર્ણય કરી, જે મળી આવે તે મિતાહારીપણે લઇ, તે કામ પતાવતાં શીખો; પણ ધીરજથી, તબિયત ન બગડે તેમ, આહાર ઉપર હાલ તો વિશેષ લક્ષ રાખો.
સદ્વિચારની વૃદ્ધિ કરવાની અને કલ્પનાઓ ઓછી કરવાની કાળજી રાખશોજી. (બો-૩, પૃ.૪૧૦, આંક ૪૧૬)
પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. (૩૦)
આપણા અનુભવની જ વાત, જ્ઞાનીએ ચમત્કાર લાગે તેવા શબ્દોમાં જણાવી છે. લક્ષ્મીનો વિષય તો આપ સર્વના અનુભવનો છે.
પરાર્થ કરતાં એટલે બીજાનું ભલું થાય, તે કરતાં, પોતાનામાં આવા દોષો આવવાનો સંભવ છે. અથવા બીજાનું તો ભલું થાય કે ન પણ થાય, પણ તે કરતાં, વખતે (કદાચિત્) ક્યાંક પોતાને પણ અંધાપો (અવિવેક) જોયું, ન જોયું કરવારૂપ દોષ આવી જવાનો સંભવ છે. લક્ષ્મી પરાર્થ માટે વપરાશે એમ કરીને કમાયા પછી, પરાર્થ તો ક્યાંય પડી રહે અને પૈસાદાર થયો તેનો ગર્વ થઇ આવે છે, આંખ તીરછી થઇ જાય છે; વિપરીત ભાવો પ્રગટવાથી બીજાને નુકસાન કરવામાં પણ લક્ષ્મીનો દુરુપયોગ કરે તો તેને આંધળો જ કહેવો ઘટે. આંખ સત્પુરુષનાં દર્શન કરવા માટે તથા સંયમને મદદ કરવા અર્થે વાપરવી ઘટે છે; તેને બદલે જો પાપમાં પ્રવેશ કરવા માટે, લક્ષ્મીની મદદથી વપરાય તો તે અંધાપો જ ગણાય.
તેમ જ કાનને સદ્ગુરુ કે સત્શાસ્ત્રના શ્રવણને અર્થે વાપરવા જોઇએ. તેને બદલે જો પોતાની પ્રશંસા કે બીજાના અવગુણ સાંભળવામાં વપરાય તો તે બહેરાપણું છે; અથવા તો ગરીબની દાદ ઉ૫૨, પ્રાર્થના પ્રત્યે ધનવાન કાન ન દે, તે પણ બહેરાપણું છે.
વચનને સત્પુરુષના કે પરમાત્માના ગુણગ્રામમાં વાપરવાને બદલે તિરસ્કાર કે અપશબ્દો બોલવામાં વપરાય, તે મૂંગાપણું છે કે ધનમદને લઇને મૌન રાખે, બોલાવે પણ બોલશે તો કંઇક આપવું પડશે જાણી, મૂંગા રહે તે પણ મૂંગાપણું છે.
આમ સવળા અર્થમાં, સત્પુરુષનાં વચનો સમજવાં ઘટે છેજી. (બો-૩, પૃ.૪૦૪, આંક ૪૧૧)