________________
(૧૩૭) સહેજે થઈ જાય છે, એવા મોક્ષમાર્ગે ચાલતા બુદ્ધિશાળી સ્વ-પરને ઉપકારી મહાપુરુષ પરમકૃપાળુદેવ જેવા “આશુપ્રજ્ઞ' કહેવા યોગ્ય છેજી. જેને સહજમાત્રમાં ભેદવિજ્ઞાન પ્રગટ થાય તેવી બુદ્ધિ હોય, જેને પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રોમાં ખોળવા, શોધવું પડતું નથી, પણ પ્રશ્ન પૂછતાં પહેલાં જેને ઉત્તર સૂઝી આવે, એવી આચાર્યને યોગ્ય જેની બુદ્ધિ હોય, તેને “આશુપ્રજ્ઞ' કૃપાળુદેવે કહ્યા હોય તેવું સમજાય છેજી. એવા પ્રજ્ઞાવંત જીવોના સહવાસથી આપણને શંકા-સમાધાનનું નિમિત્ત બને છે, મોક્ષમાર્ગમાં મદદ મળે છે અને નિઃશંક થવાનું બને છે. તેથી તેમનો વિનય આપણને હિતકારી જાણી, પરમકૃપાળુદેવે વિનય જાળવવાનું કહેલું જણાય છે. પૂર્વના ઘણા પુરુષાર્થના ફળરૂપે, તે મહાપુરુષે જે શક્તિ પ્રગટ કરી છે, તે આપણને માત્ર વિનય જેવા નજીવા સાધનથી ઉપકારનું કારણ બને છે. અનેક પ્રકારના ગૂંચવાડામાંથી આપણને બચાવી, સીધા મોક્ષમાર્ગ ઉપર તે લાવી શકે તેવી શક્તિ તેમનામાં હોય છે. ઉત્તરાધ્યયન શાસ્ત્રમાં પહેલું અધ્યયન વિનય વિષે છે. તેનું આરાધન કરનાર ક્રમે મોક્ષે જાય છે, એમ પણ તે જ શાસ્ત્રમાં છે. “વિનય ધર્મનું મૂળ છે.” (બી-૩, પૃ.૧૦૭, આંક ૯૯) T દિવસે તેલ નાંખું નહીં. સ્ત્રીએ રાત્રે તેલ નાંખવું નહીં. (૧૯-૬૫૪/૫૫)
પુરુષે દિવસેય માથામાં તેલ નાખવું નહીં, એટલે કે નાખવું જ નહીં, કારણ કે હજામત, સ્નાન વગેરે સાધનોથી શિર સ્વચ્છ રહેવાનું કારણ પુરુષને બને છે. રાત્રિએ તેલ માથામાં નાખનાર એટલે વેશ્યાદિ તથા અત્યંત મોહાસક્ત સ્ત્રીઓ હોય. સામાન્ય સ્ત્રીઓ તો દિવસે શરીર-સંસ્કાર કરી લે છે. વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હોળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય, તેને ઘરના કોઈ ખૂણામાં પણ રાખવા, કોઈ ઇચ્છતું નથી; તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખૂંચ-ખૂંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી, તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી, એ વિચારવાનને કેમ પાલવે? ઘણાં સ્ત્રી-પુરુષોને વારંવાર માથાના વાળ ઠીક કરવા કે જેમ હોળીને રાખી મૂક્યા હોય, તેવા રહ્યા છે કે નહીં તેની પરીક્ષા કરવા, માથે હાથ ફેરવતા જોઈએ છીએ અને તે ટેવનું રૂપ લે છે એટલે વગર કારણે શિર પર હાથ ફર્યા કરે છે. આ મોહની ઘેલછા છે. તેનું સૂક્ષ્મ અવલોકન કરી, અંતવૃત્તિઓને તપાસી, તેને સન્માર્ગે વાળવી ઘટે છેજી. જેમને દેહાધ્યાસ એ મહાદોષ ભાસ્યો છે અને જે સંસારથી વિરક્ત થયા છે, તે મહાપુરુષો તો કેશને ક્લેશરૂપ જાણી, મોહનાં મૂળ જાણી, તે પરમપુરુષો શ્રી તીર્થકર જેવા તો, તેને મૂળથી ઉખેડી નાખે છે.
કુટિલ, ધૂર્ત-વિલાસ-વાસ ગણી કેશ-લોચ તે કરતા રે; તજી શણગાર, અણગાર બની તે મહાવ્રતો ઉચ્ચરતા રે; પરોપકારકારક પરમાત્મા ઊઠયા જગ ઉદ્ધરવા રે.
(પ્રજ્ઞાવબોધ પુષ્પ-૧૦૩) દરેક બાબતનો ઊંડો વિચાર કરતાં શીખો, એ જ વિનંતી. (બી-૩, પૃ.૪૨૮, આંક ૪૪૦)