________________
(૧૨૩) હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઇએ તો લઇ શકાય, પણ તે સત્સંગના પ્રત્યક્ષ ફળ વિના વધુ વખત ટકી શકે, એ મને તો મુશ્કેલ લાગે છે, તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું. એમ કરવામાં આવે તો વિશેષ દશા અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ, મારા સમજવા પ્રમાણે મેં લખી છે. આપ તો ગુણજ્ઞ છો. આપને ગમે તેમ વર્તવું હોય, તે આપ જણાવશો. આત્મદશા જાગ્રત કરવાનું મુખ્ય સાધન, મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું કોઈ પણ પદ, કાવ્ય કે વચન ગમે તેનો ઉચ્ચાર થતો હોય અને મન તેમાં જ પ્રેરાઇ વિચાર કરતું હોય તો કાયા શાંત રહે છે; જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર, એ બે કામ લયતારૂપે થયા કરે, તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગ્રત કરે છે. તે માટે અલ્પ પરિચય, અલ્પ પરિગ્રહ, આહારનો નિયમ, નીરસ ભાવ એ બધાં સાધનો કર્તવ્ય છે; અને તે સાધનો ઉપરની દશા મેળવવામાં ઉપકારભૂત થાય છે અને તેથી નિર્જરા થઇ કર્મક્ષય કરે છે. જેમ જેમ લયતા વિશેષ, તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન હોય છે, તેમ તેમ કર્મનો અભાવ હોય છે; એટલે દુઃખ કાયાને લાગતું નથી, દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. એ બધામાં વિચાર-જાગૃતિ મુખ્યપણે જોઇએ છે. તે વિચાર-જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે; તેથી દશા વર્ધમાન થતી નથી, બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે. પછી આપણને યાદ આવે છે કે આ દશામાં શાંતિ ઠીક હતી, કારણ તેમાં અલ્પ પણ શાંતિ રહે છે, પણ તે મેળવવામાં પાછું ફરી બળ કરવું પડે છે. તેનું કારણ એ જ કે વિચારશક્તિની બહુ જ ન્યૂનતા. જો વિચાર-જાગૃતિ હોય તો સહેજે, ઓછા બળે કે વિના પરિશ્રમે, તે દશા વર્ધમાન થાય છે. ત્યારે હવે આ સ્થળે આપને પ્રશ્ન થશે કે તે વિચાર-જાગૃતિ શેનું નામ કહેવાય? અથવા વિચારવૃત્તિ કેમ સમજાય? તેનો ટૂંક ખુલાસો, હું લખી જણાવું છું. કોઈ પણ શબ્દ, વાક્ય, પદ કે કાવ્યનું વિચારથી કરી વિશેષ અર્થનું ફોરવવાપણું; તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતાં મન નિરાશા પામતું ન હોય; મન, વચન અને કાયા એક આત્મરસરૂપ થઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય, ત્યાં કેવી મજા પડે ! કે જેનો સ્વાદ લખવામાં નથી આવતો. એવી જે રસલયલીનતા, એકરસરૂપ તે વિચાર-જાગૃતિ આપે છે, તે જ વિચાર-જાગૃતિની બહુ જ ન્યૂનતા છે. માટે તેવા પુરુષોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે, કારણ કે વિચારશક્તિના ઓછા બળને લીધે, સત્સંગ છે તે, તે જીવોને બળરૂપ થઈ પડે છે. તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્રાભ્યાસની મુખ્ય જરૂર છે, કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે. આ બધું લખાણ કર્યું તે વાત રૂબરૂમાં કરવાની હતી, પણ હાલ તે અનિયમિત હોવાથી કાગળે ચઢાવી છે. ત્યારે હવે આ સ્થળે એમ પ્રશ્ન થશે કે એવી દશા ન હોય, તેવો સત્સંગ ન હોય, વિચાર કરવામાં વિશેષ મતિ ચાલતી ન હોય, માટે શું કરવું? કાળ કેમ વ્યતીત કરવો ? ‘તમારો સમાગમ ઇચ્છીએ છીએ, માટે તમે જ ચારિત્રધર્મ અંગીકાર કરી જગતનું કલ્યાણ કરો.' એ વગેરે વિચાર આવી જાય તો તેનું સમાધાન પણ આપી દઉં છું કે ચારિત્રધર્મ અંગીકાર કરવારૂપ દશા