________________
તેના ખાનારાનાં નામ હોય છે. જે જે અન્નપાણીના અને જગાના સંસ્કાર તેમના ભાગ્યમાં હશે તે તે તરફ તેઓ અને આપણે આપોઆપ ખેંચાયા જઇએ છીએ તે પ્રમાણે બધું થતું જશે. અમે અમારાથી બનતું કરી છૂટીશું અને લેણદેણ હશે તેટલું પૂરું કરીશું. આથી વધારે આપણે કરી શકીએ તેમ નથી, છતાં ગાડા તળે ચાલતું કૂતરું એમ ધારે છે ગાડું મારા લીધે ચાલે છે તે જેમ અજ્ઞાન છે તેમ સંસાર, કુટુંબ કે દેહને નભાવનારા સંજોગો કેટકેટલા માણસો સાથેના સંબંધ સંસ્કાર પૂરા કરવા ઘડાયા જાય છે, તેમાં હું કરું છું, મારાથી બધું થાય છે એમ માની બેસીએ તે માત્ર અણસમજ છે; એટલે તમારી ખીચડી ભેગી બબુની ખીચડી ચઢવામાં તમને વિશેષ મુશ્કેલી નહીં પડે એમ ધારું છું. કોઈ જાત્રાએ કાશી, મથુરા ભણી જાય છે ત્યારે તેને ચાંલ્લો અને રૂપિયો આપી સાથે સુખેથી જાત્રા પૂરી થાય તેવો આશીર્વાદ આપવાનો રિવાજ છે; તેમ હું મોટી જાત્રાએ જ જવા ઇચ્છું છું. કુટુંબને સદાને માટે છોડીને, આખી દુનિયાને કુટુંબ ગણી, મારા પ્રારબ્ધ ઉપર આધાર રાખીને, આ ભવનાં બાકી રહેલાં વર્ષો પરમકૃપાળુદેવના ચરણકમળમાં અર્પણ કરવા તત્પર થયો છું. મેં હજી અગાસમાં આ વાત જાહેર નથી કરી, કારણ કે વખતે આટલી ભારે જવાબદારી ઉઠાવવા જેટલી મારી યોગ્યતા તેમની દ્રષ્ટિમાં ન જણાય અને મને સંસાર છોડી આશ્રમમાં રહેવાની આજ્ઞા ન મળે તો મારે કાંઈ કહેવાતા સાધુ થઈ ફર્યા કરવું નથી, પણ તે યોગ્યતા પ્રાપ્ત કરવા જે જે ઉપાય દીર્ઘદ્રષ્ટિથી બતાવે તે માટે માન્ય હોવાથી પહેલાં હું બીજી જવાબદારીઓમાંથી મુક્ત થઇ-ચોખ્ખો થઈ તેમને વાત કરવા વિચાર રાખું છું. મેં ત્યાં વાત જાહેર કર્યા પછી મને ગમે તે કામ કે સલાહ કે આજ્ઞા કરે તે માટે હું કોઈ પણ પ્રકારના વિકલ્પ વગર તે કામ ઉઠાવવા સર્વ શક્તિ વાપરી તે સંપૂર્ણ કરવા પ્રવર્તી શકું, માટે અત્યારની મારી અલ્પમતિ પ્રમાણે મારે માથે જે જવાબદારીઓ જણાય છે તેથી મુક્ત થવા આ વીનવણી હું કરી રહ્યો છું. એ ચાર પ્રકારની જવાબદારીઓ દૂર થાય તો ભલે મને કાશી જઇ શાસ્ત્રઅભ્યાસ કરવાની આજ્ઞા મળે કે આશ્રમમાં પૂંજો વાળવા કે ઘંટ વગાડવા જેવું નજીવું કામ સોંપે તો પણ મને પૂરેપૂરો સંતોષ થવાનો, એમ અત્યારે લાગે છે, કારણ કે મારું કલ્યાણ તે પુરુષની આજ્ઞા ઉઠાવવા માટે જ જીવવામાં છે, એમ મને સમજાય છે. તેની સાથે, મારું આત્મહિત સધાય તેવી આજ્ઞા કરવાને તે સમર્થ છે, એટલી મને શ્રદ્ધા અંતરમાં છે. માટે ચોખ્ખા થઈને જવા માટે તમને આ લાંબું લખાણ લખી કંટાળો આપ્યો છે અને તમારી આશિષ મેળવી સોસાયટીમાં બધાને જણાવી તેમની અનુકૂળતાએ - જરૂર પડે તો થોડા મહિના રાહ જોઈ, ઉતાવળ કર્યા વગર બધાને રાજી રાખીને, તે કામ છોડી શકાશે એવો સંભવ છે. તેથી તે પ્રમાણે જરૂર કરવું એવો દ્રઢ નિશ્ચય ઘણા વખતથી કર્યો છે અને સોસાયટી માટેનું રાજીનામું તો ત્રણ-ચાર વર્ષથી લખેલું પડી રહ્યું છે. તમે બધાં સંમત થાઓ તેમ અહીંની ચીજો અને બબુની વ્યવસ્થાનું બધું કામ થોડા વખતમાં પતવી પછી આ વાત અગાસ જાહેર કરવા વિચાર છે. આટલી તૈયારી હશે તો અગાસમાં મને સ્થાન મળવું મુશ્કેલ નહીં થાય, એવું, ટૂંકી બુદ્ધિથી જણાય છે. તેમ છતાં જે થવાનું હશે તે હરીચ્છા પ્રમાણે થશે અને તેમાં જ સંતોષ માનવાનો રહે છે, પણ પુરુષાર્થ કરવામાં તો પાછો નહીં પડું.