________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
૩૪૭ – – – – છે, તેની પાસે બીજી ઉપર જવાની નાની નાની સીડીઓ આવેલી છે. આ સોપાનની પાસે એક રત્નમયગ્રંથિ દેખાય છે, અને તેમાંથી ઓગણસાઠ કિરણો નીકળે છે, અને ઉપર જોતાં એકસો ઉડતાલીશ સૂક્ષ્મ કિરણોનું એક વૃંદ ફુરી રહ્યું છે, તે ઘણુંજ મનોહર લાગે છે. | મુમુક્ષુ સસ્મિતવદને બોલ્યો - “ભગવદ્ , આ સોપાનની શોભા જોઇ મારા હૃદયમાં આનંદની ઉર્મિઓ ઉછળે છે. આ દેખાવ ઉપરથી અને નામ ઉપરથી મને ખાત્રી થાય છે કે, આ સોપાનની ખુબી કોઇ વિલક્ષણ જ હશે. તેનો દેખાવ જોતાંજ આ સંસારનો મોહ નિર્મુલ થતો હોય, તેવો આભાસ થાય છે. તે સાથે મારું હૃદય સાક્ષી પૂરે છે કે, અહિંથી મને કોઇ ઉત્કૃષ્ટ બોધનો લાભ થશે. મહાનુભાવ, આપ કૃપા કરી આ દેખાવનું વિવેચન મને સત્વર કહી સંભળાવો. તે સાંભળવાને મારું હૃદય અતિ ઉત્સુક થાય છે.”
આનંદમુનિ અંગપર ઉમંગ લાવીને બોલ્યા- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં જે જીવ ઉપશમક હોય તે આવે છે. પ્રથમ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં જે બે શ્રેણીઓ વિષે કહેવામાં આવ્યું હતું, તેમાં ક્ષપકશ્રેણીને માટે તે સ્થળે યોગ્યતા કહી હતી, અને જે બીજી ઉપશમશ્રેણી છે, તેનો ઉપયોગ અહિં થાય છે.” ' ઉપશમશ્રેણી કેવા મુનિ કરે છે ? તેને માટે મેં તને આગળ કહેલ છે. આ પગથીઆની અંદર જે ઢાલ દેખાય છે, તે એવું સૂચવે છે કે, આ ઉપશાંતમોહ સોપાન ઉપરથી કોઇવાર નીચે પડી જવાય છે. અહીં વર્તનાર ઉપશાંત મુનિને જ્યારે ચારિત્ર મોહનીયનો તીવ્ર ઉદય થાય છે, ત્યારે તે અહિંથી નીચે પડી જાય છે, એટલે પુનઃ મોહજનિત પ્રમાદથી તે પતિત થઇ જાય છે. કોઇ અનુભવી મહાત્માએ તે ઉપરથી આ ગુણસ્થાનને જળની સાથે સરખાવ્યું છે.