________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૮૭ ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું છે અને ગૃહસ્થાવાસમાં રહેવું પડ્યું છે માટે વિત્તનું ઉપાર્જન અને તેનું રક્ષણાદિ કર્યા વિના પણ છૂટકો થતો નથી. પણ ધર્મની અભિલાષાવાળા ગૃહસ્થોએ અન્યાયનો ત્યાગ તો કરવો જ જોઇએ. અર્થોપાર્જન, એ પોતે જ પાપવ્યાપાર છે અને તેમાં અન્યાયનું પાપ ભળે, તો એ પાપ કેટલું બધું ભારે બની જાય ? આથી પાપના ડરવાળા ગૃહસ્થોએ અર્થોપાર્જનમાં પણ અન્યાયને તો નહિ જ આચરવો જોઇએ અને પાપવ્યાપારથી ઉપાર્જેલા દ્રવ્યનો બની શકે તેટલા વધુ પ્રમાણમાં સવ્યય કરવો જોઇએ. શ્રી જિનપૂજામાં, ન્યાયોપાર્જિત વિત્તને પણ ભાવપૂર્વક શોધીને, તેનો ઉપયોગ કરવો જોઇએ. શ્રી જિનપૂજા માટેનું દ્રવ્ય મન, વચન અને કાયના દોષોના ત્યાગપૂર્વક મેળવેલું હોવું જોઇએ. ન્યાયોપાર્જિત વિત્તને ભાવથી શોધીને પણ પોતાના વિભવાનુસાર શ્રી જિનપૂજા કરવી જોઇએ. બદ્વિવાળા શ્રાવકોએ બદ્ધિપૂર્વક શ્રી જિનપૂજા કરવી જોઇએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાને માટે આ રીતિએ પુષ્પાદિ દ્રવ્યોને પોતે એકત્રિત કરે, એ કાયાની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે; ક્ષેત્રાન્તરથી શ્રી જિનપૂજાને માટે પુષ્પાદિ ઉત્તમોત્તમ દ્રવ્યોને વચનથી મંગાવે, તે વાગ્યોગની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે; અને માનસિક કલ્પનાથી નન્દનવન આદિનાં પારિજાત કુસુમાદિને લાવીને શ્રી જિનપૂજા કરવી, એ મનોયોગની પ્રધાનતાવાળી પૂજા કહેવાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિનો ભાવ જેમ જેમ વૃદ્ધિને પામતો જાય છે, તેમ તેમ ભક્તાત્મા એ તારકની પૂજાને માટે વધુ ને વધુ ઉત્તમ સામગ્રી મેળવવાનો પ્રયત્નશીલ બને છે. રોજ ત્રણે કાળ તે પોતાના ક્ષેત્રમાંથી મળી શકતી ઉત્તમોત્તમ સામગ્રીથી શ્રી જિનપૂજા કરે છે, જ્યારે જ્યારે શક્ય હોય ત્યારે ત્યારે તે ક્ષેત્રાન્તરથી પણ શ્રી જિનપૂજાની ઉત્તમોત્તમ સામગ્રીને મંગાવે છે અને એથી પણ આગળ વધીને એ માનસિક કલ્પનાનો આશ્રય પણ લે છે.