________________
૧૮૪
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ સેવનારો બની શકતો નથી.” ઉપકારિઓના ઉપકારને જાણનારા આત્માઓના અન્તરમાં ઉપકારિઓ પ્રત્યે બહુમાનનો ભાવ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એ બહુમાનભાવ આત્માને જેમ આજ્ઞાંકિતા બનવાને પ્રેરે છે, તેમ ઉપકારિઓની બાહ્ય પ્રતિપત્તિને માટે પણ આત્માને પ્રેરે છે. ઉપકારનો જાણ આત્મા, વારંવાર, ઉપકારિઓના નામનું સ્મરણ કરે છે; મનમાં તેમની મૂર્તિની કલ્પના કરીને પણ ઉપકારિઓને વન્દનાદિ કરે છે; અને ઉપકારિઓની સ્થાપના કરીને એ સ્થાપનાને પણ વારંવાર પૂજે છે. સમ્યગ્દષ્ટિ આત્માને સર્વવિરતિવાળા બનીને એકાન્ત શ્રી જિનાજ્ઞામય નિરવદ્ય અને ધર્મમય જીવન જીવવાની અભિલાષા હોય છે; પણ જ્યારે તે પોતાની તે અભિલાષાને અનુસાર વર્તવાને સમર્થ નથી હોતો, ત્યારે તે ગૃહસ્થજીવનમાં રહે છે; પણ ગૃહસ્થજીવનમાં રહેલો તે પોતાના ગૃહસ્થજીવનને એવી રીતિએ જીવવાનો પ્રયત્ન કરે છે, કે જે રીતિએ વર્તતાં તે ક્રમે કરીને પોતાના સર્વવિરતિ જીવનની અભિલાષાને પૂર્ણ કરી શકે. આથી જ તેને, બાહ્ય પ્રતિપતિ રૂપ શ્રી જિનભક્તિ કરવાના પણ ઘણા ઘણા મનોરથો હોય છે. એ જ દ્રવ્યવ્યય લેખે છેઃ
શ્રી જિનની ભક્તિ માટે, શ્રી જિનના સેવકોની ભક્તિને માટે અને શ્રી જિનભાષિત ધર્મને સેવવાના સાધનોના સર્જન, રક્ષણ તથા પ્રચાર આદિને માટે તે વ્યસની જેવો બને છે, એમાં કહીએ તો ચાલી શકે. એને એમ થાય છે કે- “હું દ્રવ્યનો સર્વથા ત્યાગી બની શકતો નથી, ગૃહસ્થ તરીકે જીવવાને માટે મારે દ્રવ્ય રાખવું પડે છે, ગૃહસ્થ હોવાથી મારે દ્રવ્યનું રક્ષણ તથા ઉપાર્જન પણ કરવું પડે છે અને ગૃહસ્થ તરીકે મારે, મારે માટે તથા કુટુંબાદિને માટે દ્રવ્યનો વ્યય પણ કરવો પડે છે; આમ હું મારા શરીર, સ્વજન અને ઘર આદિમાં આરંભવાળો તો છું જ; જ્યારે