________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
મિથ્યાત્વ ગુણસ્થાનક
અનાદિ કાળથી ભટકતાં જીવો અનાદિ કર્મના સંયોગવાળા હોય છે. અનાદિ કર્મના સંયોગના કારણે રાગ દ્વેષ રૂપ પરિણામ અનાદિ કાળથી જીવનો જ હોય છે તે અત્યંતર સંસારરૂપે ગણાય છે અને તે પરિણામના કારણે જન્મ મરણરૂપ સંસાર જીવનો જે ચાલી રહ્યો છે તે બાહા સંસાર કહેવાય છે.
આ રાગ દ્વેષના પરિણામની સાથેને સાથે જીવોને જે કાંઇ અનુકૂળ સામગ્રી મલે એટલે એકેન્દ્રિય જીવોને પણ અનુકુળ પુદ્ગલોનો આહાર મલે તેમાં રાજીપો થાય છે અને પ્રતિકૂળ પદાર્થોનો એટલે પુદ્ગલોનો આહાર મલે તેમાં નારાજી થાય છે. આ સંસ્કાર સમયે સમયે ગ્રહણ કરતાં આહારના પુદ્ગલોને વિષે થયા જ કરે છે. તેના પ્રતાપે જીવો પાપનો અનુબંધ પેદા કરતાં જાય છે. આ રાજીપો અને નારાજીનો જે પરિણામ એને જ્ઞાની ભગવંતો મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વ એટલે શ્રી સર્વજ્ઞ પરમાત્માએ પોતાના જ્ઞાનથી જોયેલા પદાર્થોને અર્થથી નિરૂપણ કરી દેવા સ્વરૂપે દેખ્યા તેવા સ્વરૂપે જગતના જીવો પાસે પ્રકાશિત કર્યા તેવા સ્વરૂપે તે પદાર્થોને ન માનતાં તેનાથી વિપરીતપણાની બુધ્ધિ રાખીને તે પદાર્થોને માનવા તે મિથ્યાત્વ કહેવાય છે.
તાત્વિક દ્રષ્ટિથી જો વિચારણા કરીએ તો જગતમાં રહેલા કુદેવકુગુરૂ-કુધર્મને સુદેવ-સુગર અને સુધર્મ રૂપે ધર્મ બુધ્ધિએ માનવા અથવા તે રીતે તેની આરાધના કરવી તે મિથ્યાત્વ કહેવાય છે. એ મિથ્યાત્વનાં ભિન્ન ભિન્ન ગ્રંથોમાં જુદી જુદી વિવેક્ષાઓથી અનેક પ્રકારો રૂપે જ્ઞાની ભગવંતોએ વર્ણન કરેલ છે.
જગતમાં જીવો બે પ્રકારના હોય છે. (૧) અવ્યવહાર રાશિવાળા જીવો (૨) વ્યવહાર રાશિવાળા જીવો.