________________
કર્મગ્રંથ-૨ વિવેચના
૧૫ સ્થિતિમાં એટલે કે અંત:કરણ કાળના પહેલા સમયમાં પ્રવેશ કરે છે. આ અંત:કરણના પહેલા સમયમાં પ્રવેશ થાય તેને ઉપશમ સમકિતની પ્રાપ્તિ કહે છે.
ઉપશમ સમકિતની પ્રાપ્તિ વખતે જીવોને જે અપૂર્વ આનંદ પેદા થાય છે તે આનંદને કેવળીભગવંતો પણ શબ્દરૂપે પ્રગટ કરી શકતા નથી આ સમકિતની પ્રાપ્તિ સમયે કેવા સુખનો અનુભવ થાય છે તે જાણવા કહે છે કે કોઈ મુસાફર ગ્રીષ્મકાળમાં મધ્યાન્હ સમયે નિર્જન વનમાં સૂર્યના કિરણોથી તપેલો, લૂ તાપે કરી અતિ વ્યાકુળ થયેલ હોય તેને કોઈ શીતળ સ્થાન મળે અને ત્યાં બાવના ચંદન રસનો તેના ઉપર છંટકાવ થાય તે વખતે મુસાફરને જે શાતા અને જે આનંદ-મગ્નતા હોય તેવો આનંદ પ્રાપ્ત થાય છે.
જીવરૂપે મુસાફર સંસારરૂપી ગ્રીષ્મકાળજન્મમરણ રૂપી નિર્જન વન - કપાયરૂપ તાપથી પિડાયેલ રોગ -શોક રૂપ લૂથી ગુંથાયેલ અને તૃષ્ણારૂપ મોટી પિપાસાએ પરાભવ પામેલ એવો જીવ અનિવૃત્તિરૂપ સરળ માર્ગને પામીને અંત:કરણરૂપ શીતળ સ્થાનને પામી, બાવન ચંદનના રસના છંટકાવ રૂપ સમ્યકત્વને પામે છે અને તે વખતે અનંતાનુબંધી અને મિથ્યાત્વરૂપી પરિતાપ દૂર થઈ જાય છે અને ગાઢ તૃષ્ણારૂપ પિપાસા શાંત થાય છે.
આ ઉપશમ સમકિતના કાળમાં સત્તામાં રહેલી મિથ્યાત્વની અંત: કોટાકોટી સાગરોપમની સ્થિતિના દલિતોના ત્રણ વિભાગ કરે છે તેને જ્ઞાની ભગવંતોએ ત્રણ પૂંજની સંજ્ઞા આપેલી છે.
(૧) અશુદ્ધ વિભાગ (અશુધ્ધ પૂજ) : મિથ્યાત્વના જેવા પ્રકારના દલિકો છે તેવાનેતેવા સ્વરૂપે દલિકોનો જે વિભાગ પાડવામાં આવે તે વિભાગને અશુદ્ધ પૂંજ એટલે કે મિથ્યાત્વ મોહનીયના દલિકો કહેવાય છે.
(૨) અર્ધશુદ્ધ પૂંજ : (મિશ્રમોહનીયના દલિકો) : મિથ્યાત્વ મોહનીયના સત્તામાં રહેલા કેટલાક દલિકોને પરિણામના સ્વભાવથી શુદ્ધ પણ નહિં અશુદ્ધ પણ નહિં પણ શુદ્ધાશુદ્ધ રૂપે એટલે કે અર્ધશુદ્ધ રૂપે કરે છે. આ દલિકોના વિભાગને મિશ્ર મોહનીયના દલિકો કહેવાય છે.
(૩) શુદ્ધ પૂંજ (સમ્યકત્વ મોહનીયના દલિકો) : મિથ્યાત્વ મોહનીયના સત્તામાં રહેલા કેટલાક દલિકોને શુદ્ધ રૂપે એટલે કે જેના ઉદયકાળમાં જિનેશ્વર પરમાત્માના તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા પેદા કરાવે - ટકાવી રાખે અને કમસર શ્રદ્ધા વધારે એવા બનાવવા તે શુધ્ધ પૂંજના દલિકો કહેવાય છે. આ દલિકો સમ્યકત્વમોહનીયના દલિકો તરીકે ઓળખાય છે.