________________
પરમ પૂજ્ય સાધ્વી શ્રી કમળાશ્રીજી મ.સા. નું જીવન ઝરમર
મળે છે દેહ માટીમાં, પણ ગુરુદેવ નામથી અમર છે, ચિર વિદાય તો લે સહુ કોઈ, પણ તેના કામ અમર બને છે, કેટલું નહિ પણ કેવું જીવ્યા ? તે હરપલ યાદ આવે છે એમના મૃત્યુના કર્યા મહોત્સવ વધામણા તે પણ યાદ આવે છે.
ધર્મ અને સંસ્કૃતિના જાજરમાન મૂલ્યોથી દેદિપ્યમાન એવી ગુજરાતની સોહામણી ધરતી. છ ભવ્ય શિખરબંધી જિનાલયોથી ગુંજતી. ભક્ત કવિ દયારામની જન્મભૂમિ, સંયમરત્નોની ઉત્તમ મહામોહી ખાણ, પ.પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ની અંતિમભૂમિ હીરાકડિયા રચિત ભવ્ય કિલ્લાઓથી શોભતી જૈનશાસનના કાશ્મીરની ઉપમાને ધારણ કરતી, છેલ્લા દાયકામાં તો આ ધરતીએ ઘણા મહાન નરરત્નોની ભેટ આપી છે એવા પૂ. આ. ભ. શ્રી મોહનસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. ના સમુદાયોમાં પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. પૂ. આ. ભ. શ્રી મહાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. ભ. શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા., પૂ. પં. શ્રી વાચસ્પતિવિજયજી મ.સા. વગેરે આચાર્ય, શતક સાધુ-સાધ્વીજી વગેરે ભગવંતોની ભેટ આપી ગૌરવવંતી બની છે. એવા ધર્મ સંસ્કાર અને જૈનત્વ પ્રભાવથી ઝળહળતા દર્ભાવતીની તીર્થભૂમિમાં ખુશાલચંદભાઈ અને સુશ્રાવિકા ઝેકોરબેનને ૪ પુત્રો અને ૪ પુત્રીઓ પૈકીમાં સૌથી પ્રથમ પુત્રી કમલાબેન હતા.
બાળપણમાં ધાર્મિક વાતાવરણમાં ગુરુદેવના સાન્નિધ્યમાં પાંદડા પર પડેલ પાણીના પરપોટાને સ્વાતિ નક્ષત્રના સૂર્યના કિરણનો સ્પર્શ થતાં મોતી બને તેવી જ રીતનાં તેમનો વૈરાગ્ય-વાસિત ભાવ દૃઢ બન્યો. સંસારની અસારતા જાણી મુનિ જીવનની મસ્તી માણવા પરિમલ થનગની ઉઠ્યો.