________________
આવકાર
આ ગ્રંથની અંગ્રેજી આવૃત્તિને આવકારતાં જાણીતા પ્રાચ્યવિદ્યાવિદો સર્વશ્રી ડૉ.વિ.એમ. કુલકર્ણી, ડૉ, તપસ્વી નાન્દી, ડૉ. નગીનભાઈ જે. શાહ, ડૉ. એડગર પોલોમ, ડૉ. રામચંદ્ર દ્વિવેદી, ડૉ. પી. એમ. ઉપાધ્યે અને ડૉ. મૂલચંદ પાઠકનાં લખાણોમાંથી સંક્ષિપ્ત અવતરણો –
૧. (સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના) ઇતિહાસકારોએ શ્રીહેમચન્દ્રાચાર્ય તથા ‘કાવ્યાનુશાસન’ને ન્યાય કર્યો નથી. સાહિત્યશાસ્ત્ર વિશેનો આવો વિદ્વત્તાપૂર્ણ, સુ-આયોજિત, સુગ્રથિત ગ્રંથ બિલકુલ કદરથી વંચિત રહ્યો છે એ એક ખરેખર અચરજ પમાડે તેવી બાબત છે... મો. ઉપાધ્યાયનો કાવ્યાનુશાસન તરફનો અભિગમ, અગાઉના ઇતિહાસકારોના અક્કડ પૂર્વગ્રહોથી બિલકુલ મુક્ત રહ્યો છે તે દેખાઈ આવે છે અને એ પરમ સંતોષની વાત છે. હેમચન્દ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’ના પ્રો. ઉપાધ્યાયના વિશિષ્ટ અને સુંદર અધ્યયનથી હવે સમતુલા પુનઃ સ્થપાશે અથવા સાચી રીતે સમતુલા સધાશે અને હેમચન્દ્રાચાર્યના વિશ્વકોશ જેવા ગ્રંથના સમુચિત મૂલ્યાંકનનો માર્ગ મોકળો થશે.
‘કાવ્યાનુશાસન’ના અધ્યયન માટે પ્રો. ઉપાધ્યાય પાસે પર્યાપ્ત સાહિત્યિક તથા સાહિત્યશાસ્ત્રીય સજ્જતા છે. એમણે સંસ્કૃત સાહિત્યના અગ્રગણ્ય વિદ્વાનો તથા વિવેચકોના ગ્રંથો તથા લેખોમાં પ્રગટ થયેલાં મંતવ્યો તથા વિવેચનો આત્મસાત્ કર્યાં છે અને, હેમચન્દ્રાચાર્ય કે જેમની વિશ્વકોશ જેવી વિદ્વત્તા અને જે કંઈ સારું અને શ્રેષ્ઠ જ્યાંથી મળે ત્યાંથી સંગ્રહી લેવાની તમન્ના તથા પ્રસાદિક રજૂઆતને કારણે સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનો આ ગૌરવગ્રંથ રચાયો છે તેનું વિવરણ તથા વિવેચન કરવામાં એ સર્વ સજ્જતાનો તથા જ્ઞાનનો પ્રો. ઉપાધ્યાયે ઉપયોગ કર્યો છે. પ્રો. ઉપાધ્યાયનો અભિગમ ગ્રંથ તથા ગ્રંથકાર પ્રત્યે પૂરા સમભાવથી સભર છે અને હેમચન્દ્રાચાર્ય તથા ‘કાવ્યાનુશાસન'ની તેમની સમીક્ષા ન્યાયપૂર્ણ છે અને પ્રશંસા વાજબી છે. શ્રીહેમચન્દ્રાચાર્યે નિરૂપિત કરેલા વિવિધ વિષયોનું પ્રો. ઉપાધ્યાયનું વિવરણ-મૂલ્યાંકન પૂરેપૂરું વિશદ તથા શાસ્ત્રીય છે. આ ગ્રંથની વિસ્તૃત, વર્ણનાત્મક તથા વિશ્લેષણાત્મક અનુક્રમણિકા પાઠકોને નિઃશંક ઉપયોગી થશે. પ્રો. ઉપાધ્યાયનું ભાષાપ્રભુત્વ અને હૃદયંગમ લેખનશૈલી પ્રશંસા માગી લે છે. મુખ્યત્વે ગ્રંથના વિવરણ-વિવેચનની બાબતમાં પ્રો. ઉપાધ્યાયની વિશેષતા તરી આવે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તથા સૌંદર્યશાસ્ત્ર પરના અંગ્રેજીમાં રચાયેલાં ગ્રંથોમાં આ અધ્યયનગ્રંથથી એક નોંધપાત્ર ગ્રંથ ઉમેરાય છે – તેને ઉષ્માપૂર્વક આવકારું છું.’
- પ્રો. ડૉ. વિ. એમ. કુલકર્ણી, ઇન્ડોલોજિસ્ટ અને પ્રૌઢ વિદ્વાન વિલે-પાર્લે, મુંબઈ-૫૭