________________
હેમચન્દ્રાચાર્યે ત્રણગણા દાખલા આપ્યા છે અને તેનાં પ્રાકૃતમાંથી વીણેલા સંતપર્ક ઉદાહરણો ટાંક્યા છે. જાણીતાં ઉદાહરણો ચીવટપૂર્વક રજૂ કરવાની પ્રાચીન પરંપરાનું ગ્રંથકાર બરાબર પાલન કરે છે. પણ, કાવ્યશાસ્ત્રનો વિષય વ્યવહારલક્ષી તથા કૃતિલક્ષી છે એની જાણ હોવાથી, ગ્રંથકાર, સ્થળે સ્થળે એવાં ઉદાહરણો પણ રજૂ કરે છે જે અભ્યાસીના જ્ઞાનફલકને વિશાળ બનાવે છે. ‘વૃત્તિ’માં ગ્રંથકાર બિનજરૂરી તથા અસાંપ્રત વિસ્તાર ટાળે છે(જેમ કે, ‘ભાવાદિ’નું પદપ્રકાશ્યત્વ, વૃત્તિ પૃ. ૮ ૭). પરંતુ શાસ્ત્રમાં વધારે પ્રગતિ કરી ચૂકેલા અભ્યાસીને માટે, જ્યાં જરૂર હોય ત્યાં, ‘વિવેક’ વ્યાખ્યામાં પૂરક સંદર્ભસામગ્રી કે માહિતી આપતાં ગ્રંથકાર અચકાતા નથી. વળી, વિવરણને પૂરેપૂરું વિશદ કરવાના ઉત્સાહને કારણે (જેમ કે, ‘ભ્રમ ધાર્મિક’ એ ગાથા ખૂબ જ વિસ્તારથી સમજાવી છે), ગ્રંથકાર પુષ્કળ ઉદાહરણો, ઉદ્ધરણો, અવતરણો, દૃષ્ટાન્તો પ્રસ્તુત કરે છે(દા. ત. સૂત્ર ૧.૮, ૧:૧૦, ૧.૧૬ ઇ., ૧.૨૪ ઇ., ૨.૧, ૨.૧૭ ઇ., ૩.૩ ઇ.) હેમચંદ્રાચાર્યના ગ્રંથના સ્રોત
હેમચન્દ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’ના સ્રોતો તથા અધિકૃત આધારગ્રંથો પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્યે વિગતવાર દર્શાવ્યા છે અને ડૉ. વિ. એમ. કુલકર્ણીએ વિસ્તૃત તાલિકા બનાવીને એ માહિતીને તાદશ બનાવી છે. આ માહિતી મુજબ, ‘કાવ્યાનુશાસન’ના પ્રથમ અધ્યાયમાં ‘કાવ્યપ્રકાશનો' પ્રભાવ જોઈ શકાય છે અને એ જ અધ્યાયમાં વ્યંજના કે ધ્વનિ મતના સર્વોપરિપણાના નિરૂપણમાં ‘ધ્વન્યાલોક' તેમજ ‘લોચન’ એ બે ગ્રંથો માર્ગદર્શક બન્યા છે. શબ્દની વૃત્તિના નિરૂપણમાં તથા અન્યત્ર પ્રસંગોપાત્ત ‘કાવ્યપ્રકાશ’નો ઉપયોગ થયો છે – જો કે ઘણે સ્થળે (જેમ કે, ગૌણીવૃત્તિ, કવિપ્રૌઢોક્તિ, મધ્યમકાવ્યના ભેદો, કાકુવક્રોક્તિ વગેરેના નિરૂપણમાં) હેમચન્દ્રાચાર્ય, મમ્મટથી જુદા પડે છે. આ સંદર્ભમાં ડૉ. વિ. એમ. કુલકર્ણી કહે છે કે, ‘‘ઘણીબધી બાબતોમાં, હેમચન્દ્રાચાર્ય, વિચાર અને મંતવ્યની સ્વતંત્રતા દર્શાવે છે અને પોતાના પ્રતિષ્ઠિત પુરોગામી ગ્રંથકારોનું અંધ અનુકરણ કરવાની સ્પષ્ટ ના પાડે છે. દા.ત. મમ્મટે વર્ણવેલાં કાવ્યનાં છ પ્રયોજનોમાંથી ત્રણ પ્રયોજનોનો
હેમચન્દ્રાચાર્ય અસ્વીકાર કરે છે(પૃ. ૫-૬); મુકુલભટ્ટ અને મમ્મટથી જુદા પાડીને તેઓ કહે છે કે, લક્ષણા પ્રયોજનવતી જ હોઈ શકે છે... આનંવદવર્ધને(ધ્વ. આ. પૃ. ૭૨-૭૩) તથા મમ્મટે (કા. પ્ર. ૪) સ્વીકારેલા અર્થના ‘સ્વતઃ સંભવી’ વગેરે ત્રણ ભેદોનો તેઓ, યોગ્ય રીતે જ, અસ્વીકાર કરે છે; જીમૂતવાહનને ‘ધીરોમત્ત’ નાયક માનવા માટે હેમચન્દ્રાચાર્ય ધનિકની ટીકા કરે છે(કા. અ. શા. પૃ. ૧૨૩,
૬૨૯